Abtak Media Google News

નાના વેપારીઓ તથા નાના કારખાનેદારોને મકાન વેરા તથા વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવા બાબતે ગ્રેટર ચેમ્બર દ્વારા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, કમિશ્રર તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

વેપાર-ઉદ્યોગના એકમોને મકાનવેરા-વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવા ગ્રેટર ચેમ્બરની માંગ

સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, કમિશ્રર તથા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

છેલ્લા બે વર્ષથી સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલ મહામારીને કારણે વેપાર ઉદ્યોગ મૃતપ્રાય: સ્થિતિમાં ચાલી રહેલ છે. અને નાના વેપાર તથા નાના કારખાનેદારને ગંભીર અસર થયેલ છે. ત્યારે શહેરી વિસ્તારમાં આવેલા નાના વેપારીઓ તથા નાના કારખાનેદારોને લાગુ પડતો મકાનવેરો કે વ્યવસાયવેરો વધારાના અસહ્ય ભારણરૂપ હોય ભરી શકાય તેવી સ્થિતિમાં રહેલ નથી. ત્યારે આવા વેપાર ઉદ્યોગના એકમોને આ વેરામાંથી મુક્તિ અથવા તો રાહત આપવા સરકાર સમક્ષ તેમજ સ્થાનીક સ્વરાજ્યના પદાધિકારીઓ સમક્ષ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

આ અનુંસધાને ફરી રજૂઆત કરતા જણાવવામાં આવેલ છે કે, રાજકોટ શહેર જેવા વિસ્તારમાં હાલમાં કોર્પોરેશન દ્વારા આવકના અન્ય સ્ત્રોતરૂપે સોની વિસ્તારમાં કોર્પોરેશનની માલીકીના આવેલ જમીનના પ્લોટની હરરાજી દ્વારા ખૂબ જ સારી એવી આવક થયેલ છે. આ આવકને ધ્યાનમાં લઇને પણ નાના વેપાર ઉદ્યોગને આ મકાનવેરા અને વ્યવસાયવેરામાંથી મુક્તિ આપવી જોઇએ. તેવી માંગણી દોહરાવવામાં આવેલ છે. અને ફરી ભારપૂર્વક રજૂઆત કરી મુખ્યમંત્રીને યોગ્ય માર્ગદર્શન આપવા રજૂઆત કરવામાં આવેલ છે. તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ કાંતીભાઇ જાવીયા તથા ખજાનચી અજીતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.