Abtak Media Google News
  • ‘પર્યાવરણનું જતન, પ્રકૃતિનું જતન’ ’શ્રમભક્તિ’ દ્વારા શિક્ષણ સાથે જ શીખવાડાય છે પર્યાવરણની જાળવણીના પાઠ

ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા જ્યાંના પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ મધમધતા મોગરા અને કરેણની સુગંધ તમારા મન-મગજને પ્રફુલ્લિત કરી દે છે. જ્યાં જ્યાં પણ તમારી આંખ ફરે ત્યાં નજર સમક્ષ ખીલેલા લાલ-પીળા-ગુલાબી ફૂલ તરવરે. શાળાના સમગ્ર મેદાનમાં રહેલું લીલુછમ ઘાસ આંખને શાતા પહોંચાડે છે. કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાની સરકારી ’ગ્રીન સ્કૂલ’માં આ તમામ લાક્ષણિકતાઓ મળી આવે છે. આ શાળામાં ’શ્રમભક્તિ’ દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખવાડાય છે. આ રીતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી2 ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળુ બનાવવાના લક્ષ્યમાં મૂળ દ્વારકાની આ સરકારી શાળા પણ પોતાનો ફાળો આપી રહી છે.

Screenshot 1 2

‘પર્યાવરણનું જતન, પ્રકૃતિનું જતન’ના મંત્રને સાથે લઈ વિવિધલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન સહિતની કેળવણી આપનાર મૂળ દ્વારકાની સરકારી સ્કૂલના આચાર્ય  નકુમ અજીતભાઈ માલાભાઈના જણાવ્યાનુસાર ’બીજબેંક’ સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તીઓ વડે સ્કૂલના વિદ્યાર્થીઓમાં ફૂલછોડ-વૃક્ષના ઉછેર સહિત પર્યાવરણની જાળવણીના બીજ રોપાય છે.

શાળામાં દર શનિવારે એક કલાક ‘શ્રમભક્તિ’ તાસમાં વિદ્યાર્થીઓ ફૂલ-છોડ ઉછેર સહિતની પર્યાવરણલક્ષી કામગીરી કરે છે. વળી કોઈ પાઠમાં કેસૂડા-અરડૂસી વગેરેનો ઉલ્લેખ આવતો હોય તો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કેસૂડો-અરડૂસી વગેરે બતાવવામાં આવે છે. એવી જ રીતે જો પાઠમાં ઉલ્લેખ હોય કે, ‘સીતામાતા અશોકવૃક્ષની નીચે બેઠા છે’ તો શાળાના પ્રાંગણમાં જ આવેલ અશોકવૃક્ષ બતાવવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે જ ફૂલછોડ વિશે પ્રેક્ટિકલ સમજ પણ મળી રહે છે.

આ શાળાનું મેદાન જાસૂદ, ચંપો, ગુલાબ, મોગરો, શંખપુષ્પી, કરેણ જેવા ફૂલો તેમજ વેરી ગ્રીન અરેલિયા, ફોરકોપા, રેડ એકાફેરા, જેટ્રોફા જેવા વિદેશી ફૂલો અને અરડૂસી, એલોવેરા, સરગવો, નાગરવેલ જેવી ઔષધિ સહિત ઉંબરો, પીપળો, નારિયેળી, બીલી, બોટલપામ, લિંબૂડી જેવા ઘેઘૂર વૃક્ષોથી હર્યુભર્યુ બન્યું છે. વળી તમામ ફૂલછોડને ડ્રીપ ઈરિગેશન પદ્ધતિથી પાણી પહોંચાડવામાં આવે છે તેમજ ગાયનું છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ વગેરેમાંથી બનતું જીવામૃત કુદરતી ખાતર આપવામાં આવે છે. જેથી કોઈ નુકસાન ન પહોંચે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.