Abtak Media Google News

ચોક્કસ શરતો સાથે રદ્દ થયેલી નોટો બદલવાની મંજૂરી અપાશે પણ જૂની નોટો લોકો કાઢશે ખરા ?

વર્ષ ૨૦૧૬માં થયેલી નોટબંધીનું ભૂત ફરી ધૂણ્યું છે. નોટબંધીને પડકારતી આશરે ૫૮ જેટલી રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી છે. જેમાં સુપ્રીમ કોર્ટે અવલોકન કરતા સંકેત આપ્યો છે કે, તેઓ એક એવું મિકેનિઝમ તૈયાર કરવા વિચારણા કરી રહ્યા છે જેની હેઠળ જૂની રદ્દ થયેલી રૂ. ૫૦૦ – ૧૦૦૦ની નોટો બદલાવી શકાય. હવે જો આ દિશામાં પગલાં લેવાય તો અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. પ્રથમ સવાલ એવો ઉદ્ભવીત થઈ રહ્યો છે કે, શું લોકો પાસે નોટબંધીના ૬ વર્ષ બાદ જૂની રદ્દ થયેલી નોટો હશે ? જો કદાચ જૂની રદ્દ થયેલી નોટો હોય તો પણ લોકો બહાર કાઢશે ખરા ?

એક તરફ સુપ્રીમનો સંકેત છે કે, તેઓ જૂની રદ્દ થયેલી નોટો બદલાવવા માટે એક તક આપી શકે છે પણ જો સુપ્રીમ આ દિશામાં પગલું માંડે અને લોકોને જૂની રદ્દ થયેલી નોટો બદલવાનો માર્ગ મોકળો કરે તો પણ લોકોમાં જૂની ચલણી નોટ બહાર કાઢવા બાબતે એક કચવાટ ઉભો થશે. નોટબંધીને ૬ વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે અને હવે જો લોકો જૂની રદ્દ થયેલી નોટ બહાર કાઢે તો પ્રથમ આજ સુધી આ નોટો કેમ સંતાડી રાખી હતી ? આ પ્રથમ સવાલ ઉભો થશે જેનો જવાબ આપવો પ્રજા માટે મોટો પડકાર હશે. બીજો સવાલ એ ઉભો થશે કે આજ દિન સુધી છુપાવેલી જૂની નોટો ૬ વર્ષથી હિસાબી ચોપડે નોંધાઇ નહીં હોય તો તે રકમ આવી ક્યાંથી ? શું પૈસા બ્લેકમની છે કે કેમ? આ તમામ બાબતે તંત્ર તપાસનો ધમધમાટ શરૂ કરી દેશે અને લોકોને ઉલમાંથી ચુલમાં પડવા જેવું થશે.

અગાઉ નોટબંધી પૂર્વે જૂની રદ્દ થયેલી ચલણી નોટો બાબતે અનેક કેસો નોંધાયેલા છે. જેમાંથી અનેક મામલે હજુ સુનાવણી ચાલુ છે હવે જો ચલણી નોટો બદલવા માટે મિકેનિઝમ તૈયાર કરવામાં આવે તો એ કેસોનું શું થશે ? તે પણ એક મોટો સવાલ છે. શું આટલા સમય સુધી ન્યાયતંત્રનો સમય લીધા બાદ આ કેસ રદ્દ કરી દેવામાં આવશે ? તે પણ એક મોટો સવાલ છે. જો કેસ રદ્દ થાય તો ન્યાયતંત્રનો કિંમતી સમય વેડફાઈ તે પણ ચલાવી લેવાય નહીં અને તે બાબતે પણ વિરોધ વંટોળ ઉભા થશે.

સુપ્રીમ કોર્ટમાં નોટબંધીને પડકારતી ૫૮ જેટલી રિટ અરજી પર સુનાવણી સમયે એક તરફ સરકારે નોટબંધી એ રિઝર્વ બેન્કના કાનૂન ૧૯૩૪ની જોગવાઈ મુજબ યોગ્ય ગણાવી હતી અને સરકારે પૂરતી પ્રક્રિયા બાદ જ આ નિર્ણય લીધો હતો તેવું જણાવીને હવે તેના પર કાનૂની વિચારણા કરવી તે પણ સમય બગાડવાની કવાયત છે અને તેનો કોઇ અર્થ રહેતો નથી તેવું જણાવીને તમામ અરજી ફગાવી દેવા માગણી કરી હતી.

ત્યાં બીજી તરફ સુપ્રિમ કોર્ટની બંધારણીય ખંડપીઠ દ્વારા એવો સંકેત અપાયો કે અમે એક એવું મીકેનીઝમ તૈયાર કરવા વિચારી રહ્યા છીએ જેમાં જૂની રૂા. ૫૦૦ અને રૂા. ૧૦૦૦ની નવેમ્બર ૨૦૧૬ માં રદ કરાયેલી ચલણી નોટો બેન્કોમાં બદલવાનો વિકલ્પ આપી શકાય. ખંડપીઠે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા ૨૦૧૭ના કાનૂન ધારાની જોગવાઈ ૪(૨)(૩) મુજબ આ પ્રક્રિયા કરી શકે છે.

હાલ ચાલી રહેલી સુનાવણી સમયે એવો સંકેત મળ્યો છે કે દેશમાં નોટબંધીના જાહેરનામાને પડકારતી રિટ અરજી બાદ ન્યાયમૂર્તિ એસ.એમ. નઝીરના અધ્યક્ષપદ હેઠળની ખંડપીઠ કોઇ ખાસ કેસોમાં નોટો બદલવાની મંજુરી આપવા સરકારને જણાવી શકે છે. ૮ નવેમ્બર ૨૦૧૬ના નોટબંધીની જે જાહેરાત સાથે જ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું તેને પડકારતી રિટ અરજી પર તા. ૫ ડીસેમ્બરના રોજ વધુ સુનાવણી થશે.

જો કે કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ વૈંકટ રમણીએ સ્પષ્ટ જણાવ્યું કે અદાલત આ પ્રકારના આદેશ આપી શકે નહીં. નોટબંધી પછી પણ નોટો બદલવા અંગેનો જે વિન્ડો હતો તે વધુ સમય લંબાવાયો હતો. પરંતુ લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો ન હતો. જો કે તેઓએ બીજા શ્ર્વાસે કીધું કે કોઇ ચોક્કસ કેસમાં સરકાર નોટ બદલવા અંગે વિચારણા કરી શકે છે.

જો કે તેઓએ નોટબંધીના જાહેરનામાનો બચાવ કરતાં કહ્યું કે દેશમાં બનાવટી ચલણી નોટો તેમજ આતંકવાદના ફંડીંગને જે રીતે રોકવું જરુરી હતું તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. હવે આગામી તા. ૫ના રોજ સર્વોચ્ચ અદાલત આ સમગ્ર મામલાને કઇ રીતે લે છે તેના પર સૌની નજર છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ- ૨૦૧૭માં જૂની રદ્દ થયેલી નોટ બદલવાની જોગવાઈ ?

સુપ્રિમ કોર્ટની બંધારણીય ખંડપીઠ દ્વારા એવો સંકેત અપાયો કે અમે એક એવું મીકેનીઝમ તૈયાર કરવા વિચારી રહ્યા છીએ જેમાં જૂની રૂા. ૫૦૦ અને રૂા. ૧૦૦૦ની નવેમ્બર ૨૦૧૬ માં રદ કરાયેલી ચલણી નોટો બેન્કોમાં બદલવાનો વિકલ્પ આપી શકાય. ખંડપીઠે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા ૨૦૧૭ના કાનૂન ધારાની જોગવાઈ ૪(૨)(૩) મુજબ આ પ્રક્રિયા કરી શકે છે.

જૂની નોટો બદલાવવા જતા તંત્ર ‘બીજી ફાઇલ’ ખોલી દેશે તો ?: લોકોને મૂંઝવતો પ્રશ્ન

સુપ્રીમનો સંકેત છે કે, તેઓ જૂની રદ્દ થયેલી નોટો બદલાવવા માટે એક તક આપી શકે છે પણ જો સુપ્રીમ આ દિશામાં પગલું માંડે અને લોકોને જૂની રદ્દ થયેલી નોટો બદલવાનો માર્ગ મોકળો કરે તો પણ લોકોમાં જૂની ચલણી નોટ બહાર કાઢવા બાબતે એક કચવાટ ઉભો થશે. નોટબંધીને ૬ વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે અને હવે જો લોકો જૂની રદ્દ થયેલી નોટ બહાર કાઢે તો પ્રથમ આજ સુધી આ નોટો કેમ સંતાડી રાખી હતી ? આ પ્રથમ સવાલ ઉભો થશે જેનો જવાબ આપવો પ્રજા માટે મોટો પડકાર હશે. બીજો સવાલ એ ઉભો થશે કે આજ દિન સુધી છુપાવેલી જૂની નોટો ૬ વર્ષથી હિસાબી ચોપડે નોંધાઇ નહીં હોય તો તે રકમ આવી ક્યાંથી ? શું પૈસા બ્લેકમની છે કે કેમ? આ તમામ બાબતે તંત્ર તપાસનો ધમધમાટ શરૂ કરી દેશે અને લોકોને ઉલમાંથી ચુલમાં પડવા જેવું થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.