Abtak Media Google News

જરૂરીયાતમંદને વ્યાજની ચુંગાલમાંથી છોડાવવા ખાસ વ્યવસ્થા ગોઠવાશે

રાજકોટ ગુરૂકુળના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હર્ષ સંઘવીએ પોલીસને કરી તાકીદ

મિલાપનગરમાં એકાદ માસ પહેલાં જ વ્યાજખોરના ત્રાસથી કંટાળી સોની પરિવારની ત્રણ વ્યક્તિએ સામુહિક આપઘાત કર્યો’તો

વ્યાજખોર દ્વારા જરૂરીયાતમંદ પાસેથી કમ્મરતોડ વ્યાજ વસુલ કરી જીવન જીવવાનું મુશ્કેલ કરી દેતા હોય છે.

વ્યાજખોરોની ધાક ધમકીથી આપઘાત અને હિજરતના બનાવ વધી રહ્યા છે. ત્યારે વ્યાજની ચુંગાલમાં ફસાયેલા જરૂરીયાતમંદોની વ્હારે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી આવ્યા છે. વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વ્યાંજકવાદીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

ગરીબ અને શ્રમજીવીઓને વ્યાજની ચુંગાલમાંથી મુક્ત કરાવવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

તાજેતરમાં જ યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગરમાં રહેતા સોની પરિવારના મોભી કિર્તીભાઇ તેમના પત્ની માધવીબેન અને યુવાન પુત્ર ધવલે વ્યાજખોરોની ધમકીના કારણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યાં જઇને વ્યાજના ધંધાર્થીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી ધમકી દીધી હતી. સારવાર દરમિયાન ત્રણેયના મોત નીપજ્યા હતા. પોલીસે ધવલ પપ્પુ મુંધવા, સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા અને મહેબુબ શાહમદાર નામના શખ્સો સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધ્યો હતો.

સોની પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સામુહિક આપઘાત કર્યાની ઘટના બની હોવા છતાં શહેરમાં બેફામ રીતે વ્યાજનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. અને પોલીસ દ્વારા વ્યાજના ધંધાર્થીઓ સામે ગુના નોંધવાના બદલે માત્ર અરજી લઇ બંને વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કરી વ્યાજખોરોને આડકતરી રીતે મદદ કરતા હોવાની છાપ ઉભી થતી હોવાથી રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વ્યાજના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

સમગ્ર રાજયમાં વ્યાજના ધંધાર્થીઓ સામે ગુના નોંધવા અને તાકીદે ઝડપી લેવા ઉપરાંત વ્યાજના ધંધાર્થીઓ ફરી માથુ ન ઉચકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે રાજયનો કોઇ પણ નાગરિકને વ્યાજખોરો હેરાન ન કરે કે તેઓને આપઘાત ન કરવો પડે તે માટે સરકાર કટ્ટીબધ બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.