ફકત લોકોની સર્તકતા, ચેઈન અને લાઈનો તોડવા માટે પુરતી !

કોરોના મહામારી સામે ગુજરાતની લડત હવે અસરકારક રીતે પરિણામદાયી બની રહી છે. સામાપુરે ચાલવામાં હંમેશા આગળ રહેતા ગુજરાત અને ગુજરાતીઓ કોરોનાને હંફાવવામાં સફળ થવા લાગ્યા છે. અત્યારે સમગ્ર દેશમાં કોરોનાની ગતિ અને ઘાતકતા વધુ તેજ બનતી રહી છે ત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ અલગ છે. જાગૃકતા, સતર્કતા અને તંત્રના યુદ્ધ જેવી કામગીરીથી કોરોનાની કમર ગુજરાતમાં ભાંગી ગઈ હોય તેમ દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો અને રિકવરી રેટમાં વધારાએ ગુજરાતને કોરોના સામે વિજયી બનાવ્યો છે.

ઘાતકી કોરોના વાયરસની બીજી લહેર સામે લોકોની જાગૃકતા અને સતર્કતાએ કોરોનાની ચેઈન અને દવાખાનાની લાઈનો તોડવા માટે પુરતી બની ગઈ છે. સમગ્ર દેશમાં કોરોના ખતરનાક ઝડપે વધતા મૃત્યુદરમાં પણ વિસ્ફોટ પરિસ્થિતિ આવી રહી છે ત્યારે ગુજરાતમાં શહેરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો કોરોના સામે સામૂહિક રીતે જાગૃત થઈ સતર્કતા સાથે તંત્ર સાથે જે રીતે કોરોનાને હરાવવા માટે સામૂહિક જનચેતના જગાવી છે તેનાથી સંક્રમીત થનાર વ્યક્તિઓની સંખ્યા ઘટી છે.

સંક્રમણથી કેમ બચવું તેની સ્વયંમ જાગૃતિએ મહામારીમાંથી ઉગારવા ગુજરાતને મોટી મદદ કરી છે. અમરેલીના નાના એવા આંકડીયા ગામની જ વાત કરીએ તો બીજી લહેરમાં સમગ્ર દેશમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે અમરેલીના નાના આંકડા ગામે ‘મારૂ ગામ, કોરોના મુક્ત’ ગામ અભિયાન અંતર્ગત 10,000ની વસ્તી ધરાવતા આંકડીયામાં સ્વયંમ જાગૃતિથી કોરોનાની જરા પણ કારી ફાવી નથી. ગામડાની સાથે ટાપુ અને બેટ પણ જાગી ગયા હોય તેમ 1000 વસ્તીના શિયાળ બેટમાં માછીમારોએ જાગૃતિ દાખવી સ્વયંભુ રીતે સોશિયલ ડિસ્ટન્સ અને 10,000ની વસ્તીમાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાય તેવી સચેતતાનું એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 14,000 ગામડાઓને ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાનમાં જોડીને દરેક ગામમાં 10 વ્યક્તિઓની પ્રજા સમીતી એટલે રાજ્યભરમાં 1,40,000 કોરોના વોરીયર્સને પ્રજામાંથી ઉભા કરીને પ્રત્યેક ગામને સજાગ અને નાગરિકોને જાગૃકતા અને સતર્ક બનાવવાનું જે અભિયાન હાથ ધર્યું છે તેનાથી સંક્રમીતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

રાજ્યભરમાં કોરોનાના દિવસે દિવસે વળતા પાણીના ચિતાર ઠેર-ઠેર મળી રહ્યાં છે. એક સમય હતો કે, હોસ્પિટલોમાં અને રસ્તાઓ પર એમ્બ્યુલન્સની કતારો ભયનું વાતાવરણ ઉભી કરતી દેખાતી હતી. આજે નવા કેસની સંખ્યામાં સંપૂર્ણ નિયંત્રણ અને સંક્રમીત દર્દીઓની ઝડપી રિકવરી રેટથી કોરોના સંપૂર્ણપણે માયકાંગલુ બની ગયું હોય તેવી પરિસ્થિતિ ગુજરાત અને ગુજરાતીઓના ખમીરે કરી દીધી છે. સમગ્ર દેશ અને દુનિયાને હંફાવનાર કોરોનાની કારી ગુજરાતમાં ફાવી નથી. જાગૃકતા અને સતર્કતાએ કોરોનાની ચેઈન તો તોડી ન નાખી છે સાથે સાથે એમ્બ્યુલન્સ અને દર્દીઓની લાઈનો પણ ગાયબ થઈ ગઈ છે તે પ્રજાની સતર્કતાના આભારી છે.