Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ રૂબરૂ ન આવી શકવાનુ દુઃખ વ્યક્ત કરી 7800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલી શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા

અબતક, ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ દુઃખદ રહ્યો છે. આજે વહેલી સવારે તેમના માતૃશ્રી હીરાબાનું નિધન થયું હતું. ત્યારે આજ દિવસે વડાપ્રધાને પોતાની કર્મનિષ્ઠાનો દેશવાસીઓને પરચો આપ્યો છે. વડાપ્રધાન માતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપી તુરંત જ સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પશ્ચિમ બંગાળના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળને 7800 કરોડ રૂપિયાની પરીયોજના ખુલ્લી મુકી હતી. મોદીએ આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા. પીએમ મોદીના માતા હીરા બાનું આજે વહેલી સવારે અમદાવાદમાં નિધન થયું હતું. પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા અને માતાને અગ્નિદાહ દીધા બાદ તેઓ તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમોમાં જોડાઈ ગયા હતા.

કાર્યક્રમમાં ભાગ લેનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમના માતા હીરા બાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.મમતા બેનર્જીએ કહ્યું કે તમારે આજે કોલકત્તા આવવાનું હતું પણ તમારી માતાના અવસાનને કારણે તમે આવી શક્યા નહી પરંતુ તમે હૃદયથી વર્ચ્યુઅલ રીતે અમારી સાથે જોડાયા તે બદલ તમારો હું આભાર માનું છું.

મમતાએ દુઃખ વ્યક્ત કરવાની સાથે કાર્યક્રમને ટૂંકાવવાની અપીલ પણ કરી

મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમ ટુંકાવવાની અપીલ કરી હતી. મમતાએ કહ્યું, પ્રધાનમંત્રી આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું તમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો. તમારા આ દુઃખના સમયમાં અમે બધા તમારી સાથે છીએ. માતા કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ હોઈ શકે નહીં.

વડાપ્રધાન મોદીએ અનેક વિકાસકાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. આ ઉપરાંત રૂપિયા 2550 કરોડથી વધુની કિંમતના અનેક ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. કોલકાતામાં નેશનલ ગંગા કાઉન્સિલની બીજી બેઠકની અધ્યક્ષતા કરી અને કોલકાતા મેટ્રોની જોકા-તરતલા પર્પલ લાઇનનું ઉદ્ઘાટન પણ કર્યુ હતું. પીએમ મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી રાષ્ટ્રીય જળ અને સ્વચ્છતા સંસ્થાનનું ઉદ્ઘાટન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.