Abtak Media Google News

‘રસીની રસ્સા ખેંચ’યથાવત

ભારતની સ્વદેશી રસી કોવિશીલ્ડ અને એમઆરએનએ બેઝડ રસી એમ બંનેના ડોઝ આપવાથી કોરોનાનું જોખમ અનેકગણું ઘટી જતું હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના આવ્યો ત્યારથી શરૂ થયેલી રસીની રસ્સાખેંચ હજુ પણ યથાવત જ છે. અગાઉ રસીની કિંમત, આડઅસર, વિશ્વસનીયતા અને સંગ્રહક્ષમતાને લઈ રસ્સાખેંચ શરૂ હતી પણ હવે આ સાથે કઈ રસીના કેટલા ડોઝ આપવા..? એકલી રસીના બે કે ત્રણ ડોઝ આપવા એના કરતા બે રસીનું મિશ્રણ કરી ડોઝ આપવામાં આવે તો..? તે પર રસ્સાખેંચ જામી છે.

અંતે કોરોના સામે સંપૂર્ણપણે સુરક્ષા કવચ કેવી રીતે મેળવી શકાય તે ઉપર વૈજ્ઞાનિકો સહિત નિષ્ણાંત ડોક્ટરો મથામણ કરી રહ્યા છે. તાજેતરમાં રસીના મિશ્રણ પર સ્વીડનમાં આશરે 7 લાખ લોકો પર એક રાષ્ટ્રવ્યાપી અભ્યાસ કરવામાં આવ્યો હતો. એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ભારતની સિરમ ઈન્સ્ટિયુટ દ્વારા બનાવાયેલી રસી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ અને ત્યારબાદ બીજા ડોઝમાં એમઆરએનએ રસી આપવામાં આવી હતી.

આ અભ્યાસમાં એ જાણવા મળ્યું કે, કોવિશિલ્ડના બંને ડોઝ લેનારા લોકોની તુલનામાં બે અલગ અલગ રસીનું મિશ્રણ લેનારા લોકોમાં ચેપનું જોખમ ઓછું હતું. એટલે કે આશરે સાત લાખ જેટલા લોકો પર કરાયેલા અભ્યાસ પરથી એ સાબિત થયું કે કોવિશિલ્ડ અને એમઆરએનએ એમ બંને રસી આપવાથી કોરોના સામે મજબૂત રક્ષણ મળે છે.

સ્વીડનની ઉમિયા યુનિવર્સિટીના પ્રોફેસર પીટર નોર્ડસ્ટ્રોમે કહ્યું, કે રસી ન લેવી એના કરતાં કોઈપણ માન્ય રસી મેળવવી વધુ સારી છે અને એક ડોઝ લેવા કરતા બે ડોઝ વધુ સારા છે. એક જ પ્રકારની રસીના બે ડોઝ લેનારાની તુલનામાં બે અલગ અલગ રસી લેનારાઓમાં કોરોનાનું જોખમ ઓછું છે. જણાવી દઈએ કે સોમવારે ધ લેન્સેટ રિજનલ હેલ્થ – યુરોપ જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસ સ્વીડનની પબ્લિક હેલ્થ એજન્સી, નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલ્ફેર અને સ્ટેટિસ્ટિક્સ સ્વીડનના રાષ્ટ્રવ્યાપી રજિસ્ટ્રી ડેટા પર આધારિત છે.

નોંધનીય છે કે, હાલ આ અભ્યાસના પરિણામો અતિમહત્વના છે. તે આગામી દિવસોમાં વિવિધ દેશોમાં રસીકરણની વ્યૂહરચનાઓ પર અસર કરી શકે છે. નોંધનીય છે કે અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે મિક્સ-એન્ડ-મેચ રસીકરણથી પ્રતિરક્ષા પ્રતિભાવ અંગેના અગાઉના અભ્યાસોના આશાસ્પદ પરિણામો હોવા છતાં, ક્લિનિકલ પરિણામો સામે તેમની સલામતી અને અસરકારકતાની તપાસ માટે મોટા અભ્યાસની જરૂર છે.

અભ્યાસના મુખ્ય મુદ્દા

  • આશરે 7 લાખ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો
  • પ્રથમ ડોઝ કોવિશિલ્ડનો જ્યારે બીજો ડોઝ mRNA રસીનો અપાયો
  • એક જ પ્રકારની રસીના બે ડોઝ લેનારાની સરખામણીમાં બે અલગ અલગ રસીના ડોઝ લેનારા લોકોમાં કોરોનાનું જોખમ ઓછું જણાયું
  • અભ્યાસમાં એસ્ટ્રાઝેનેકા (કોવિશિલ્ડ) અને ફાઇઝર વેક્સિન મિશ્રણના ડોઝ આપવાથી કોરોના ચેપનું જોખમ 67 ટકા ઓછું થઈ જતું હોવાનું તારણ
  • રસીના લેનારાની સરખામણીમાં એસ્ટ્રાઝેનેકા (કોવિશિલ્ડ) અને મોર્ડેના વેક્સીનનું મિશ્રણ લોકોમાં કોરોના ચેપનું જોખમ 79 ટકા ઓછું કરતું હોવાનું તારણ
  • રસીકરણની તારીખ, રસી લેનારાઓની ઉંમર, સામાજિક-આર્થિક સ્થિતિ અને COVID-19 માટેના અન્ય જોખમ પરિબળોને લગતા તફાવતોને ધ્યાનમાં લઈ આ અભ્યાસ કરવામાં આવ્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.