પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોલીસ હેડ કવાર્ટરમાં ગુંજ્યા મેઘાણી ગીતો

લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને સાથીઓ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ: મેઘાણી સાહિત્ય કોર્નરની રચના

નવી પેઢી સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી સુરક્ષા સેતુ સોસાયટી  રાજકોટ શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને સાથીઓએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી.રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુક્ત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, મદદનીશ પોલીસ કમિશ્નર પ્રદીપસિંહ જાડેજા, જી. એસ. બારીયા અને જે. કે. જાડેજા, પોલીસ ઈન્સ્પેકટર એસ. આર. ખાંડેખા, એન. કે. જાડેજા, બી. એમ. કાતરીયા અને આર. વાય. રાવલ, લોકગાયક નીલેશ પંડ્યા, માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત ઉપસચિવ અજિતભાઈ નંદાણી, નેશનલ યુથ પ્રોજેક્ટના રાજેશભાઈ ભાતેલીયાની વિશેષ ઉપસ્થિતિ રહી. પોલીસ-પરિવારની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી.હેડકવાર્ટરમાં આવેલ રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી ખાતે ખાસ પોલીસ-પરિવાર માટે કોર્નરની સ્થાપના પણ આ અવસરે થઈ હતી.પોલીસ-પરિવાર અને પોલીસ-લાઈનમાં જન્મેલાં ‘લાઈન-બોય’ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી માટે સમસ્ત ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે.વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં તેવી ભાવાંજલિ રાજકોટ શહેરના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ અર્પી હતી. ‘બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સાથે ઝવેરચંદ મેઘાણીનાં લાગણીસભર સંભારણાંને પિનાકી મેઘાણીએ વાગોળ્યાં હતાં. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા નીડર અને નેકદિલ પિતા કાળીદાસ મેઘાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી થતાં,  ઝવેરચંદ મેઘાણી ૨થી ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના ક્વાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા હતા.