Abtak Media Google News

ગુજરાતના વિશાળ ૧,૬૪૦ કિ.મી.ના દરિયા કિનારાને ફુલપ્રુફ સુરક્ષા પુરી પાડવા ચાર મરીન બટાલીયનો ફાળવવાનો મોદી સરકારનો નિર્ણય

ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં લાંબા સમય દરિયાઈ સુરક્ષાના નામે અનેક મોટા છીંડા જોવા મળી રહ્યાં છે જેની પાકિસ્તાન સહિતના દેશ વિરોધી તાત્વો આ રેઢા પટ્ટ પડેલા દરિયા કિનારાનો લાભ લઈને અનેક ગેર પ્રવૃતિઓ આચરતા આવ્યા છે.

Advertisement

પહેલાના સમયમાં ગુજરાતના દરિયાકાંઠે મોટાપાયે દાણચોરી થતી હતી જે સમય જતાં દેશમાં વિનાશક પ્રવૃતિ થઈ શકે તેવા ઘાતક હથિયારો અને વસ્તુઓ ઉતારવામાં ફેરફાર ગઈ છે. જેથી મોદી સરકારે ગુજરાતના વિશાળ દરિયાકાંઠે સુરક્ષાના નામે પડેલા છીંડાઓને બુરવા ચાર રીઝર્વ મરીન બટાલીયનો ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રાજય સરકારે થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર પાસે રાજયના ૧,૬૪૦ કિ.મી. દરિયા કાંઠાને વધુ સુરક્ષા પ્રદાન કરવા માટે રીઝર્વ સહિત બટાલીયનો ફાળવવા લેખીત માંગણી કરી હતી. જે અંગે લોકસભામાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પ્રશ્ન ઉઠાવ્યો હતો જેના લેખીત જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિરણ રિજ્જુએ જણાવ્યું છે કે રાજય સરકારની આ માંગણી આખરી મંજૂરીના તબકકામાં છે અને ટૂંક સમયમાં રાજયમાં ચાર મરીન રીઝર્વ બટાલીયનો ફાળવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય મરીન બટાલીયનોમાં બે વિંગો સ્કોર્પીયન અને કમાન્ડો વિંગો હોય છે. એક બટાલીયનમાં ૧૦૦થી વધુ ઓફિસર હોય છે જયારે ૬૭૫થી વધારે મરીન જવાનો હોય છે. જેથી ગુજરાતને આવી ચાર બટાલીયનો ફાળવવાથી હજારો મરીન ઓફિસરો અને જવાનો દરિયાઈ કાંઠા પર ચાંપતી નજર રાખીને આ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃતિઓ અટકાવી શકશે.

હાલમાં દરિયા કાંઠાની સુરક્ષા ઈન્ડિયન નેવીની ગુજરાતમાં વિવિધ સ્થાનો પર તૈનાત કરાયેલી બટાલીયનો દ્વારા કરવામાં આવે છે જે અપુરતી હોય દરિયા સુરક્ષા સધન બનાવવા ગુજરાત સરકારે થોડા સમય પહેલા મરીન પોલીસ સ્ટેશનો બનાવ્યા હતા. તેમ છતાં દરિયાકાંઠે સમયાંતરે દેશ વિરોધી પ્રવૃતિઓ થતી રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કચ્છથી લઈને વલસાડ સુધી દેશનો સૌથી વિશાળ દરિયાકાંઠો આવેલો છે. દાયકાઓ પહેલા મોટાભાગનો વેપાર દરિયાઈ માર્ગે થતો હોય વિશાળ દરિયા કાંઠાની મદદથી ગુજરાતી પ્રજા વેપાર-ઉદ્યોગમાં છવાય જવા પામી હતી.

વિદેશો સાથે વેપાર ઉદ્યોગમાં વધુ લાભ કમાવવા ગુજરાતી પ્રજા દરિયાઈ માર્ગે વિદેશોમાં ગઈ હતી. જેથી આજે દુનિયાભરમાં ગુજરાતી વેપારીઓનો દબદબો અને હાજરી જોવા મળે છે. ગુજરાતીઓને વિશ્વભરમાં છવાઈ જવાની તક આપનારે વિશાળ દરિયાકાંઠો સમયાંતરે દેશ માટે વિવિધ મુશ્કેલીએ લાવનારો પુરવાર થવા લાગ્યો હતો.

એક સમયે ગુજરાતના દરિયાઈ માર્ગે સોનાની અને વિદેશી ચીજવસ્તુઓની દાણચોરી થતી હતી પરંતુ નરસિંહા રાવ સરકારે ભારતમાં મુકત વેપાર નીતિ અપનાવતા દાણચોરી અટકી જવા પામી હતી જે બાદ દાણચોરી કરતા તત્વો પાકિસ્તાનીના ઈશારે ગુજરાતના દરિયા કિનારે હથિયારો અને આરડીએકસ જેવી ઘાતક ચીજ-વસ્તુઓ ઉતારવા લાગ્યા હતા.

મુંબઈમાં ૨૬/૧૧નો થયેલ હુમલામાં વપરાયેલું આરડીએકસ અને હથિયારો સાથેના આતંકવાદીઓ ગુજરાતના દરિયા કિનારે ઉતર્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. જેથી વિશાળ દરિયા કિનારાનો દુરઉપયોગ કરતા દેશવિરોધી તત્વોને ડામવા મોદી સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થાય તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.