Abtak Media Google News

વેરાવળમાં સાડા ત્રણ ઈંચ, પાલિતાણા, માંગરોળ, સુત્રાપાડા, કેશોદ, માળિયામાં અઢી ઈંચ, ઘોઘા, કોડીનાર, તાલાલામાં બે ઈંચ વરસાદ

રાજકોટ, મોરબી, પોરબંદર અને અમરેલી જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ એક ઈંચ સુધી વરસાદ

દેશભરમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થતા ફરી વાતાવરણમાં પલટો આવી ગયો છે. દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાત પર અનરાધાર હેત વરસાવનારા મેઘરાજાએ અંતે સૌરાષ્ટ્ર પર નજર કરી છે. સોમવારે સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીરસોમનાથ અને ભાવનગર જિલ્લામાં અડધાથી લઈ સાડા ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યાના વાવડ મળી રહ્યા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૯ જિલ્લાના ૧૦૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ૮૭ મીમી વરસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં સોમવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જિલ્લાઓ જુનાગઢ, ગીર-સોમનાથ અને ભાવનગરમાં સારો એવો વરસાદ વરસી ગયો હતો તો રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને અમરેલી જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ એક ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

જુનાગઢ જિલ્લાના ભેંસાણમાં ૮ મીમી, જુનાગઢમાં ૭ મીમી, કેશોદમાં ૫૬ મીમી, માળિયામાં ૫૪ મીમી, માણાવદરમાં ૮ મીમી, માંગરોળમાં ૬૩ મીમી, વંથલીમાં ૨૯ મીમી અને વિસાવદરમાં ૨૩ મીમી, ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૬ મીમી, સુત્રાપાડામાં ૬૦ મીમી, કોડીનારમાં ૪૦ મીમી, તાલાલામાં ૪૦ મીમી, વેરાવળમાં ૮૭ મીમી, અમરેલી જિલ્લાના બાબરામાં ૧૧ મીમી, બગસરામાં ૪ મીમી, ભાવનગર જિલ્લાના મહુવામાં ૬૫ મીમી, ઘોઘામાં ૫૯ મીમી અને ભાવનગરમાં ૨૯ મીમી વરસાદ પડયો હતો.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ૨૦ મીમી, ધોરાજીમાં ૧૨ મીમી અને રાજકોટ શહેરમાં ૭ મીમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. મોરબી જિલ્લાના એકમાત્ર હળવદ તાલુકામાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો. પોરબંદરના કુતિયાણામાં ૧૪ મીમી, પોરબંદરમાં ૭ મીમી, રાણાવાવમાં ૮ મીમી વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ ચોકકસ નજર કરી છે પરંતુ કચ્છ હજી કોરો ધાકડ છે.

જુલાઈ માસ શરૂ થઈ ગયો હોવા છતાં કચ્છમાં હજુ સુધી મોસમનો કુલ ૧ ટકા જ વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે આગામી ૪ દિવસ દેશભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી હોય. દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.