Abtak Media Google News

તાજેતરમાં રાજ્યભરની જેલોમાં પડેલા દરોડા બાદ જામરથી સજ્જ  કરવા તખ્તો તૈયાર : રાજકોટ સહિતની અનેક જેલો અગાઉથી જ જામરયુક્ત

દેશભરની હાલની સેન્ટ્રલ જેલોને આધુનિક અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા આપવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. તેવા સમયમાં થોડા દિવસો પૂર્વે જ રાજ્યના 17 જિલ્લાઓની જેલમાં એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અનેક જેલોમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા ત્યારે હવે આ જેલોને જામરથી સજ્જ કરવા તરફ પગલું ભરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

Advertisement

ગુજરાતની જેલોમાં તાજેતરમાં પાડવામાં આવેલા દરોડામાં સુરત શહેરની લાજપોર જેલના કેદીઓ પાસેથી 10 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. લાજપોર જેલ રાજ્યની સૌથી આધુનિક જેલ તરીકે ગણવામાં આવે છે.  આ જેલનું ઉદ્ઘાટન વર્ષ 2012માં કરવામાં આવ્યું હતું.  પરંતુ જેલની આધુનિકતા અને મજબુત સુરક્ષા વ્યવસ્થાના દાવાથી વિપરીત આ જેલમાં અત્યાર સુધી મોબાઈલ ફોન જામર લગાવવામાં આવ્યા નથી એવી હકીકત સામે આવી હતી.

તાજેતરના દરોડામાં, લાજપોર જેલમાં કેદીઓના કબજામાંથી ઘણા એક્ટિવેટેડ સિમ કાર્ડ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. કેદીઓ પાસેથી મોબાઈલ ફોન અને સિમકાર્ડ મળ્યા બાદ મોટાભાગની તપાસમાં હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યા. સુરત શહેરમાં કેટલાક ગંભીર ગુનાના કેસની તપાસમાં લાજપોર જેલના અનેક કેદીઓની સંડોવણી બહાર આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે કેદીઓએ મોબાઈલ ફોન દ્વારા શહેરની બહાર તેમના ઓપરેટિવ્સને સૂચનાઓ આપી હતી.

ત્યારે હવે રાજ્યભરની મોટાભાગની જેલોને જામરથી સજ્જ કરીને મોબાઈલ ફોનના ઉપયોગ પર સર્જીકલ સ્ટ્રાઈક કરવાની તાતી જરૂરિયાત ઉભી થતાં હાલ આ મુદ્દે ઉચ્ચ સ્તરીય ચર્ચા ચાલી રહી હોય તેવી સુત્રોમાંથી માહિતી મળી રહી છે. બીજી બાજુ રાજકોટની મધ્યસ્થ જેલ અગાઉથી જ જામર સિસ્ટમથી સજ્જ છે જેના લીધે કેદીઓ કદાચ તંત્રની નજર ચૂકવી મોબાઈલ ફોન અંદર લઈ જવામાં સફળ થાય તો પણ જામરને લીધે નેટવર્ક મળી શકે નહીં અને પરિણામે મોબાઈલનો ઉપયોગ કરી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.