Abtak Media Google News
  • બાવન ચુનાવી પાઠશાળા થકી 2400થી વધુ નાગરિકોને મતદાનનું મહત્ત્વ સમજાવાયું : પાંચ બાઈક-સાયકલ રેલીમાં 400થી વધુ નાગરિકો સહભાગી બન્યા

ચૂંટણીમાં દરેક મત કિંમતી છે, દરેક મત જરૂરી છે. 10-રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં હાલ સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે.

ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના આઠેય વિધાનસભા મત વિસ્તારમાં 12 જેટલી વોકેથોન યોજવામાં આવી હતી. જેમાં કુલ મળીને 2091 વિદ્યાર્થીઓ-નાગરિકો જોડાયા હતા.  વિધાનસભા વિસ્તાર મુજબ જોઈએ તો 68-રાજકોટ પૂર્વમાં એક વોકેથોનમાં 120 નાગરિકોએ જોડાઈને અચૂક મતદાન પર ભાર મુક્યો હતો.

તો 70-રાજકોટ દક્ષિણમાં એક વોકેશનમાં 150 લોકો સહભાગી થયા હતા. 71-રાજકોટ ગ્રામ્યમાં બે વોકેથોનમાં 100 નાગરિકો તો 72-જસદણમાં બે વોકેથોનમાં 300 નાગરિકોએ જોડાઈને અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો.

73-ગોંડલ મત વિસ્તારમાં એક વોકેથોનમાં 95 નાગરિકો તો 74-જેતપુરમાં યોજાયેલી ત્રણ વોકેથોનમાં 426 નાગરિકોએ રેલી થકી મતદાન અંગે ઉત્સાહપૂર્ણ માહોલ બનાવ્યો હતો. 75-ધોરાજીમાં બે વોકેથોનમાં જિલ્લામાં સૌથી વધુ 900 નાગરિકો સહભાગી થયા હતા અને અચૂક મતદાન થકી લોકશાહીને વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.  આ ઉપરાંત મતદાન અંગે નાગરિકોને પ્રેરિત કરવા વિવિધ વિસ્તારોમાં બાઈક-સાઈકલ રેલી પણ યોજવામાં આવી હતી. જિલ્લામાં રાજકોટ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, ધોરાજીમાં મળીને કુલ પાંચ બાઈક-રેલી યોજાઈ હતી. જેમાં 400થી વધુ નાગરિકોએ જોડાઈને અચૂક મતદાન કરવાની પ્રેરણા આપી હતી.

આ ઉપરાંત જિલ્લામાં રાજકોટ દક્ષિણમાં એક, જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં બે તથા ધોરાજીમાં એક માનવસાંકળ કાર્યક્રમ યોજાયો હતો. આ ચારેય કાર્યક્રમમાં કુલ મળીને 372 લોકો જોડાયા હતા અને એક-એક મતનું મહત્વ સમજાવીને ચૂંટણીમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. નાગરિકોને મતાધિકાર અંગે જાગૃત કરવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચુનાવ કી પાઠશાલા પણ યોજવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં યોજાયેલી બાવન પાઠશાલાઓમાં 2456 નાગરિકોને મતદાનના મહત્ત્વ અંગે સમજૂતી આપીને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરણા અપાઈ હતી. જેમાં 68-રાજકોટ પૂર્વમાં પાંચ પાઠશાળાઓમાં 400 નાગરિકો જોડાયા હતા.તો 69-રાજકોટ પશ્ચિમમાં એક પાઠશાળામાં 120 નાગરિકો, તેમજ 70-રાજકોટ દક્ષિણમાં બે પાઠશાળામાં 186 નાગરિકોએ મતદાન જાગૃતિની સમજ કેળવી હતી.

71-રાજકોટ ગ્રામ્યમાં 15 પાઠશાળાઓમાં 380 નાગરિકો તો 72-જસદણમાં એક પાઠશાળામાં 45 નાગરિકો જોડાયા હતા. 73-ગોંડલમાં જિલ્લામાં સૌથી વધુ 19 પાઠશાળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં સૌથી વધુ 775 નાગરિકો જોડાયા હતા. 74-જેતપુરમાં બે પાઠશાળામાં 150 નાગરિકો તો 75-ધોરાજીમાં સાત પાઠશાળામાં 400 નાગરિકોએ ઉત્સાહથી ભાગ લઈને અચૂક મતદાનના શપથ પણ ગ્રહણ કર્યા હતા.

ઉપરાંત નાગરિકોમાં મતદાન મથક અંગે જાગૃતિ લાવવા તમારા મતદાન મથકને જાણો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.જેમાં જિલ્લામાં રાજકોટ દક્ષિણમાં 228, જસદણમાં 258, ગોડલમાં 233 મળીને કુલ 719 મતદાન મથકો પર કાર્યક્રમ યોજાયા હતા.

માસ્ટર ટ્રેનર દ્વારા પોલિંગ સ્ટાફ માટે સ્વૈચ્છિક તાલીમ યોજાશે

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તરફથી રાજકોટ જિલ્લાના પોલીંગ સ્ટાફ માટે સ્વૈચ્છિક તાલીમનું આયોજન 71 રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના માસ્ટર ટ્રેનર દ્વારા કરવામાં આવેલ

છે. આ તાલીમ તા. 20 સુધી દરરોજ – સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી, કોન્ફરન્સ હોલ, નિયામક-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી, જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.

જે કોઈ પણ પોલીંગ ઓફીસર/ કર્મચારી તાલીમ/ઈ.વી.એમ. હેન્ડસ ઓન લેવા માંગતા હોય તે પોતાના પોલીંગ ઓર્ડર સાથે ઉપરોક્ત સ્વૈચ્છિક તાલીમમાં હાજર રહી શકે છે. જાહેર રજા ના દિવસો દરમ્યાન પણ આ તાલીમ આપવામાં આવશે, તેમ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.