સરકાર મોડી જાગી, પણ જાગી ખરી, અંતે ભાષાના અસ્તિત્વને બચાવવા લીધો મહત્વપૂર્ણ નિર્ણય

ભાષા આપણી કિંમતી વિરાસત છે. તેની જાળવણી અતિ જરૂરી છે. ત્યારે હવે સરકાર મોડી જાગી છે. પણ જાગી છે ખરી, સરકારે અંતે ભાષાના અસ્તિત્વને બચાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

 

21 ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે, ત્યારે એ પહેલા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ જોતા હતા, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય છે.

ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે તેને જાળવી રાખવા આ મહત્વનો નિર્ણય સાબિત થશે. રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાએ સરકારના આ નિર્ણય વિશે જણાવ્યું કે, સાબિત કરવા જેવો પ્રયાસ છે. ભાષાનુ ગૌરવ તેમાં મહત્વનુ છે. અનેક રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષામાં બોર્ડ હોય છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષામાં બોર્ડ હોય છે. દરેક જગ્યાએ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીનો પણ વિકલ્પ આપવો જોઈએ.

8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના અપાઈ છે. ગુજરાતી ભાષા આપણું ગૌરવ છે. આજના અંગ્રેજી તરફના આકર્ષણના યુગમાં ગુજરાતી ભાષાના અસ્તિત્વને ટકાવવા માટે સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.