Abtak Media Google News
  • સરકારી શાળાઓ ભૌતિક સુવિધાથી સજ્જ હોવા છતાં લોકોનો વિશ્વાસ સંપાદન કરી શકી નથી: આજે શિક્ષણમાં ખાનગી શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે: આજનુ શિક્ષણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે વિવિધ સગવડતાવાળું અપાતું હોવાથી ખૂબ જ ખર્ચાળ થઈ ગયું છે
  • શિક્ષણ આજે સતત બદલાતી પ્રક્રિયા છે, તેમજ વર્ગખંડમાં શિક્ષણ પુરૂ પાડવાના માધ્યમો પણ ઘણાં છે : આજના યુગમાં શિક્ષણ સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન અતિ આવશ્યક છે : વિશ્વ બદલાઇ રહ્યું છે, ત્યારે શિક્ષણમાં પણ વિવિધ બદલાવો આવી રહ્યા છે
  • નવા યુગમાં ડિસ્ટન્સ લર્નીંગ એજ્યુકેશને નવા દ્વાર ખોલતા હવે આગામી દિવસોમાં ઓનલાઇન ભણતર સાથે ટેસ્ટ પણ ઘેર બેઠા આપી શકશો એ દિવસો પણ હવે દૂર નથી

આજનું શિક્ષણ માત્ર પુસ્તક પુરતું સિમિત નથી તેની સાથે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિ, પ્રોજેક્ટનું વિશેષ મહત્વ છે. આજે ગમે તે ક્ષેત્રનું શિક્ષણ લો તો, તમને એની સાથે કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. શાળાઓ સ્માર્ટ સ્કૂલ બનતા વર્ગો સ્માર્ટ બનવાની સાથે વિવિધ પ્રોજેક્ટમાં જ્ઞાનકુંજ, કોમ્પ્યુટર લેબ, બાયસેગ પ્રસારણ, મીના રેડિયો જેવા શિક્ષણમાં ઉમેરાતા બાળકોનો સંર્વાંગી વિકાસ વધ્યો છે. આજે સ્માર્ટ ફોનનો ઉપયોગ પણ કોમ્પ્યુટર બેઝ આવતા બાળકોને એ શિખવામાં બહુ જ રસ પડે છે. સંગીત, ચિત્ર, રમત-ગમત સાથે કોમ્પ્યુટર શિક્ષણ પણ અતિ આવશ્યક છે.

માનવીના આસપાસના તમામ વ્યવસાયોમાં કોમ્પ્યુટરની અગત્યતા હોવાથી એ શિખવું જરૂરી બન્યું છે. ગામડાની ગ્રામ પંચાયત પણ હવે બધુ કામ ઓનલાઇન કરતાં સમાજના છેવાડાનો માનવી પણ કોમ્પ્યુટર શિક્ષણ સાથે જોડાઇ ગયો છે. હિસાબ-કિતાબ પણ કોમ્પ્યુટરમાં સ્ટોર થતા હવે પેપર લેસ વહિવટ કે ચોપડા રાખવાનું ભૂતકાળ થઇ ગયું છે. બાળકોને નાનપણથી જ શિક્ષણ સાથે આ વિષયક શિક્ષણ મળતા તે મોટો થાય ત્યારે તેના લાભા-લાભની ખબર પડે છે. બાળકો કોમ્પ્યુટરમાં એનિમેશન જોવે સાથે તેને જે એકમ સમજવાની મુશ્કેલી તે બાબતે તેમાંથી માહિતી મેળવી શકે છે. વિવિધ સોફ્ટવેર અને એપ્લીકેશનની મદદથી સ્વઅધ્યયન-સ્વમૂલ્યાંકન બાળક તેના સહારે જાતે કરવા લાગે છે.

માહિતીના સંગ્રહ કરીને સમય આવ્યે, ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે, સાથોસાથ માહિતીના આદાન-પ્રદાન માટે કોમ્પ્યુટર બેસ્ટ છે. આજના સમયમાં શિક્ષણમાં કોમ્પ્યુટર અનિવાર્ય જરૂરિયાત બન્યું છે. બાળક ધો.1 થી ગ્રેજ્યુએટ થયા બાદ જ્યારે સર્વિસ શોધવા જાય ત્યારે પ્રથમ પ્રશ્ર્ન પૂછે કે તમને કોમ્પ્યુટર આવડે છે? આજે ડોક્ટર પણ દવાનો કાગળ હાથે લખતા નથી. આજના યુગમાં તેના આગમને માનવીના ઘણા કામો સહેલા કરી દીધા છે. આજે શિક્ષણની સાથે માહિતી અને સંચાર સાથે રેડિયો, ટેલીવિઝન, વિડિયો, ડીવીડી, ટેલીફોન લાઇન અને મોબાઇલ ફોન સાથે ઉપગ્રહોની શ્રેણીઓ, કોમ્પ્યુટર અને નેટવર્ક હાર્ડવેર અને સોફ્ટવેર જેવાનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટના માધ્યમથી આજે દુનિયાભરની તમામ વસ્તુઓની માહિતી મેળવીને આપણાં જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ.

ઇન્ટરનેટની પ્રચલિત ભાષા અંગ્રેજી છે. મોબાઇલ ફોનની મુખ્ય ભાષા પણ અંગ્રેજી છે. વીન્ડો કે એન્ડ્રોઇડ બેઝ ફોન વપરાશને કારણે અભણ લોકો પણ અંગ્રેજીના નાના શબ્દો લખતા થઇ ગયા છે. આજે તો સમગ્ર શિક્ષણમાં કોમ્પ્યુટરનું વિશેષ મહત્વ છે. આજે તમામ વ્યવહારો પણ આ થીયરીથી કામ કરવાને કારણે લોકોએ હવેએ શિખવું જ પડે છે. સરકારે પણ ધો.6 થી 8 અને 9 થી 12 માં વિષય દાખલ કર્યો હોવાથી લોકો વધુને વધુ આ પરત્વે શિક્ષણ લેવા કાર્યરત થયા છે. આજે પુસ્તકોમાં પણ ક્યુ.આર.કોડ આવવા મંડ્યા છે. તેને તમે સ્કેન કરીને તેની પ્રવૃતિઓ, વિવિધ પ્રશ્ર્નો સાથે જાતે સ્વઅધ્યન કરી શકો છો.  તમારે બુકની પણ જરૂરીયાત રહેતી નથી. ફક્ત મોબાઇલ ફોન કે કોમ્પ્યુટરના માધ્યમથી તમો બધુ જ જાતે કરી શકો છો. બાલ મંદિરથી જ બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ તરફ વાળવા આજના સમયની તાતી જરૂરીયાત છે.

શિક્ષણની સાથે ઇન્ફરમેશન ટેકનોલોજીનો એક નવો યુગ શરૂ થઇ ગયો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં કોમ્પ્યુટરાઇઝેશન આવતા મલ્ટી મીડીયા સાથે પ્રોજેક્ટરો, બોર્ડ, પ્રિન્ટર્સ, સ્કેનર્સ, મોડેમ વિગેરે શિક્ષકો અને છાત્રો માટે જરૂરી અંગો બની ગયા છે. દરેક શાળામાં કોમ્પ્યુટર લેબ હોય છે. ઇલેક્ટ્રોનિક પાઠયપુસ્તકોનો જમાનો આવી ગયો છે. છાત્રને હવે વિકસવા માટે કોઇ સમસ્યા નડતી નથી. આજે તો શિક્ષણ માહિતી ટેકનોલોજીનું કેન્દ્ર છે. ઉચ્ચગુણવત્તા સાથે સ્વશિક્ષણની પૂરતી તક મળે છે. છાત્રોના વ્યક્તિગત બૌધ્ધિક વિકાસને વેગ સાથે નવી તકો પ્રદાન કરે છે. આજે દરેક ક્ષેત્રેમાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીને મહત્વ અપાય છે. શિક્ષણ કાર્ય દરમ્યાન અનેક બાબતો, મુદ્દા એવા આવે કે એને સીધે સીધુ સમજાવવું કઠિન હોય છે, જેમકે બ્રહ્માંડની રચના, પ્રાણીકોષ, ત્રિકોણ, પિરામીડ, વનસ્પતિ કોષ વિગેરે સમજાવવા માટે ટેકનોલોજી આપણી મદદ કરે છે. આજે શિક્ષકોને પણ આઇ.ટી.નું જ્ઞાન હોવું જરૂરી છે. વર્ગખંડમાં તેનો કેમ ઉપયોગ કરવો તે તેને જાણવું જરૂરી છે. આજ કારણે આજના યુગમાં શિક્ષણ અને ટેકનોલોજીનો સંગમ થયોને શિક્ષણમાં ઘરમૂળથી પરિવર્તન આવ્યું છે.

આજે છાત્રોને આંગણીના વેઢે રહેલું ઇન્ટરનેટ એક લાયબ્રેરી કરતાં પણ વધુ માહિતી ઉપલબ્ધ કરાવી શકે છે. આજે તો માહિતીના પ્રચાર-પ્રસારની ઝડપ દિવસેને દિવસે વધતી જાય છે. આજે તો શિક્ષણ મેળવવાના વિવિધ મોડેલ આવી ચુક્યા છે. જેથી ટેકનોલોજીને કારણે એક જ જ્ઞાનને જુદી-જુદી રીતે મેળવવાના ઘણા વિકલ્પો છે. ઓડિયો મારફતે શ્રવણ કરીને ગ્રાફિક્સ માધ્યમથી સ્ટોરી સમજે છે. ટેકનોલોજીએ શિક્ષણનો મુખ્ય સ્ત્રોત બનવામાં સફળતા મેળવી છે. શિક્ષણની ભૂમિકાને માત્ર જ્ઞાન મેળવવાથી આગળ લઇ જઇને કૌશલ્ય મેળવવા સુધી સહેલું કરી આપેલ છે. ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને આધુનિક શૈક્ષણિક પધ્ધતિઓ વિકસી છે. શાળાઓનું ફ્યુચર આવી ટેકનોલોજીના સહારે વધવા લાગ્યું છે.

કોમ્પ્યુટરનાં વિવિધ કોર્ષમાં બેઝીક કોર્ષ ગુજરાતી, અંગ્રેજી ટાઇપીંગ સાથે સી.સી.સી., સ્પોકન અંગ્રેજી, ટેલી, કોરલ ડ્રો, ફોટોશોપ, સી પ્લસ, વેબસાઇટ ડીઝાઇન, ગ્રાફિક્સ ડિઝાઇન વિગેરે જેવા કોર્ષો છે જે, ટૂંકાગાળામાં શીખીને છાત્રો તેનો શિક્ષણમાં ઉપયોગ કરી શકે છે. ધો.10 પાસ કે નાપાસ છાત્ર ટૂંકાગાળાનો આઇ.ટી.આઇ.માં વ્યવસાયલક્ષી ટેકનીકલ કોર્ષ કરીને સારૂ કમાય શકે છે. આજના મા-બાપોએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મહત્વને સમજીને તેના સંતાનોને આવા વિવિધ કોર્ષો કરવા પ્રેરણા આપવાની જરૂર છે. આજની 21 મી સદી જ્ઞાનની સદી છે ત્યારે છાત્રો વધુમાં વધુ જ્ઞાન મેળવીને તેનો વિકાસ કરે તે ખૂબ જ જરૂરી છે.

વિશ્વ બદલાઇ રહ્યું છે, ત્યારે શિક્ષણમાં પણ વિવિધ બદલાવો આવતાં જ રહેશે

સમગ્ર દુનિયામાં શીખવવાની જગ્યાએ શીખવા દેવાની પધ્ધતિ આવી ગઇ છે. આપણાં દેશમાં શોધોના ઉપયોગ કરતાં દુરૂપયોગ અને ફાયદા કરતા ગેરફાયદા ઝડપથી ફેલાય છે. બાળકની રૂચિ મુજબ, અનુકૂળતા મુજબ અને ઉત્તમ શિક્ષણ ઇન્ટરનેટના માધ્યમથી આપી શકાય છે. કોમ્પ્યુટર એડેડ લર્નીંગ પ્રોગ્રામમાં શીખવું અને માપવું એક ગમ્મત છે. ગ્રામ્ય તથા શહેરી બાળકોને એક સરખી તક મળે છે. ધો.1 થી 7 માં બાળકોને આકર્ષવા તથા ટકાવી રાખવા માટે આ પધ્ધતિ જરૂરી છે. રમતા-રમતાને મજા કરતાં શીખવું તથા બધા માટે સરખુ જ્ઞાન થકી ભણતરની ગુણવત્તા વધારી શકાય છે. શિક્ષણમાં હવે શિક્ષકની સાથે દ્રશ્ય શ્રાવ્ય સાધનો અને સ્માર્ટ ક્લાસરૂમ થકી બાળકોમાં અભ્યાસ પરત્વે રસ-રૂચી વધારી શકાય છે.

વર્ષોથી ચાલી આવતા પુસ્તિકયા જ્ઞાન હવે 21 મી સદીમાં ન ચાલે, આજે બે-ત્રણ વર્ષનો ટેણીયો મોબાઇલમાં ઇન્ટરનેટના માધ્યમથી વિવિધ ગેમ્સ રમે છે ને ડાઉનલોડ કરે છે. રીડીંગ સોફ્ટવેરની મદદથી તેઓ શ્રવણ કૌશલ્ય ખીલવી શકે છે. કોરોનાકાળમાં ઓનલાઇન સીસ્ટમે શિક્ષણ સાથે છાત્રોને જોડ્યા, તો હવે તેનો અનુભવ લઇને આગામી દિવસોમાં ગુણવત્તાસભર શિક્ષણ માટે તેનો સદ્ઉપયોગ કરવો જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.