Abtak Media Google News

જામનગર  સમાચાર

જામનગર મહાનગરપાલિકાએ રંગેચંગે જાહેરાત કરી હતી કે, અમોએ રાજય સરકારના ટેકાથી લાલપુર બાયપાસ ફ્લાયઓવરનું કામ શરૂ કરી દીધું છે. થોડુંઘણું ’નાટક’ કરવામાં આવ્યું, પછી મહાનગરપાલિકા આ મહત્વનું કામ ભૂલી જ ગઈ !!
લાલપુર બાયપાસ પર લાલપુર રોડ તરફથી રાતદિવસ હજારો ભારે વાહનો ચોકડી પર પહોંચે છે. યાત્રાધામ દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા તરફથી પણ પ્રત્યેક ચોવીસ કલાકમાં હજારો વાહનો આ ચોકડી પરથી પસાર થાય છે. દરેડના સેંકડો ઉદ્યોગકારો અને હજારો કામદારો રણજિતસાગર રોડ(શહેર) તરફથી આ ચોકડી વટાવી ઉદ્યોગનગરોમાં અવરજવર કરે છે. અને, રાજકોટ-દ્વારકાનો અતિ વ્યસ્ત રાજય ધોરીમાર્ગ પણ આ ચોકડીનો હિસ્સો છે, જેને કારણે સરવાળે આ ચોકડી અતિ વ્યસ્ત અને જોખમી છે .

જયાં અવારનવાર અકસ્માત અને દિવસમાં બે ત્રણ વખત ટ્રાફિક જામ થઈ જાય છે. હજારો વાહનચાલકો પારાવાર હાલાકીઓ વેઠવા મજબૂર બને છે. એમ્બ્યુલન્સ પણ અવારનવાર ફસાઈ જાય છે. આ બધી બાબતોને કારણે રાજય સરકારે દાયકાઓ જૂની માંગ સ્વીકારી અહીં ફ્લાય ઓવર બનાવવા મંજૂરી આપી અને સૌ લાગતાં વળગતાંઓએ પોતાના હાથે પોતાની પીઠ થપથપાવી પણ લીધી. અને ઉત્સાહ દેખાડવા અથવા અમે કામ કરીએ છીએ એવું દેખાડવા અથવા અમને લોકોની ચિંતાઓ છે એવું દેખાડવા- મહાનગરપાલિકાએ શરૂઆતમાં આ જગ્યા પર થોડુંક કામ દેખાડયું. થોડાંક દબાણો આમતેમ આઘાપાછાં કર્યા, બેચાર દિવસ જેસીબીની તસવીરો પણ ખેંચાવી અને પછી લાંબા સમયથી મહાનગરપાલિકાના શાસકો આ કામ ભૂલી ગયા !! મહિનાઓથી કામ ભૂલાઈ ગયું અને કાયમી તથા ભયાનક સમસ્યાઓ યથાવત્ !!ઉદ્યોગકારો અને હજારો કામદારો સહિત લાખો વાહનચાલકો ઈચ્છે છે કે આ ફ્લાય ઓવરનું કામ ઝડપથી શરૂ થાય અને રોકેટગતિએ પૂરું થાય. શાસકો અને મહાનગરપાલિકા નિષ્ઠા અને આવડત દેખાડશે કયારે ?! એવો પ્રશ્ન હજારો લોકો પૂછી રહ્યા છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.