Abtak Media Google News

રાજયસભામાંથી શંકર વેગડની વિદાય નિશ્ચિત: પુરૂષોતમ રૂપાલા ચાલુ રહે તેવી સંભાવના

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય મળ્યો છે પરંતુ ઓછા માર્જીનથી વિજયના કારણે રાજયસભાની બેઠકો ઘટશે. ૧૮૨ બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં ચાર બેઠકો (૩૬ ધારાસભ્યો પર એક રાજયસભા બેઠક) છે. ભાજપના ૯૯ ધારાસભ્યો અને કોંગ્રેસના ૭૯ ધારાસભ્યો છે. આ ગણતરી મુજબ બન્ને પક્ષોને રાજયસભાની બે બેઠકો મળશે. રાજયસભાની ચાર બેઠકો પર ગુજરાતના ચારેય પ્રતિનિધિ ૨૦૧૮માં નિવૃત થવા જઈ રહ્યાં છે ત્યારે નાણામંત્રી અરૂણ જેટલીને ગુજરાતની બહાર કઢાશે કે મનસુખ માંડવીયાને ગુજરાતમાં મુકાશે તે અંગે ચર્ચાએ જોર પકડયું છે.

રાજયસભામાંથી શંકર વેગડ વિદાય લઈ રહ્યાં હોવાની વાત તો નિશ્ર્ચિત છે. એપ્રિલમાં ભાજપના ૪ રાજયસભા સાંસદ પોતાનું સત્ર પૂરું કરી નિવૃત થશે જેમાં નાણામંત્રી અરૂણ જેટલી, પુરુષોતમ રૂપાલા, મનસુખ માંડવીયા અને શંકરભાઈ વેગડ છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને ગુજરાતની જગ્યાએ અન્ય કોઈ રાજયમાંથી રાજયસભામાં મોકલવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ મનસુખ માંડવીયાને ફરીથી સ્થાનિક રાજકારણમાં એકટીવ બનાવાય તેવા પણ એંધાણ છે.

રાજયસભામાં ભાજપની બે બેઠકો ગુજરાતના કારણે ભલે ઘટી ગઈ હોય પરંતુ પક્ષને ઉત્તરપ્રદેશની ૭ બેઠકો અને મહારાષ્ટ્રથી બે બેઠકો મળશે. હિમાચલ પ્રદેશના પરિણામોના કારણે ભાજપ હિમાચલની રાજયસભાની બેઠક જાળવી રાખશે. નાણા પ્રધાન અ‚ણ જેટલીને અન્ય રાજયમાંથી રાજયસભાના સાંસદ તરીકે ચૂંટવા મુકાશે.

બે સીટ હોવાના કારણે સ્થાનિક આગેવાનને પ્રાધાન્ય અપાય તેવી શકયતા છે.

રાજયસભામાં ગુજરાતમાંથી શંકર વેગડની વિદાય નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે. બીજી તરફ રાજય માર્ગ અને પરિવહન તેમજ કેમીકલ અને ફર્ટીલાઈઝર મંત્રી મનસુખ માંડવીયાને ગુજરાતમાં મુકવામાં આવે તેવી શકયતા પણ વ્યકત થઈ રહી છે. રૂપાલા અને માંડવીયા પાટીદાર નેતા હોવાથી નેતાગીરીમાં સંકલન જાળવી રાખવું ભાજપ માટે મહત્વનું બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.