Abtak Media Google News

Table of Contents

અમુક રોગ અને શત્રુઓ છૂપા રૂસ્તમ જેવા હોય છે સ્નેઈકસ ઈન ધ ગ્રાસ: છતાં માતાજીના દીવા પ્રગટયા અને શેર બજારમાં તેજસ્વી ઉજાસનાં શુકન: જય હો અંબામા, જય હો ખોડિયારમાં જય હો રાંદલમાં જય હો બહુચરમાં, ભવાનીમા: હે મા, તમારી જય જય હો !

નવરાત્રીનાં ચોકે ઉભીને મા જગદંબાનાં કુમકુમ પગલા કરાવવાનો અને હે મા, ચારે દિશાએથી રૂડા વિચારો આપણી તરફ આવો એવી ૨૧ દિવસ સુધી કોરોના દૈત્યના એક પછી એક અંગો નષ્ટ થતા રહે એ નિહાળવાનો અવસર ! અઢાર અક્ષૌહિણી સેના અને શ્રી કૃષ્ણ સહિતના મહાયોધ્ધાઓ ધરાવતું મહાભારતનું યુધ્ધ ૧૮ દિવસમાં ખતમ થયું કોરોના સામેનું મહાયુધ્ધ ૨૧ દિવસ જીતી લેવાનું નિશાન નોંધતા સવા અબજ લોકો !

આપણા દેશમાં આ અગાઉ કદાપિ ન જોવા કે ન જાણવા મળ્યું હોય એવું જબરૂં યુધ્ધ ચાલે છે.

મહાભારતનાં અભૂતપૂર્વ યુધ્ધની એ યાદ આપે છે !

રામ-રાવણના અસાધારણ યુધ્ધનું એ સ્મરણ કરાવે છે.

દેવો અને દાનવો, સૂર અને અસૂર વચ્ચે લડાયેલા ખૂનખાર યુધ્ધોનીએ સ્મૃતિ કરાવે છે.

આ સ્મૃતિઓ અતિ વસમી છે અને વિકરાળ છે.

એ યુધ્ધો વધાતક હતા. કાળમુખા હતા. સંહારક શસ્ત્રો અસ્ત્રોથી ભરપૂર હતા. આપણો દેશ કોરોના વાયરસ-મહામારીના એટલા જ વિકરાળ અને વિનાશક યુધ્ધનો આજે સામનો કરી રહ્યો છે. ભારતના કરોડો આબાલ વૃધ્ધ લોકો માટે આ જુદા જ સ્વરૂપના શત્રુની સામે બહાદૂરીપૂર્વક લડવાનો વખત આવ્યો છે.

ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહીઅ તો ‘નથી જાણ્યું અમારે માર્ગે શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતાની હાકલ પડી છે.

આપણો દેશ કારણ વિના કોઈની સામે લડવાનું માનસ ધરાવતો નથી. અને જો યુધ્ધે ચઢવું જ પડે તો જીવન મરણની લડાઈ જ લડે છે અને યુધ્ધને જીતીને જ રણમેદાન છોડે છે.

હવે કોરોના સામે યુધ્ધે ચઢવાનો વખત આવ્યો છે… શહેરે શહેર, ગામેગામ અને નગર-નગર તેમજ ઘર ઘરમાં એવો નાદ જાગ્યો છે કે-યુધ્ધ ખેલો યુધ્ધ ખેલો, યુધ્ધ ખેલો, અય જવાનો યુધ્ધ ખેલો… આજ યુધ્ધ એજ કર્મ, આજ યુધ્ધ એજ ધર્મ, આજ યુધ્ધેજ મર્મ ! કર્મચારી, કામદાર કે કિશાન કોણ પહેલો ? અય જુવાનો યુધ્ધ ખેલો !… જયારે આખો દેશ એક સંપે અને એક અવાજે શત્રુ સામે યુધ્ધે ચઢે ત્યારે એ ગમે તેવા બળુકા શત્રુને પણ પરાજીત કરી શકે, એ એક શાશ્ર્વત સત્ય છે.

એક સંપ થવું, એજ મહત્વનું છે. અતૂટ એકતા સાધી લેવી એજ મહત્વનું છે. મજબૂત એકાત્મતાની ગાંઠે બંધાઈ જવું એજ યુધ્ધ જીતવાનું પ્રથમ કદમ છે. કાશ્મીરથી ક્ધયા કુમારી સુધી અને કલકતાથી કચ્છ -કાઠીયાવાડ સુધી એકેએક દેશવાસી બંધુ ભગીનીઓ તેમજ વૃધ્ધજનો સારે જહાંસે અચ્છા હિન્દોસ્તાં હમારાના નારા ઘોષિત કરતા થઈ જાય એવી એકતા પેદા કરી લેવી એ ગમે તેવા શત્રુ અને હરીફ સામેના યુધ્ધમાં ઝળહળતી જીત પામવાની સર્વોચ્ચ શરત છે.

ભારતીય પૌરાણિકકાળની ગણતરીએ મહાભારતનું યુધ્ધ આજના દેશકાળથી ૫૧૬૮ વર્ષ પૂર્વે લડાયું હતુ. એક ઐતિહાસિક ગણિતતો એવું દર્શાવે છેકે, મોહન જોડરો મહાભારતનાં દેશકાળના સિંધુ સૌવીર રાજયનો અને હડપ્પા પ્રાચીન મદ્ દેશનોભાગ હતા. એકાત્મતા એનો પ્રાણ હતી. ક્ષિતિજની પેલી પાર સુધી એની અનન્ય આભાનો ઝગમગાટ હતો..  ઐકય એની શકિત હતી.

મહાભારતનું યુધ્ધ ભાઈઓ ભાઈઓ વચ્ચે થયું હતુ અને જે કાંઈ મહત્વનું તથા મૂલ્યવાન હતુ તે બધું જ એમાં વિનષ્ટ થયું હતુ. કોણ કોના ઉપર રાજ કરે, એવો ચિતાર ખડો થયો હતો. હિમાલયમાં હાડગાળવા આત્મોન્નતિ પામવાનું જ સહુને ડહાપણભયું જણાયું હતુ!

આટલા વર્ષો પછી, સદીઓ પછી, સૈકાઓ પછી, યુગો પછી ‘કોરોના’એ વિશ્ર્વની માનવજાત સામે જુગજુગના કોઈ શત્રુ હોય એમ બાંયો ચડાવી છે. ન ઓળખાણ ન પિછાણ તોય શત્રુતાઅને તેય પાછી શયતાની શત્રુતા !

આપણી જૂની કહેવત કહે છેકે, રોગ અને શત્રુને ઉગતા જ ડામવા આ કહેવતમાં દમ છે. એની પ્રતીતિ આ કોરોનાએ કરાવી છે. અમૂક શત્રુ અને અમુક રોગ છૂપા રૂસ્તમ સમ હોય છે. અંગ્રેજીમાં એમને ‘સ્નેઈકસ ઈન ધ ગ્રાસ’ કહે છે.

છતા નવરાત્રીનાં અવસરે આંગણા લીંપાયાગૂંપાયાં અને માતાજીનાં દીવા પ્રગટયા કે તરત શેર બજારમાં તેજસ્વી ઉજાસનાં શુકન થયાં અને જય હો અંબામાં, જય હો ખોડિયારમાં, જય હો રાંદલમાં, જય હો બહુચરમાં, જય હો ભવાનીમાં… હે મા! તમારો જય જયકાર હો !

નવરાત્રીનો કુમકુમ પગલાં ભર્યો ચોક કોરોના દૈત્યને પરાજીત કરવામાં અને એને કાયમી દેશવટો આપવામાં સહાય કરશે એવી અતૂટ શ્રધ્ધા સાથે આપણે માં જગદમ્બાની આપણે સ્તુતિ કરવી પડશે અને એવો પોકાર કરવો પડશે કે, હે મા ! ચારે શિએથી એવા રૂડા અને તપભીના વિચારો આપણા બધાની તરફ આવે અને ૨૧ દિવસ સુધીમાં કોરોના દૈત્યને નષ્ટ કરીને તેને કાયમી દેશવટો આપવામાં અમને અગમ્ય છતાં દિવ્યોત્તમ સહાય કરે !

૨૧ દિવસોને અંતે આખો દેશ કોરોના રાક્ષસને છેડે તેના અંત સુધી પરાજિત કરવાનો વિજયાદશમી જેવો, દીવાળી જેવો, બળેવ , રક્ષાબંધન જેવો અને મુકત હર્ષોલ્લાસ વચ્ચે રંગે રમવાના પર્વ જેવો ઉત્સવ આ દેશની પ્રજા ઉજવશે. એવી અમારી શ્રધ્ધા પૂરી કરજો હે મા ! આખી માનવજાત વતી ‘અબતક’ની આ હૃદયભીની સ્તુતિ છે ! હે મા, ભગવાન એક હાથે જે લઈ લે છે તેથી વધુ બીજા હાથે આપે છે. એવી પણ અમને શ્રધ્ધા છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.