Abtak Media Google News

જામકંડોરણા તાલુકાના સોળવદર ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થયેલી બોલાચાલી બાદ બે દિવસ પહેલાં ઝાંઝમેર રોડ પર ચાની હોટલે થયેલા ઝઘડાનો ખાર રાખી છ શખ્સોએ સરપંચની ચૂંટણીમાં પરાજીત થયલા પ્રૌઢ પર ધારિયા અને લાકડીથી હુમલો કરતા સારવાર માટે અહીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

ઉપસરપંચ સહિત છ શખ્સોએ ધારિયા અને લાકડીથી હુમલો કરી ભાગી ગયાનો નોંધાતો ગુનો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોળવદર ગામે રહેતા અતુલભાઇ છગનભાઇ આલોદરીયા નામના 57 વર્ષના પટેલ પ્રૌઢ પર તેનાજ ગામના લખધિરસિંહ દિલુભા જાડેજા, જયેન્દ્રસિંહ દિલુભા જાડેજા,  મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજા, હરવિજયસિંહ જયદેવસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ દિલુભા જાડેજા અને ખેંગારસિંહ જાડેજા નામના શખ્સોએ ધારિયા અને લાકડીથી માર માર્યાની જામ કંડોરણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

સોળવદર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી અતુલભાઇ આલોદરીયા અને મહેશભાઇ ભાલોડીયા સામસામે લડયા હતા. ત્યારે જયદેવસિંહ ખેંગારસિંહ જાડેજા વચ્ચે ઝઘડો થયો હતો. મહેશભાઇ ભાલોડીયાની પેનલ વિજેતા બનતા જયદેવસિંહ જાડેજા ઉપસરપંચ બન્યા હતા. ચૂંટણી સમયથી ચાલતા ઝઘડા દરમિયાન બે દિવસ પહેલાં અતુલભાઇ આલોદરીયા ઉપલેટા જઇ રહ્યા હતા ત્યારે ઝાંઝમેર રોડ પર હનિફભાઇની પ્યાસા હોટલે પ્રવિણસિંહ જાડેજાએ ચા પીવાનું કહેતા ત્યાં હોટલે ચા પીવા માટે ઉભા હતા તે દરમિયાન જયદેવસિંહ  જાડેજા ત્યાં આવીને ઝઘડો કર્યો હતો. ત્યારે બંનેને પ્રવિણસિંહ જાડેજા અને રજાકભાઇ કુરેશી છોડાવ્યા હતા.ગઇકાલે અતુલભાઇ આલોદરીયા જામટીંબડી રોડ પર આવેલી પોતાની વાડીએ ગયા અને બાઇક પર પરત આવી રહ્યા હતા ત્યારે મોડવદરીયું ચેક ડેમ પાસે પહોચ્યા ત્યારે લખધિરસિંહ જાડેજા, હરવિજયસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા અને સિધ્ધરાજસિંહ જાડેજાએ ધારિયા અને લાકડીથી હુમલો કર્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલા અતુલભાઇ આલોદરીયાને જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જામકંડોરણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એસ.જી.ગોહિલ સહિતના સ્ટાફે જયેદવસિંહજાડેજા સહિત છ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.