મોરબી: ગેરકાયદે બાંધકામ મામલે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો

વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કરાયેલી રજૂઆત બાદ તંત્રે કરી કાર્યવાહી

મોરબી ગેરકાયદે બાંધકામ મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના હેરિટેજ પેલેસ મણિમંદિરની બાજુમાં દરગાહ આવેલ છે જેમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરાતું હોવાની રજૂઆતો મોરબીના વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી હતી.

જેમાં હેરીટેજ બચાવો સંઘર્ષ સમિતિ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગૌરક્ષા દળ સહિતના વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજુઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા માંગ કરવામાં આવી હતી તેમજ આ માંગને લઈને મોરબીના વિવિધ હિન્દૂ સંગઠનોના અગ્રણીઓ સર્કિટ હાઉસ ખાતે ધરણા પર બેઠા હતા જેને લઈને મોડી રાત્રે તેમની માંગ સ્વીકારવામાં આવી હતી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ ફરિયાદી બનીને મોરબી સીટી એ ડિવિઝનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવ્યો છે.