Abtak Media Google News

ગઢકા વિસ્તારમાં જંત્રી દર ન હોવાના કારણે મળેલી દરખાસ્તને પગલે નાયબ કલેકટરે 700થી 800 વચ્ચે દર નક્કી કર્યો

અબતક, રાજકોટ : અમુલ માટે ગઢકા નજીક પસંદ કરવામાં આવેલી જમીનના જંત્રી દર જ ન હોવાથી તંત્ર દ્વારા જંત્રી દર નક્કી કરવા સ્ટેમ્પ ડ્યુટીના ડેપ્યુટી કલેકટરને દરખાસ્ત કરવામાં આવી હતી. તેઓએ રૂ. 700થી 800 પ્રતિ મીટર જંત્રી દર નક્કી કર્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ જંત્રી દરના આધારે હવે ટૂંક સમયમાં જમીનમાં ભાવ પણ નક્કી થશે.

વિશ્વ વિખ્યાત અમુલ ડેરીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ભૂપગઢ ગામની 100 એકર જમીન પસંદ કરી છે. આ માટે તેને જિલ્લા કલેકટરને દરખાસ્ત પણ કરી હતી. અગાઉ જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આણંદપર- સોખડા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. જો કે આ જમીન રૂડા વિસ્તારમાં આવતી હોય તેના ભાવ પણ વધુ હતા. જેથી અમુલ દ્વારા આ જમીનને પડતી મુકવામાં આવી છે. હવે આ જમીનની પસંદગી રદ કરીને અમુલ દ્વારા ગઢકા ગામ નજીક 100 એકર જમીન પસંદ કરી છે.

ગઢકા ગામ આસપાસની જમીનના જંત્રી દર ન હોય તંત્ર દ્વારા કલમ 33 મુજબ ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યુટીને ભાવ નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે મુજબ સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર જંત્રી દર નક્કી કરી લીધો છે. આ મામલે તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પણ તેઓનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર તેઓએ જંત્રી દર રૂ.700થી 800 પ્રતિ મિટર નક્કી કર્યા છે. હવે આ  જંત્રી દર નક્કી થઈ ગયો છે. જેના આધારે ટૂંક સમયમાં જમીનના ભાવ નક્કી કરવામાં આવશે. અને  તંત્ર દ્વારા આ જમીન સંદર્ભે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા 50 લાખ લીટર ડેઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે. ફેડરેશન આ માટે રુ. 200 કરોડના ખર્ચે પ્રતિ દિવસ 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.