Abtak Media Google News
અમરેલી પંથકમાં ભીમ અગિયારસ પહેલા વાવણીલાયક વરસાદ
લાઠીમાં પોણા ત્રણ ઈંચ, ધંધુકામાં દોઢ ઈંચ: રાજયના 12 તાલુકાઓમાં વરસાદ

અબતક, રાજકોટ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પાવનકારી પધરામણી થઈ છે. અમરેલી પંથકમાં ભીમ અગિયારસ પહેલા વાવણી થઈ જાય તેવી મહેર ઈન્દ્રદેવે ઉતારી છે. પ્રિ-મોનસુક એકિટવીટીની અસરતળે મંગળવારે રાજયનાં 12 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ પોણા ત્રણ ઈંચ સુધી વરસાદ પડયો છે. હજી ચાર દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગરમીનું જોર ઘટયું છે. બીજી તરફ અસહ્ય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે. કેરળમાં નઋત્યનું ચોમાસુ બેસી ગયું છે. ગુજરાતમાં આગામી 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનો વિધિવત આરંભ થાય તેવી સંભાવના રહેલી છે. દરમિયાન ચોમાસુ ઢુંકડુ આવતા રાજયમાં પ્રિ-મોનસુન એકિટવીટી શરૂ થઈ જવા પામી છે. દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ બપોર બાદ અમરેલી પંથકમાં મેઘરાજાની પાવનકારી પધરામણી થવા પામી હતી. લાઠી તાલુકામાં ધોધમાર પોણા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. લાઠી પંથકમાં ભારે ગાજવીજ સાથે કરા પડયા હતા. સાવરકુંડલાની નાવલી નદી અને અમરેલીની શૈત્રુજી નદીમાં પુર આવ્યા હતા.

ભીમ અગિયારસે વાવણી થઈ જાય તેવો વરસાદ પડે તો વર્ષ 16 આની રહે તેવું માનવામાં આવે છે. અમરેલી પંથકમાં ભીમ અગિયારસના ત્રણ દિવસ પૂર્વે જ વાવણીલાયક વરસાદ વરસી જતા ખેડુત પુત્રોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. રાજયના 12 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ પોણા ત્રણ ઈંચ સુધી વરસાદ પડયો હતો.
અમરેલીના લાઠીમાં પોણાત્રણ ઈંચ ઉપરાંત અમદાવાદના ધંધુકામાં 34 મીમી, સુરેન્દ્રનગરના ચૂડામાં 18 મીમી, ભાવનગરના જેસરમાં 11 મીમી, સુરેન્દ્રનગરનાં લીંબડીમાં 12 મીમી, અમદાવાદના બાવળામાં 9 મીમી, બોટાદના રાણપુરમાં 6 મીમી, વિરમગામમાં 4 મીમી, ધોળકામાં 4 મીમી, ધોલેરામાં 4 મીમી, વલ્લભીપુરમાં 2 મીમી અને ગારીયાધારમાં 1 મીમી વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં મંગળવારે મેઘરાજાની પાવનકારી પધરામણી થવા પામી હતી.
આજે સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે. આજથી ચાર દિવસ હજી વરસાદની આગાહી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં શનિવાર સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના

રાજયમાં ચોમાસુ ઢુંકડુ હોવાના સુખદ આસાર મળી રહ્યા છે પ્રિ-મોનસુન એકિટવીટીની અસરના કારણે ગઈકાલે રાજયના 12 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ પડયો હતો. દરમિયાન હજી ચાર દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વલસાડ, નવસારી અને દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે ગુરૂવારે દક્ષિણ ગુજરાતમા સુરત, વલસાડ, નવસારી અને દમણ દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં જયારે શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ-દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે શનિવારે સુરત, વલસાડ, નવસારી, સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદની આગામી આપવામાં આવી છે. અમૂક વિસ્તારોમાં 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે ગરમીનું જોર ઘટયું છે. બફારો પરસેવે રેબઝેબ કરી રહ્યો છે.

સુરેન્દ્રનગર: વિજળી પડતાં બે યુવકોના મોત

ગઇકાલે સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ મૂળી, સાયલા, ચોટીલા અને લીંબડી પંથક સહિતના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું. આ પ્રથમ વરસાદ જ જાણે કાળમુખો સાબિત થયું હોય તેમ બે યુવકનો ભોગ લેવાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બે યુવકોના વરસાદના કારણે મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. સુરેન્દ્રનગરના જાંબુ નટવરગઢ મોડી સાંજે બાઇક લઇને પસાર થઇ રહેલા યુવક પર અચાનક વીજળી પડી હતી જેને લઇને ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. 23 વર્ષના યુવક લીંબડીથી જાંબુ જઇ રહ્યા હતા. બીજા બનાવમાં લીંબડી તાલુકાના નાનીકઠેચી ગામે નળ સરોવર વિસ્તારમાં પણ વીજળી ખાબકતા યુવકનું મોત નિપજ્યું હતું. 26 વર્ષીય મેલાભાઇ ખૂલ્લી જગ્યામાં બેઠા હતા જ્યારે વીજળી ખાબકતા તેઓએ સીધો રૂમમાં પ્રવેશ કર્યો હતો, જો કે વિજળી પડવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગરના હાઇવે પર 200થી વધુ વૃક્ષ ધરાશાયી થઇ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.