Abtak Media Google News

બિરજુ મહારાજાએ 83 વર્ષની વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા: સંગીતપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું

સુપ્રસિદ્ધ કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું હાર્ટ-એટેકને કારણે નિધન થયું છે. પદ્મવિભૂષણ સન્માનિત બિરજુ મહારાજાએ 83 વર્ષની વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ આ માહિતી આપી હતી. બિરજુ મહારાજના અવસાનના સમાચારથી સંગીતપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મોડી રાત્રે બિરજુ મહારાજ તેમના પૌત્ર સાથે રમી રહ્યા હતા ત્યારે તેમની તબિયત બગડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સાકેતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમનાં પરિવારજનોએ જણાવ્યું કે થોડા દિવસો પહેલાં મહારાજને કિડનીની બીમારીની સારવાર કરવામાં આવી હતી. સિંગર્સ માલિની અવસ્થી અને અદનાન સામીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ લખનઉમાં થયો હતો. તેમનું સાચું નામ પંડિત બ્રિજમોહન મિશ્રા હતું. કથક નૃત્યકાર ઉપરાંત તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નૃત્યકાર હતા.બિરજુ મહારાજે દેવદાસ, દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રાવ મસ્તાની જેવી ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સત્યજિત રાયની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં પણ સંગીત આપ્યું હતું.

બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે. કાશી હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.2012માં તેમને વિશ્વરૂપમ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2016માં બાજીરાવ મસ્તાનીનું ‘મોહે રંગ દો લાલ’ ગીતના કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો હતો.

કલાજગત માટે અપૂરતી ખોટ: વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય નૃત્ય કલાને સમગ્ર વિશ્વમાં વિશેષ ઓળખ અપાવનાર પંડિત બિરજુ મહારાજ જીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું અવસાન સમગ્ર કલા જગત માટે અપુરતી ખોટ છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.