Abtak Media Google News

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્પીડ પર થોડી બ્રેક લાગી ત્યાં જ કેરળમાં કોરોનાએ ઉથલો માર્યો : મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને મેઘાલયમાં પણ સંક્રમણ વધ્યું

અબતક, નવી દિલ્હી : ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે કારણ કે કેરળ અને અન્ય પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્પીડ પર થોડી બ્રેક લાગી છે. રાહતની વાત એ છે કે મહારાષ્ટ્રમાં સતત ચોથા અઠવાડિયે કેસની સંખ્યા ઘટી છે. દેશમાં શુક્રવારે 42,766 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા પાછલા ત્રણ દિવસના નવા કેસના મુકાબલે ઓછી છે. આ દરમિયાન 1206 લોકોના મોત થયા છે.

દેશમાં બીજી લહેર થોડી શાંત થઇ છે, આ વચ્ચે કેરળમાં સંક્રમણમાં વધારો થયો છે. શુક્રવારે કેરળમાં 13,563 નવા કેસ નોંધાયા છે, જે પાછલા ત્રણ દિવસની સંખ્યા કરતા ઓછા છે. જો કે, ગયા શુક્રવારે આ સંખ્યા 12,095 હતી, જે આ શુક્રવારે વધારે છે. કેરળમાં આ અઠવાડિયામાં અત્યાર સુધીમાં 65,345 કેસ નોંધાયા છે.

જો કે દરમિયાન એક અઠવાડિયામાં 60,234 કેસ નોંધાયા છે. જે 8.4% વધુ છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 8,992 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આ અઠવાડિયામાં અત્યાર સુધીમાં 42,822 કેસ નોંધાયા છે, જે ગયા અઠવાડિયા જેટલા જ છે. મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને મેઘાલયમાં આ અઠવાડિયે સંક્રમણ વધ્યું છે.

દેશમાં આ અઠવાડિયે કોરોનાના કેસમાં 5.6 ટકાનો ઘટાડો

દેશમાં આ અઠવાડિયે અત્યાર સુધીમાં 2,09,892 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે ગત અઠવાડિયાના પ્રથમ પાંચ દિવસો (2,22,444)ની સંખ્યા ફક્ત 12,552 ઓછી છે. આ કેસમાં 5.6 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે ગત અઠવાડિયે થયેલા 11.4 ટકાના ઘટાડા સામે ઓછો છે. તેની અગાઉના અઠવાડિેયે, કોવિડના કેસમાં 18.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

15 રાજ્યોના 90 જિલ્લામાંથી 80% નવા કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ગયા અઠવાડિયે દેશમાં આવેલા કોવિડ -19 ના અડધાથી વધુ કેસ બે રાજ્યો મહારાષ્ટ્ર (21%) અને કેરળ (32%) ના છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ, લવ અગ્રવાલે જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં યુકે, રશિયામાં સંક્રમણનો વધારો દર્શાવે છે કે આપણે આપણે બેદરકારી રાખવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે ભારતમાં આવતા નવા કેસોમાં 80 ટકા કેસ 15 રાજ્યોના 90 જિલ્લાના છે, જે જણાવે છે કે કયા ક્ષેત્રો પર ધ્યાન આપવાની જરૂર છે. તેમાં મહારાષ્ટ્રના 15, કેરળના 14, તમિલનાડુના 12, ઓડિશા, આંધ્રપ્રદેશના 10 જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં 18 મહિના બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ

ગુજરાતમાં આજે કોરોનાના નવાં ૫૬ કેસ અને એક મોત નોંધાયું છે. રાજ્યમાં ૧૮ મહિના બાદ સૌથી ઓછાં એક્ટિવ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં ૧૨, સુરતમાં ૧૨, વડોદરામાં ૭ અને રાજકોટમાં ૪ કેસ નોંધાયા છે અને સુરતમાં એક મૃત્યુ નોંધાયું છે. નવાં ૫૬ કેસ સામે આજે ૧૯૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

મુંબઈમાં સંકટ નથી ટળ્યું પણ એક્ટિવ કેસ વધ્યા

મહારાષ્ટ્રમાં કોરોના દરદી રિકવર થવાનું પ્રમાણ વધી રહ્યું છે અને મૃતકોની સંખ્યા વધી રહી છે, પરંતુ દરદીની સંખ્યામાં વધઘટ સતત થઈ રહી છે. આથી કોરોનાનું સંકટ ટળ્યું નથી. જોકે રાજ્યમાં રિકવરીનું પ્રમાણ વધીને ૯૬.૦૮ ટકા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૮૯૯૨ કેસ નોંધાયા છે અને ૨૦૦ દરદીના મોત થયા હતા.

જ્યારે કોરોનાના ૧૦,૪૫૮ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા અને રાજ્યમાં અત્યારે કોરોનાના ૧,૧૨,૨૩૧ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં આજે કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૧,૪૦,૯૬૮ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧,૨૫,૦૩૪ થઈ છે. જ્યારે રાજ્યમાં કોરોનાના ૫૯,૦૦,૪૪૦ દરદી કોરોનાથી મુક્ત થયા છે.

તકેદારી રાખવી જ પડશે નહિતર ફરી ભૂતકાળનું પુનરાવર્તન થશે, સ્વાસ્થ્ય સચિવની ચેતવણી

સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં હજુ પણ કોરોનાની બીજી લહેર પુરી નથી થઇ, એવામાં માસ્ક ન પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું જોખમકારક સાબીત થઇ શકે છે. કોઇ પણ પ્રકારની બેદરકારીથી કોરોના વાઇરસ ફેલાવવાનું જોખમ વધી શકે છે. કેટલાક દેશોમાં બેદરકારી બાદ કોરોનાના કેસો વધ્યા હતા. જેમ કે બ્રિટનમાં યૂરો 2020 ફૂટબોલ મેચ બાદ કોરોનાના કેસો વધી ગયા હતા.

તેવી જ રીતે બાંગ્લાદેશમાં પણ બીજી લહેર બાદ ત્રીજી લહેર આવી અને આ દરમિયાન કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેને પગલે બાંગ્લાદેશે પુરા દેશમાં લોકડાઉન લાગુ કરવું પડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.