Abtak Media Google News

જામનગરના એડવોકેટની હત્યામાં સોપારી કિલરોએ ભાગ ભજવ્યો હોવાની આશંકા સેવતી તપાસનીશ એસપીની ટૂકડીએ મુંબઈમાંથી બે શખ્સોની અટકાયત કરી હતી.

જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ગઈ તા.ર૮ની રાત્રે જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોષીની બાઈક પર ધસી આવેલા બે શખ્સ પૈકીના પાછળ બેસેલા શખ્સે છરીઓના ૨૦ જેટલા  ઘા ઝીંકી નિપજાવેલી હત્યાના કેસની તપાસ જામનગરના જિલ્લા પોલીસવડા પી.બી. સેજુળે હાથ ધર્યા પછી તેઓની સાથે તપાસમાં અમદાવાદની ક્રાઈમ બ્રાંચની ટૂકડી પણ જોડાઈ હતી. પોલીસે શરૃઆતથી જ હત્યાનો આ બનાવ સોપારી કિલીંગનો હોવાની આશંકા વ્યકત કરી તે દિશામાં તપાસ હાથ ધરી હતી જેમાં ગઈકાલે મહત્ત્વની સફળતા પ્રાપ્ત થઈ હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટૂકડીએ બનાવના સ્થળ તેમજ અન્ય સ્થળ પરથી ઝબ્બે લીધેલા સીસીટીવીના ફૂટેજને ચોક્સાઈપૂર્વક નીહાળ્યા પછી તપાસને ઘનિષ્ઠ બનાવતા ગઈકાલે મુંબઈમાંથી બે શખ્સોની અટકાયત કરી તેઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટે ગઈકાલે સાંજે પત્રકારો સમક્ષ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પોલીસે મુંબઈમાંથી સાયમન લુઈસ દેવીનંદન અને અજય મોહનભાઈ મહેતા નામના બે શખ્સોને શકના આધારે અટકાયતમાં લીધા છે.

આ શખ્સોએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે, જામનગરના જાણીતા વકીલ કિરીટભાઈ જોષીની હત્યા માટે ભૂ-માફિયા તરીકે કુખ્યાત બનેલા મૂળ જામનગર તાલુકાના લોઠિયા ગામના જયેશ મુળજીભાઈ રાણપરિયા (પટેલ)એ રૃા.પ૦ લાખની તેઓને સોપારી આપી હતી તેના પેટે જયેશે રૃા.૮૦ હજાર ચૂકવ્યા હતા. જ્યારે બાકીની રકમ કામ પૂર્ણ થયા પછી આપવાની હતી.

બન્ને સોપારી લેનાર શખ્સોને તપાસનીશ એસપી સેજુળ જામનગર લઈ આવ્યા છે જ્યાં તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવ્યા પછી  બન્ને શખ્સોને ૧૪ દિવસ ના  રિમાન્ડની માગણી સાથે  એડિસનલ સેસન્સ જજ આહીર સાહેબ ના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યા હતા .સેસન્સ જજ દ્વારા આરોપીઓ ના ૧૦ દિવસ ના રીમાન્ડ ગ્રાહ્ય રાખી હાલ આરોપીઓ ને પોલીસ કસ્ટડી માં સોપવામાં આવ્યા હતા  જ્યાં આ કેસમાં શરૃઆતથી જ એવું ચિત્ર સ્પષ્ટ થયું હતું કે, કિરીટભાઈની હત્યા માટે કોઈ પ્રોફેશનર્લ્સને સોપારી આપવામાં આવી છે, પરંતુ સોપારી આપનાર શખ્સના સગડ શોધવામાં આવી રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.