Abtak Media Google News

સતત બીજા દિવસે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહ્યા

Img 20180501 Wa0013

જામનગરના ખ્યાતનામ વકીલ કિરીટભાઈ જોષીની શનિવારે થયેલી નિર્મમ હત્યાથી કાળઝાળ બનેલા જામનગર બાર એસોસિએશને આજે સતત બીજા દિવસે કાર્યવાહીથી દૂર રહી બાઈક રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં વકીલો પરના વધેલા હુમલાના કારણે સરકારને વકીલોના પ્રોટેકશન માટેના કાયદાનું નિર્માણ કરવા અનુરોધ કરવાની સાથે જે વકીલો પોતાના સ્વરક્ષણ માટે હથિયારના પરવાનાની માગણી કરે તેઓને તાત્કાલિક પરવાનો ફાળવવાની પણ માગણી કરવામાં આવી છે.

જામનગરના જાણીતા એડવોકેટ અને જામનગર બાર એસોસિએશનના સિનિયર સભ્ય કિરીટભાઈ એચ. જોષીની ગઈ તા.ર૮ની રાત્રે નવેક વાગ્યે નગરના હાર્દસમા અને સતત ધમધમતા ટાઉનહોલ વિસ્તારમાં તેઓની ઓફિસની નીચેના જ ભાગમાં બાઈક પર ધસી આવેલા બે હત્યારાઓએ કાયદાનો ડર રાખ્યા વગર બેખૌફ બની છરીના અસંખ્ય વાર કરી તેઓની ક્રુરતાથી નિપજાવેલી હત્યાના ઘેરા પડઘા પડયા છે.

પોતાના સાથીની હત્યા થતા કાળઝાળ બનેલા જામનગરના બાર એસોસિએશને ગઈકાલે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા માટે વકીલ મિત્રોને આહ્વાન કર્યા પછી આજે પણ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો જેમાં રેવન્યુ બાર એસો.ના સભ્યો પણ જોડાયા હતા. આજે સવારે અગિયાર વાગ્યે જામનગરના ન્યાયાલયની ઈમારતમાં આવેલા એસોસિએશનના ખંડમાં સ્વ્. કિરીટભાઈને શ્રદ્ધાંજલિ અર્પવા માટે શોકસભા (રેફરન્સ) યોજ્યું હતું ત્યાર પછી બાર એસો.ના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ રાજેશ કનખરા, મંત્રી ભાવિન ભોજાણી, સહમંત્રી કિશોરસિંહ ઝાલા, રિતેશ ગંઢા, ખજાનચી મનોજ ઝવેરી તેમજ અન્ય સિનિયર વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં હત્યાના આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો.

તે પછી નગરના તમામ વકીલ મિત્રોએ ન્યાયાલયથી બાઈક રેલી યોજી કલેકટર કચેરીએ પહોંચી એડવોકેટ કિરીટભાઈ જોષીના હત્યારાઓને પકડી પાડવા તેમજ સખત નશીયત આપવાની માગણી સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા મુજબ વકીલો પોતાના વ્યવસાયના ભાગરૃપે પૂરી નિષ્ઠાથી પોતાના અસીલને ન્યાય અપાવવા લડતા હોય છે. દરેક કેસમાં બન્ને પક્ષકારોની ક્યારેય જીત થતી હોતી નથી, હાર-જીતનો ચૂકાદો નામદાર અદાલતે આપવાનો હોય છે ત્યારે કોઈપણ ચૂકાદો, કોઈ પક્ષકારની વિરૃદ્ધ આવે તો તે ચૂકાદા સામે અપીલ, રીવીઝનની જોગવાઈ પણ છે આવા ચૂકાદામાં કોઈ વકીલને જવાબદાર ગણી શકાય નહી, લોકશાહીમાં ન્યાયતંત્રને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે લોકશાહીના ચાર સ્થંભ પૈકીના એક સ્થંભ એડવોકેટ દ્વારા પોતાના અસીલને ન્યાય અપાવવા માટે પ્રતિનિધિ તરીકે, કાયદાએ આપેલી સત્તા મુજબ કાર્ય કરવાના હોય છે તેમ છતાં કેટલાક સમયથી વકીલો પર હુમલાના બનાવો વધતા જાય છે તે બાબતને ગંભીરતાથી લેવી જરૃરી બની છે.આ ઉપરાંત નગરના બાર એસો.એ માગણી કરી છે કે, એડવોકેટ કિરીટભાઈની હત્યાની ન્યાયીક અને તટસ્થ તપાસ કરી વહેલામાં વહેલી તકે સીધા કે આડકતરી રીતે સંડોવાયેલા તમામ સાચા આરોપીઓને પકડવામાં આવે અને જામનગરમાં ક્રિમિનલ, સિવિલ કે રેવન્યુની પ્રેક્ટિસ કરતા અંદાજે પંદરસો પૈકીના જે વકીલો મોડે સુધી કામ કરતા હોય અને તેઓને પોતાના સ્વરક્ષણ માટે જો રિવોલ્વરની જરૃરિયાત લાગે તો તેઓ લાયસન્સ મેળવવા અરજી કરે તો તેઓને તાત્કાલિક લાયસન્સની ફાળવણી કરવામાં આવવી જોઈએ જેથી વકીલો નિર્ભયતાથી પોતાની ફરજ બજાવી શકે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.