Abtak Media Google News

કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તા.27થી 30 સુધી મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટનો નિર્ણય

હોળી અને ધુળેટીના પર્વે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વીરપુરનું સુપ્રસિદ્ધ જલારામ મંદિર ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે દર્શનાર્થીઓને તા.27થી 30 સુધી દર્શન માટે વીરપુર ન આવવાનો ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાએ ફરી કહેર મચાવ્યો છે. દરરોજ નવા કેસમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં જાહેર સ્થળો પર લોકોની ભીડ એકઠી ન થાય, દુકાનો-સ્ટોર પર લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક પહેરે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મંદિરોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને પૂજા કરતી વખતે અમુક શરતો સાથે દર્શનાર્થીઓને છૂટછાંટ અપાઈ છે. નિયમો, સાવચેતી વચ્ચે પણ કોરોના બેકાબુ બની રહ્યો છે. જેથી આગામી હોળી – ધુળેટીના તહેવાર પર ભાવિકો મોટી સંખ્યામાં વીરપુર ખાતે જલારામ બાપાના દર્શન માટે આવતા હોય ત્રણ દિવસ સુધી વિરપુરનું જલારામ મંદિર અતિથિ અને મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

કોરોના મહામારીને ધ્યાને લઈને લોકોનું સુરક્ષા માટે જલિયાણધામ વિરપુર તા. 27 માર્ચ થી 30 માર્ચ સુધી મુલાકાતીઓ, દર્શનાર્થીઓ અને અતિથિઓ માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત વર્ષે તા. 30/8/2020 થી 1/10/2020 સુધી એક માસ માટે મંદિર બંધ રાખવા વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપા જયસુખરામબાપા ચાંદ્રાણીએ જાહેરાત કરી હતી. ઉપરાંત ગત જન્માષ્ટમીના તહેવારો પર મંદિરમાં ભીડ એકઠી ન થાય તે માટે 12 દિવસ મંદિર બંધ રહ્યું હતું. ત્યારે ફરી એક વાર તકેદારીના ભાગરૂપે મંદિર ભાવિકો માટે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.