Abtak Media Google News

એસબીઆઈ લીડબેંકની વાર્ષિક ધિરાણ યોજના 2023-24 મુજબ

46 જેટલી બેંકો દ્વારા સુક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગોને માતબર ધીરાણ અપાતા મેન્યુફેકચરીંગ સર્વિસ,ખાદી તેમજ ગ્રામોદ્યોગ સહિતના ઉદ્યોગોને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ મળી રહ્યો છે

ઉદ્યોગો આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. વિકાસના અભિન્ન અંગ તરીકે ભારત સરકાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમ.એસ.એમ.ઈ.)ને ખૂબ પ્રોત્સાહન આપે છે. આ માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વિઝનરી દ્રષ્ટિકોણ અપનાવીને ‘મેક ઈન ઈન્ડિયા’, ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’, ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ વગેરે યોજનાઓ અમલી બનાવી છે. અને બેન્કો દ્વારા ઉદ્યોગોને સરળતાથી ધીરાણ મળી રહે, તે બાબત પર ભાર મુકાય છે. આ સંદર્ભમાં રાજકોટ જિલ્લામાં ગત વર્ષ 2022માં વિવિધ બેન્કો દ્વારા આશરે 30467 સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગોને રૂપિયા 15425.53 કરોડની માતબર રકમની લોન આપવામાં આવી છે. બેન્કો તરફથી સરળતાથી ધીરાણ મળતા રાજકોટ જિલ્લાના ઉદ્યોગો ઔદ્યોગિક વિકાસમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે.

ભારતીય સ્ટેટ બેન્કના લીડ બેન્ક વિભાગના વાર્ષિક ધીરાણ યોજના 2023-24 મુજબ, રાજકોટ જિલ્લામાં ગત વર્ષ 2022માં ડિસેમ્બર સુધીમાં એસ.બી.આઈ. તેમજ રાષ્ટ્રીયકૃત અન્ય 11 બેન્કો, ત્રણ સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો તથા ખાનગી બેન્કો સહિત કુલ મળીને 46 જેટલી બેન્કો દ્વારા રાજકોટ જિલ્લાના 30467 સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગોને રૂપિયા 15425.53 કરોડની માતબર રકમની લોન આપવામાં આવી છે.

જિલ્લામાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, ખાદી તેમજ ગ્રામ્ય ઉદ્યોગ સહિતના સુક્ષ્મ ક્ષેત્રના કુલ 22,912 ખાતાધારકોને રૂપિયા 5367.22 કરોડની માતબર રકમની લોન આપવામાં આવી છે. માત્ર એકલા એસ.બી.આઈ. ગ્રૂપ દ્વારા જ 747 ખાતાધારકોને રૂપિયા 393.87 કરોડની લોન આપવામાં આવી છે. જ્યારે 11 રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા 9890 ખાતાધારકોને રૂ. 1078.52 કરોડની લોન આપવામાં આવી છે.

આ જ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ તથા સર્વિસ ક્ષેત્રના મળીને રાજકોટ જિલ્લાના લઘુ ક્ષેત્રના 5887 ખાતાધારકોને રૂપિયા 6569.51 કરોડ રૂપિયાની જંગી લોન આપવામાં આવી છે. જેમાં એકલા એસ.બી.આઈ. ગ્રૂપ દ્વારા 209 ખાતાધારકોને રૂપિયા 403.37 કરોડ, જ્યારે રાષ્ટ્રીય કૃત 11 બેન્કો દ્વારા 1366 ખાતાધારકોને રૂપિયા 1386.44 કરોડની લોન આપાવમાં આવી છે.

જિલ્લામાં મેન્યુફેક્ચરિંગ તથા સર્વિસ ક્ષેત્રના મળીને મધ્યમ શ્રેણીના કુલ 1656 ખાતાધારકોને રૂપિયા 3476.70 કરોડની લોન આપવામાં આવી છે. જેમાં એસ.બી.આઈ. ગ્રૂપ દ્વારા 62 ખાતાધારકોને રૂપિયા 515.08 કરોડ તથા જ્યારે 11 રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા 115 ખાતાધારકોને રૂપિયા 833.10 કરોડની લોન આપવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય મળીને ગત વર્ષ 2022ના ડિસેમ્બર સુધીમાં 30,467 એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રના ખાતાધારકોને રૂપિયા 15425.53 કરોડની લોન આપવામાં આવી છે. જેમાં 11 રાષ્ટ્રીય કૃત બેન્કો દ્વારા 11383 ખાતાધારકોને રૂપિયા 3310.17 કરોડની લોન જ્યારે એસ.બી.આઈ. દ્વારા 1018 ખાતાધારકોને રૂપિયા 1312.33 કરોડની લોન આપવામાં આવી છે. આમ બેન્ક દ્વારા સરળતાથી અપાતા ઋણના કારણે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને વેગ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.