Abtak Media Google News

આઝાદી કા અમૃત અંતર્ગત કોર્પોરેશન દ્વારા 3 થી 5 નવેમ્બર યોજાશે રંગોળી સ્પર્ધા: અલગ અલગ ત્રણ થીમ, વ્યક્તિગત અને ગ્રુપ સાથે સ્પર્ધકો ભાગ લઈ શકશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 3 થી 5 નવેમ્બર એટલે કે, કાળી ચૌદશથી બેસતા વર્ષ સુધી રેસકોર્ષ રીંગ રોડ પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અલગ અલગ 3 થીમ રાખવામાં આવી છે. સ્પર્ધકો વ્યક્તિગત અને ગ્રુપમાં આ રંગોળી સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વિજેતા બનનાર માટે ઈનામોની પણ વણઝાર રાખવામાં આવી હોવાની જાહેરાત આજે પત્રકાર પરિષદમાં મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમીત અરોરા દ્વારા કરવામાં આવી છે. પ્રકાશના પર્વ એવા દિવાળીમાં રેસકોર્સ રીંગ રોડ ફરતે લાઈટીંગનો ઝળહળાટ જોવા મળશે.

આજે પત્રકાર પરિષદમાં મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતા શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, મ્યુનિ.કમિશનર અમીત અરોરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન પરેશભાઈ પીપળીયા સહિતનાઓએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા આગામી 3 થી 5 નવેમ્બર દરમિયાન રેસકોર્સ રીંગ રોડ ફરતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વિજેતા જાહેર કરવા માટે કોઈ નિષ્ણાંત જજને રોકવામાં આવ્યા નથી પરંતુ લોકોને જે રંગોળી ગમે તે ક્યુઆર કોડ સ્કેન કરી તેને વોટ આપી શકશે. મહાપાલિકાની એપ પર રંગોળી સિલેકટ કરી પોતાની પસંદની રંગોળીને મત આપી શકશે. જેમાં સૌથી વધુ મત પ્રાપ્ત કરનાર રંગોળી બનાવનારને ઈનામ આપવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે, રંગોળી સ્પર્ધામાં કુલ 3 થીમ આપવામાં આવી છે. જેમાં આઝાદી નો અમૃત મહોત્સવ, મેરે સપનો કા ભારત, સ્વચ્છ ભારત મિશન, એક જન આંદોલન અને વેક્સિનેશન મહાઅભિયાન જન સમુદાયનું સુરક્ષા કવચ એવી થીમ રહેશે. આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં સ્પર્ધામાં ભાગ લેવામાં ઈચ્છનાર કોર્પોરેશનની વેબસાઈટ અથવા ફોન નં.0281-2220600 અથવા રૂબરૂ સિવિક સેન્ટર ખાતે સંપર્ક કરી શકશે. સ્પર્ધામાં અલગ અલગ બે કેટેગરી રાખવામાં આવી છે. જેની રજિસ્ટ્રેશન ફી પણ નિયત કરવામાં આવી છે. વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટે રૂા.50 અને ગ્રુપ રજિસ્ટ્રેશન માટે રૂા.100 એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી છે.

સ્પર્ધકોને મદદરૂપ થવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ હેલ્પડેસ્ક પણ કાર્યરત રહેશે. સમગ્ર સ્પર્ધા બાદ એક કોફી ટેબલ બુક પણ પ્રસિધ્ધ કરવામાં આવશે. સ્પર્ધા માટે હાલ કલા  અને સંસ્કૃતિના રંગ, રંગીલા રાજકોટને સંગ, રાજકોટના રંગ કલાને સંગ, સિટી ઓફ કલર્સ એન્ડ આર્ટસ, કલર્સ ઓફ રંગીલુ રાજકોટ, રંગોથી ચમકશે રંગીલુ રાજકોટ અને રાજકોટના વિવિધ રંગ દિપાવલી અને નવા વર્ષને સંગ એવા નક્કી કરવામાં આવ્યા છે. રંગોળી સ્પર્ધામાં વિજેતા બનનાર વ્યક્તિગત કેટેગરીમાં પ્રથમ ઈનામ રૂા.21,000 અને બીજું રૂા.15,000, ત્રીજુ ઈનામ રૂા.11,000, ચોથુ ઈનામ રૂા.5100 અને પાંચમું ઈનામ રૂા.3100 નક્કી કરાયું છે.

જ્યારે પ્રોત્સાહન ઈનામ તરીકે 40 સ્પર્ધકોને એક-એક હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે ગ્રુપ સ્પર્ધક કેટેગરીમાં પ્રથમ ઈનામ રૂા.31,000, બીજુ ઈનામ રૂા.25,000, ત્રીજુ રૂા.21,000, ચોથુ ઈનામ રૂા.15,000 અને પાંચમું ઈનામ રૂા.11,000 નક્કી કરવામાં આવ્યું છે. પ્રોત્સાહક ઈનામમાં 25 ગ્રુપને બે-બે હજાર રૂપિયા આપવામાં આવશે. સમગ્ર રંગોળી સ્પર્ધામાં કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને રેસકોર્સ રીંગ રોડ પર રોશની પણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.