Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર મહાનગરપાલિકામાં થોડાં થોડાં સમયે ડી.પી. એટલે કે ડેવલપમેન્ટ પ્લાન એટલે કે વિકાસ નકશો ચર્ચામાં આવે છે. જોવાની ખૂબી એ છે કે, કોઈ પણ- આ પ્રકારના કેસમાં ન તો શાસકપક્ષ, ન તો પદાધિકારીઓ અથવા ન તો અધિકારીઓ દ્વારા કોઈ સતાવાર નિવેદન આવે છે. અને બીજી તરફ સમગ્ર વિવાદી મામલાઓને સૂલટાવી લેવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે !
વિકાસ નકશા સહિતના આ પ્રકારના દરેક વિવાદમાં એક કોમન ફેકટર એ હોય છે કે, આ પ્રકારની વિગતો કોર્પોરેશનમાંથી જ ચોક્કસ કક્ષાએથી આયોજિત રીતે લીક કરવામાં આવે છે અને કોર્પોરેશનના લાગતાં વળગતાં ગોલ કરી લ્યે છે અને રેફરી ધીમેકથી નિર્ણય જાહેર કરે છે કે, રમત નિયમો અનુસાર રમવામાં આવી છે, કયાંય કોઈ ઘાલમેલ કે ફિક્સિંગ નથી.આ વખતે પણ આમ જ બનશે ?! જામનગર મહાનગર બનવા તરફ હરણફાળ ભરી રહ્યું હોય, લગડી જમીનોના પ્રકરણ ક્રમશ: વહેતાં થઈ રહ્યા છે. આ પ્રકારનું વધુ એક પ્રકરણ બહાર આવવા પામ્યું છે.

Advertisement

આ વખતે વિકાસનકશા (ડેવલપમેન્ટ પ્લાન) સાથે ’ખેલ’ પડયો હોવાનું સમજાઈ રહ્યું છે !અત્યંત આધારભૂત સૂત્ર કહે છે: લાલપુર બાયપાસથી રણજિતસાગર તરફ જતાં રોડ પર, નવા બનેલાં બ્રિજ અને ધોરીવાવ વચ્ચે મહાનગરપાલિકાએ ઘણાં સમય પહેલાં એક વિકાસનકશો બેસાડયો છે. આ જમીનોનો કબજો શહેરની હદ વધતાં કોર્પોરેશન પાસે આવ્યો. બાદમાં આ જમીનો પૈકી એક જમીન અંગે કોર્પોરેશન સાથે વાટાઘાટ કરીને એક બિલ્ડરે જેતે સમયે નકશામાં ફેરફાર કરીને જાડાએ બનાવેલા લે-આઉટ મુજબ, પોતાના પ્લાન કોર્પોરેશનમાં પાસ કરાવી લીધાં. આ કામ શહેરના પૂર્વ કમિશનરના કાર્યકાળ દરમ્યાન દોઢબે વર્ષ પહેલાં ’પતાવી’ લેવામાં આવેલું એમ સૂત્ર જણાવે છે. પૂર્વ કમિશનર વિજયકુમાર ખરાડી જામનગરમાં ઘણાં ખેલ કરી ગયા હોવાની ચર્ચાઓ છે. આખરે તેઓને જામનગરથી ભગાડવામાં આવ્યા અથવા પાટનગરમાં છત્રછાયા હેઠળ સુરક્ષિત કરી લેવામાં આવ્યા !

તાજેતરમાં કોર્પોરેશને એટલે કે કમિશનરે આ સ્થળની વિઝિટ લીધી. ત્યારે જાણમાં આવ્યું કે, અહીંના વિકાસનકશામાં જે રોડ 30 મીટર પહોળો દેખાડવામાં આવ્યો છે તે રોડનો 20 મીટર જેટલો હિસ્સો બચવા પામ્યો છે. જેમાં 10 મીટર જેટલી જગ્યા ઘટે છે, કારણ કે ત્યાં દબાણ છે! જ્યાં રોડ પર બાઉન્ડ્રી પણ મૌજૂદ છે! અને તેથી આ પ્લાનને કોર્પોરેશન એન.ઓ.સી. કેવી રીતે આપી શકે ?! અને તેથી એન.ઓ.સી. મેળવવા આ કદાવર બિલ્ડરે કોર્પોરેશનમાં દાવ લગાવવાનું શરૂ કર્યું હોવાનું સૂત્ર જણાવે છે.

હવે આ બિલ્ડર નિયમ મુજબની જગ્યા છોડવાના મુદામાં આ દબાણનો બદલો મેળવી લેવા ઈચ્છે છે! તો શું કોર્પોરેશને ખોટ ખમવાની ?! હાલમાં 30 મીટરનો આ વિકાસરોડ 20 મીટર પણ દેખાતો નથી ! રોડ પણ ખાઈ શકાય ?! એવો પ્રશ્ન જાણકારો પૂછી રહ્યા છે. હાલ જો કે મામલો ગૂંચવાયેલો દેખાઈ રહ્યો છે પરંતુ સૂત્ર જણાવે છે કે, આગામી ચૂંટણીઓ પહેલાં મામલો સૂલટાવી લેવામાં આવે તેવી શકયતાઓ છે.

આ આખા મામલામાં પ્લોટના સોદા પાડનારાઓ બૂરી રીતે ફસાયા હોવાનું જાણવા મળે છે. કહેવાય છે કે, અહીં રોડ દબાવી લીધાં પછી બાઉન્ડ્રી વોલ બનાવી પ્લોટીંગ કરી મોટાભાગના પ્લોટના ખરીદદારો સાથે સોદાઓ કરી નાંખ્યા છે, કહેવાય છે કે કુલ પ્લોટ પૈકી 50 ટકાથી વધુ પ્લોટ વેચાઈ ગયા છે અને ખરીદદારોએ દસ્તાવેજ પણ બનાવી લીધાં છે. જે લોકોએ અહીં પ્લોટ ખરીદી દસ્તાવેજ બનાવી લીધાં છે તેઓનું હવે શું થશે ?! બીજી તરફ આ કથિત પ્લોટ ખરીદનારાઓ કોર્પોરેશનમાં ડીપી ટીપી અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં ધકકાઓ ખાઈ રહ્યા છે અને અધિકારીઓ પાસેથી જાણવા ઈચ્છે છે કે, પોતે સોદો કરેલાં પ્લોટની સ્થળ પર અને કોર્પોરેશનના નકશાઓ પર- સમાન સ્થિતિ છે કે લોચા છે ?! અધિકારીઓ લોકોને ધકકાઓ ખવડાવી રહ્યા છે.

એક સોર્સ એમ પણ કહે છે કે, આ આખા મામલામાં ડી.પી.રોડ પર થયેલું દબાણ સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. જેને પરિણામે મહાનગરપાલિકા ખુદ હવે તાપ અનુભવી રહી છે. આ મામલામાં પાડાના વાંકે પખાલીને ડામ ન દેવાઈ જાય એ પણ કોર્પોરેશને જોવું પડશે. કોર્પોરેશનના રેકર્ડ મુજબ, સ્થળ વિઝિટમાં તમામ પ્રકારની ચોકસાઈ થવી જરૂરી હોવાનું સૂત્ર જણાવે છે. આ કેસમાં કોર્પોરેશને ખરેખર તો રેકર્ડ મુજબ ડીમાર્કેશન કરી લેવું જોઈએ. અને સચોટ તથા સત્ય નિર્ણય લેવો જોઈએ.

આ સંદર્ભે ’અબતક’ દ્વારા ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાનીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે, સમગ્ર હકીકતોની ખરાઈ કરવા આગામી સમયમાં કોર્પોરેશન આ ડી.પી. રોડ સંબંધે ડી.એલ.આર. (જમીન માપણી કચેરી) મારફતે માપણી કરાવવા ચાહે છે.

 સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.