Abtak Media Google News

માતાને પૂછ્યા વગર માસુમે એક લાડુ ખાઈ લેતા પારકી માતાનો પ્રકોપ: સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા નોંધાઈ ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં માતા અને પુત્રોના સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માસૂમ બાળકે પોતાની સાવકી માતાને પૂછ્યા વગર જ એક લાડુ ખાતા સાવકી માતાએ બાળકીને પુરા શરીરે ડામ દીધા હતા. આ બાબતે ઘરમેડે સમાધાન થયા બાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ દ્વારકા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ચંદ્રશેખર બુદ્ધભટ્ટીએ ભોગ બનનાર બાળકીની સાવકી માતા રાજુલાબેન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં જણાવ્યા મુજબ માસૂમ બાળકી તેની સાવકી માતા રાજુલાબેનને જાણ કર્યા વગર એક લાડુ ખાઈ લેતા માટે જાણે રાવણનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

એક લાડુ પૂછ્યા વગર ખાવાના મામલે સાવકી માતાએ માસૂમ બાળકીને ઢોર માર મારી ખંભા પર બચકા ભરી જમણા પગના તળિયાના ભાગે ગરમ તવેથા વડે ડામ આપ્યા હતા. આટલેથી પણ સાવકી માતાને સંતોષ ન થતા રાજુલાબેને બાળકીનું ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.

માસૂમ પર બેરહેમીથી અત્યાચાર ગુજારનાર સાવકી માતાના વાવડ વાયુવેગે ફેલાતા ઘરમેડે સમાધાન થયું હતું. પરંતુ આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસે રાજુલાબેન સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.