Abtak Media Google News

મેયર ડો.પ્રદિપ ડવ આગામી બે થી ત્રણ દિવસમાં મુખ્યમંત્રી પાસે બ્રિજના લોકાર્પણ માટે સમય માંગશે: બ્રિજનું રંગરોગાન અને ડામર કામ સહિતની અંતિમ કામગીરી પૂરજોશમાં

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડ પર કેકેવી સર્કલ ખાતે મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રૂ.129 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજનું કામ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. બ્રિજ નિર્માણનું 95 ટકાથી પણ વધુ વધુ કામ પૂર્ણ થઇ ગયું હોય આગામી 20મી જૂન આસપાસ વાહનચાલકો માટે આ બ્રિજ ખૂલ્લો મૂકી દેવાશે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા રાજકોટમાં પ્રથમ એવા મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજનું કેકેવી સર્કલ ચોક ખાતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી-2021 થી આ બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. રૂ.129 કરોડના ખર્ચે નિર્માણાધીન આ બ્રિજનું કામ હાલ 95 ટકા જેવું પૂર્ણ થઇ ગયું છે. બ્રિજની બંને બાજુ સર્વિસ રોડ પર થ્રિલેયર ડામર કામ પણ મોટાભાગે પૂર્ણ થઇ ગયું છે. જ્યારે બ્રિજની ઉપર ડામર કામ 70 ટકા જેવું પુરૂં થઇ ગયું છે. સાથોસાથ ઇલેક્ટ્રીક પોલ ઉભા કરવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું હોય આગામી સપ્તાહે બ્રિજ તૈયાર થઇ જશે. બ્રિજનું કલર કામ કરવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે. અધિકારીઓ જણાવી રહ્યા છે કે 15 જૂન સુધીમાં કેકેવી ચોક મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજનું કામ પૂર્ણ થઇ જશે. ત્યારબાદ ગમે ત્યારે બ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકી શકાશે.

મેયર ડો.પ્રદિપ ડવે આ અંગે જણાવ્યું હતું કે છેલ્લા એકાદ સપ્તાહથી બ્રિજનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. એજન્સી દ્વારા મેન પાવર પણ વધારી દેવામાં આવ્યો છે. બ્રિજનું મોટાભાગનું કામ હાલ પૂર્ણતાના આરે છે ત્યારે આગામી એકાદ-બે દિવસમાં અધિકારીઓ પાસેથી તમામ વિગતો એકત્રિત કરી બ્રિજને ખૂલ્લો મૂકવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પાસે સમય માંગવામાં આવશે. 20 જૂન આસપાસ બ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકવાની ગણતરી સાથે હાલ કામગીરી ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જાન્યુઆરી-2021માં એક સાથે ચાર બ્રિજના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જે પૈકી નાનામવા સર્કલ, રામાપીર ચોકડી અને જડ્ડુસ ચોક બ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લા મૂકી દેવામાં આવ્યા છે. હવે એકાદ પખવાડીયામાં કેકેવી ચોક  મલ્ટીલેવલ બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે. હાલ માત્ર આ એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બજેટમાં કટારિયા ચોકડી અને રૈયા ટેલિફોન એક્ષચેન્જ સર્કલ ખાતે બ્રિજ બનાવાની ઘોષણા કરવામાં આવી છે. જેના માટે પ્રિફીઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવા સહિતની કામગીરી માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવા ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.