Abtak Media Google News

ફકત શાળાઓમાં સીસીટીવી લગાવી દેવાથી સ્થિતિ નહીં સુધરે પરંતુ રાજયમાં પુરતી પ્રાથમિક શાળાઓ અને કલાસરૂમની જરૂરૂર છે

રાજયમાં શિક્ષણ તંત્ર અને સરકારની ઘોર નિષ્ફળતાનાં કારણે સતત કથળતા જતાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ સુધરે તે માટે હાઈકોર્ટે ચિંતા વ્યકત કરી છે. હાઈકોર્ટે આ મામલે સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, ફકત શાળાઓમાં સીસીટીવી લગાવી દેવાથી સ્થિતિમાં સુધારો નહીં થાય પરંતુ રાજયમાં પુરતી પ્રાથમિક શાળાઓ અને કલાસરૂમની ખુબ જ જરૂર છે અને ત્યારબાદ જ સીસીટીવીનો મુદ્દો આવે છે. સ્કુલોને સીસીટીવી પહેલા માળખાગત સુવિધા અને સારા ટીચર્સોની વ્યવસ્થા બનાવવા માટે હાઈકોર્ટે ટકોર કરી છે. આ ઉપરાંત હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે, પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા સરકાર શું પગલા લઈ રહી છે તેનો જવાબ આપે આ મામલે કોર્ટે ૮ જુલાઈ સુધીમાં સોગંદનામું કરવા સરકારને આદેશ આપ્યો છે. ગુજરાતમાં ઘણી શાળાઓ અને કોલેજોમાં હજુ પણ સીસીટીવી કેમેરા ન હોવાથી વિદ્યાર્થીઓની સલામતીને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ છે. જેમાં હાઈકોર્ટે સરકારને શો-કોઝ નોટીસ આપી અને જવાબ આપવા આદેશ કર્યો હતો. જેનાં પગલે સરકારે જવાબ રજુ કર્યો હતો કે, પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી લગાવવા માટે જુલાઈનાં નવા સત્રથી બજેટ ફાળવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. તબકકાવાર રીતે સીસીટીવી લગાવવાની કામગીરી કરવામાં આવશે. પહેલા તબકકામાં ૧૦ કરોડ રૂપિયાનું બજેટ સીસીટીવી કેમેરા માટે ફાળવવામાં આવશે.

Advertisement

આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજયમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ મામલે ચિંતા વ્યકત કરતાં રાજય સરકારને ટકોર કરતાં જણાવ્યું હતું કે, માત્ર સીસીટીવી કેમેરાનો મુદ્દો નથી પરંતુ બાળકોનાં ભવિષ્ય અને ભણતરનો મુદ્દો છે. રાજયમાં પુરતી પ્રાથમિક શાળાઓ અને કલાસરૂમની જરૂર છે અને ત્યારબાદ જ સીસીટીવીનો મુદ્દો આવે છે ખરેખર તો સ્કુલોમાં સીસીટીવી પહેલા માળખાગત સુવિધા અને સારા ટીચર્સોની વ્યવસ્થા બનાવવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.