Abtak Media Google News

પ્રિ-મોન્સુનની કામગીરી અંગે અધિકારીઓની બેઠક યોજતા નવનિયુકત મ્યુનિ. કમિશનર

આગામી ચોમાસામાં આકાશી આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થાના કામે તેમજ કોઇ જાનહાની ન થાય તેને લક્ષમા રાખી મ્યુનિ. કમિશનર આનંદ પટેલેએ નાયબ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારી સાથે આજે મીટિંગ યોજી હતી. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્ર્નો તેના કારણો અને ઉકેલો સહિતના મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

મ્યુનિ. કમિશનર આનંદ પટેલે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અનુસંધાને ડેપ્યુટી કમિશનર અનિલ ધામેલિયા, ચેતન નંદાણીને જે જે વિસ્તારોમાંથી પાણી ભરાવાની ફરિયાદો આવતી રહે છે ત્યાં સ્થળ મુલાકાત કરી ફીડબેક મેળવવા અને તેમાં એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણ સાથે કેવાકેવા પ્રકારના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉકેલ લાવી શકાય તે સુનિશ્ચિત કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ જે વિસ્તારોમાં વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય એ વિસ્તારોને રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય કરી ત્યાં લોકોની ફરિયાદની રાહ જોયા વગર સત્વરે મહાનગરપાલિકાની ટીમ પહોંચે અને વિના વિલંબે પાણી નિકાલની કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જે વિસ્તારોમાં પ્રમાણમાં ઓછું પાણી ભરાય છે અને થોડા સમય બાદ પાણી ઓસરી પણ જતા હોય છે, જોકે આવા યેલ્લો ઝોનમાં આવશ્યકતા અનુસાર પાણી નિકાલની કામગીરી કરવા જણાવ્યું હતું.

વધુમાં મ્યુનિ. કમિશનરે વાવાઝોડાની આગાહી તથા ભારે વરસાદ વખતે કેવા પગલા લેવા, વરસાદમાં વિપરીત પરિસ્થિતિ ઉભી થાય ત્યારે વહીવટી તંત્રની કામગીરી જ શ્રેષ્ઠ કામગીરી કરતી હોય છે, નાગરિકોના હિત માટે કંટ્રોલ રૂમ શરૂ કરી આવતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરી શકાય તેવું આયોજન કરવું, વોંકળા સફાઈ, ગટર સફાઈ, પાણીના વહેણ ઉપર આવતા દબાણો દુર કરવા, વોર્ડ ઓફિસ ખાતે આવતા નાના-મોટા પ્રશ્ર્નો કે ફરિયાદોનો તત્કાલ નિકાલ કરવો, જોખમી કે જર્જરિત બિલ્ડીંગોને સાવચેત કરવા, ખાસ કરીને મુખ્ય માર્ગો અને જ્યાં લોકોની અવરજવર થતી હોય તેવા રસ્તાઓ પરથી જર્જરિત બિલ્ડીંગો દુર કરવા, જોખમી પોલ અને વાયરને સલામત કરવા, નવા બનતા બિલ્ડિંગમાં બિલ્ડિંગ એસોસિએશન સાથે બેઠક કરી કાળજી રાખવી, ગટરનાં કોઈ ઢાંકણા ખુલ્લા ન રાખવા, નબળા ઢાંકણાને તાત્કાલિક બદલાવવા, ચાલુ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવી, જળ સંચયનાં કામોઝુંબેશનાં રૂપમાં કરવા તેમજ ટ્યુબવેલને ફરી સજીવન કરવા જેવી કામગીરી પર મ્યુનિ. કમિશનરએ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં મ્યુનિ. કમિશનરએ દરેક વોર્ડમાં એડવાન્સ પ્લાનિંમાં રોસ્ટર મુજબ કર્મચારીઓની ટીમો સ્ટેન્ડ બાય રાખવા અને જ્યાં પણ પાણી ભરાતા હોય તેવા એરીયામાં પાણી નિકાલ માટેની લાઈનની ઝાળીઓ ચોખ્ખી રાખવા પર ખાસ ભાર મુક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.