Abtak Media Google News

જાહેરમાં ગંદકી ફેલાવવા સબબ કોર્પોરેશન દ્વારા શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલી મચ્છોધણી હોટેલને સીલ કરી દેવામાં આવી છે. મ્યુનિ.કમિશનરે એવી સ્પષ્ટ તાકીદ કરી છે કે રંગીલા રાજકોટને ગોબરૂં કરનાર સામે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે ગંદકી દેખાશે તો કોર્પોરેશન દ્વારા ધડાધડ મિલકતો સીલ પણ કરી દેવામાં આવશે.

શહેરને ગંદુ કરનાર આસામીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે: હવે મિલકતો પણ સીલ કરવામાં આવશે

શહેરમાં ત્રિકોણબાગ ખાતે આવેલ મચ્છોધણી હોટલ દ્વારા જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય આ બાબતે નોટીસ આપી રૂ.500/-ના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ હોટલના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવી હતી. છતાં સ્થળ તપાસ કરતાં હોટલની આસપાસ ખુબ જ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી કાલે સાંજે મચ્છોધણી હોટલના સંચાલકોને નોટીસ આપીને હોટલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંગે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ત્યારે આ અભિયાનમાં લોકો પણ નાગરિકો ફરજ બજાવે તે અપેક્ષિત છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે આ અગાઉ અનેક વખત પગલાં લેવાયા છે, આમ છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે. લોકોમાં સ્વયં જાગૃતિ આવે તે ઈચ્છનિય છે, પરંતુ જયારે આવું સંભવ ન બને ત્યારે વહીવટી તંત્ર કડક પગલાં લેવા મજબુર બને છે. જાહેરમાં સ્વચ્છતાને નજર અંદાજ કરી ગંદકી કરનારા લોકો અને વ્યવસાયી સંકુલો સામે વહીવાટી ચાર્જ / સીલીંગ સહિતના પગલાં લેવામાં આવશે. જાહેરમાં ગંદકી કરતા આસામીઓ સામે ધી જી.પી.એમ.સી. એક્ટ – 1949ની કલમ – 376 એ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ કાર્યવાહી ધી જી.પી.એમ.સી. એક્ટ – 1949ની કલમ – 376 એ અન્વયે મ્યુનિ. કમિશનર આનંદ પટેલ તથા નાયબ કમિશનર ધામેલીયાના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર પરમાર, ઇન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર બારીયા તથા નાયબ પર્યાવરણ ઇજનેર જીંજાળા તેમજ વોર્ડના સેનીટરી ઇન્સપેકટર તેમજ તેમના તાંબા હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

હાલ સરકારની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ/ધંધાર્થીઓ સામે તેની દુકાન / ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.