Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 42 પૈકી 41 દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. અમૃત મિશન-0.2 અંતર્ગત રૂ.46.61 કરોડના 6 કામોને પણ બહાલી આપવામાં આવી હતી. ખડી સમિતિની બેઠકમાં કુલ 56.61 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. એચપીસીએલને 2021માં નક્કી કરાયેલી કિંમત મુજબ જમીન વેંચાણની અગાઉ પેન્ડિંગ રખાયેલી દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે.

Advertisement

અમૃત મિશન-2.0 અંતર્ગત રૂ.46.61 કરોડના 6 કામોને બહાલી આપતી સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો મંજૂર

એચપીસીએલને વર્ષ-2021માં નક્કી કરાયેલા ભાવે જમીન આપવાની દરખાસ્ત નામંજૂર

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે અમૃત યોજના-0.2 અંતર્ગત વોર્ડ નં.11માં સુએજ પમ્પીંગ સ્ટેશન મુંજકાને લાગૂ 150 ફૂટ રીંગ રોડ પર રોડ રિસ્ટોરેશન સાથે ભૂગર્ભ લાઇનનું કામ કરવા રૂ.14.81 કરોડ, રૂ.9.84 કરોડ અને 7.05 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી બજરંગવાડી હેડ વર્ક્સ સુધી 508 એમ.એમ.ડાયાની પાઇપલાઇન લેઇંગ કરવાના કામ માટે રૂ.5.95 કરોડ અને વોર્ડ નં.12માં અમૃત મિશન અંતર્ગત મવડી પાર્ટ તથા લાગૂ વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક કરવાના કામ માટે રૂ.7.48 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. કુલ 56.61 કરોડના વિકાસ કામો મંજૂર કરાયા હતા. જેમાં અમૃત મિશન-0.2 અંતર્ગત 46.61 કરોડના 6 કામોને બહાલી આપવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શહેરના વોર્ડ નં.11માં સ્પિડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં મવડી તરફ જવાના રસ્તે ટીપીનો 1174 ચોરસ મીટરનો પ્લોટ એચપીસીએલ કંપનીને પેટ્રોલ પંપ બનાવવા માટે વેંચાણથી આપવા માટેની દરખાસ્ત જે અગાઉ પેન્ડિંગ રાખવામાં આવી હતી. દરમિયાન આજે સંકલન બેઠકમાં ભાજપના કોર્પોરેટરોએ એવું સૂચન કર્યું હતું કે પેટ્રોલ પંપ બનાવવા માટે એચપીસીએલ કંપનીને જે પ્લોટ વેંચાણથી આપવામાં આવનાર છે. તેનો ભાવ લેન્ડ રિક્વીર્ઝેશન કમિટી દ્વારા 2021માં નક્કી કરાયો છે તો ત્રણ વર્ષમાં જમીનના ભાવમાં સારો એવો ઉછાળો નોંધાયો છે. ત્યારે જૂના ભાવે જમીનનું વેંચાણ જોઇએ નહિં. તેઓના આ સૂચનને માન્ય રાખવામાં આવ્યું છે અને જમીન વેંચાણની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે.

નવેસરથી ભાવ નક્કી કરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવા માટે જણાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે ટીપીના અનામત પ્લોટનું વેંચાણ જાહેર હરાજીથી કરવામાં આવતું હોય છે. પરંતુ સરકારના નિયમ મુજબ કોઇપણ સરકારી કંપનીને બજાર ભાવ મુજબ જાહેર હરાજી વિના જમીન વેંચાણથી આપી શકાતી હોય છે.

કોર્પોરેટરોની સંઘ ભાવના: જયંત ઠાકર માટે એકત્રિત કરી ધનરાશિ

ભાજપના કોર્પોરેટરોમાં આર.એસ.એસ.ના તમામ સંસ્કારો જોવા મળે છે. કોર્પોરેશનમાં શાસક પક્ષના કાર્યાલયમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા જયંત ઠાકર છેલ્લા ઘણા સમયથી બિમાર છે. તેઓ છેલ્લા એક મહિનાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં ચેરમેન જયમીન ઠાકરે એવી લાગણી વ્યક્ત કરી હતી કે જયંતભાઇ માટે ધનરાશિ એકત્રિત કરવી જોઇએ. જેનું તમામ કોર્પોરેટરોએ અમલવારી કરી હતી. પુરૂષ કોર્પોરેટરોએ રૂ.1,000 જ્યારે મહિલા કોર્પોરેટરોએ રૂ.500 ધનરાશિ આપી હતી.

વોર્ડ નં.5માં કોમ્પ્યૂટર લેબ સાથે મોડેલ સ્કૂલ બનશે

શહેરના વોર્ડ નં.5માં સ્વામિ વિવેકાનંદ પ્રાથમિક શાળા નં.72નું હયાત બાંધકામ તોડી તેના સ્થાને અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવી શાળા બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2.80 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. બે માળની આ નવી શાળામાં 1600 ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ માટે 14 ક્લાસરૂમ, પ્રાર્થના હોલ, પુસ્તકાલય, પ્રિન્સિપાલની ઓફિસ, સ્ટાફ રૂમ અને કોમ્પ્યૂટર લેબ જેવી સુવિધા ઉપલબ્ધ હશે. આ શાળા મોડેલ સ્કૂલ બનશે. આ કામ આર.કે. ક્ધસ્ટ્રક્શનને રૂ.22 ટકા ઓન સાથે આપવામાં આવ્યું છે.

બુધ્ધિશાળી ઇજનેરો સરવાળામાં કાચા: રૂ.1.44 કરોડની ભૂલ !

6 આંકડામાં પગાર લેતા કોર્પોરેશનના ઇજનેરો પ્રાથમિક શાળાના બાળકો પણ જે સરવાળા-બાદબાકી આસાનીથી કરી શકે તેમાં ભૂલ કરી રહ્યા છે. જેના કારણે રૂ.1.44 કરોડની તફાવતની રકમ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવાની ફરજ પડી હતી. શહેરના વોર્ડ નં.1માં રૈયાધાર ખાતે હયાત 56 એમએલડીના એસટીપી પાસે 23 એમએલડીનો નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા અને તેનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાનું મૂળ કામ રૂ.34.74 કરોડનું હતું પરંતુ અગાઉ મોકલવામાં આવેલી દરખાસ્તમાં રૂ.33.30 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવી હતી. દરમિયાન પાછળથી ભૂલ સમજાતા તફાવતની રૂ.1.44 કરોડની રકમ મંજૂર કરવા માટે આજે ફરી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરાઇ હતી. જેને બહાલી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.