Abtak Media Google News

અત્યાધુનિક જામર ફક્ત જેલમાં જ કાર્યરત રહેશે: આસપાસના રહેવાસીઓને નહીં પડે હાલાકી

રાજ્યોની જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં નિવેદન મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જેલોમાં 16 હજારથી વધુ કેદીઓની સુરક્ષા જળવાઈ રહે તે જરૂરી છે અને સાથોસાથ કોઈ પણ પ્રતિબંધિત હિલચાલ ન થાય તે પણ જરૂરી છે જેને ધ્યાનમાં રાખી હવે જેલોને હવે 5જી જામરથી સજ્જ કરવામાં આવનાર છે. ખૂબ જ ઉલ્લેખનીય બાબત છે કે, અબતક મીડિયાએ એક દિવસ અગાઉ જ આ અહેવાલ રજૂ કર્યો હતો કે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, રાજ્યની મોટાભાગની જેલોમાં હવે ’જામર’ ફરી વળશે જેના એક જ દિવસ બાદ આ અહેવાલ સામે આવતા ’અબતક’ મીડિયા વધુ એકવાર અગ્રેસર રહ્યું છે.

Advertisement

ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગતરોજ 24 માર્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ અચાનક જ મોડી રાતે રાજ્યની 17 જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બોડી વોર્ન કેમેરા સાથે 17 જેલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા પહોંચ્યો હતો.

જેનું સીધું પ્રસારણ કંટ્રોલરૂમમાં થઈ રહ્યું હતું.  આ આખા ઓપરેશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ ડેશ બોર્ડથી લાઈવ જોઈ રહ્યા હતા, જ્યારે ગૃહરાજ્યમંત્રી કમાન્ડ કંટ્રોલ રૂમથી ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આ ગુપ્ત ઓપરેશનને જોઈને ઘણાં મોટા અધિકારીઓનો પણ પરસેવો છૂટી ગયો હતો. ગુજરાત સરકારના ’ઓપરેશન જેલ’ અંગે ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટના ધારાસભ્ય ઉદય કાંગડ અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીના પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રી દ્વારા આ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જેલોમાં નવા 5ૠ ટેક્નોલોજીના જામર લગાવવામાં આવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જેલોમાં 16 હજારથી વધુ કેદીઓની સુરક્ષા જળવાઈ રહે તે જરૂરી છે. કેદીઓના ચહેરા પર ડર જોઈ શકાય છે. આગામી દિવસોમાં જેલમાં દરોડા પાડવામાં આવશે.

રાજ્યની જેલોમાં પાડવામાં આવેલા દરોડા મામલે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 17 જેલમાં 1700 પોલીસકર્મીઓએ તપાસ કરી હતી. જેલમાં લાઈવ તપાસ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઈલ મળી આવ્યા છે. સાથે જ 10 ઈલેક્ટ્રિક વસ્તુ, 39 ઘાતક સામાન, 3 માદક પદાર્થ મળ્યા છે.

દરોડા દરમિયાન 10 જેલમાં ધુમ્રપાનની ચીજો મળી આવી છે. ચેકિંગ દરમિયાન રસોઈના સાધનો, પેનડ્રાઈવ મળી આવી છે. 17 જેલમાંથી 5 જેલમાં કોઈ પ્રતિબંધિત ચીજો મળી આવી નથી. પ્રતિબંધિત ચીજો મળવા બાબતે એસઓજી દ્વારા તપાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.