એમઆરએફ પેસ ફાઉન્ડેશને ફાસ્ટ બોલીંગની ભવ્ય ઇમારત સર્જી દીધી!!

કોર્પોરેટ ‘સેવા’એ ભારતીય ક્રિકેટને ચાર ચાંદ લગાવી દીધું!!

ફાઉન્ડેશને ભારતીય ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલરોની ભરમાર સર્જવાની લીધી હતી નેમ!!

લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલા બીજા ટેસ્ટ મેચના ચોથા દિવસે એવું લાગી રહ્યું હતું કે, કદાચ મેચ ઇંગ્લેન્ડ જીતી લેશે અન્યથા ટાઇ થઈ જશે પરંતુ જે રીતે ભારતીય પેસ બોલરોએ કરામત બતાવી તમામ વિકેટો ફક્ત ૧૨૦ રનમાં ચટકાવી દીધી તે બાબત આશ્ચર્ય પમાડે તેવી હતી. બીજા ટેસ્ટ મેચમાં ભારતે ટીમમાં ૪ પેસ બોલર અને ફક્ત ૧ સ્વીન્ગ બોલરને સ્થાન આપ્યું હતું. બીજી ઇનિંગમાં ફાસ્ટ બોલરોએ જ ઇંગ્લેન્ડની તમામ વિકેટો ચટકાવી ઇતિહાસ રચી દીધો હતો.

એક સમયની ભારતની સૌથી નબળી કડી ફાસ્ટ બોલિંગ હતી. ભારતીય ટીમ પાસે ફાસ્ટ બોલરના નામે કશું હતું જ નહીં તેવું પણ કહી શકાય. સુનિલ ગાવસ્કરના સમયમાં તે એક કે બે ઓવર પેસ બોલિંગ કરતો અને ત્યારબાદ બોલ સ્પિનર આપી દેવામાં આવતો હતો. ભારતીય ટીમની સૌથી નબળી કડી પેસ બોલિંગ હતી પરંતુ આજે સૌથી મોટી નબળાઈ ભારતીય ટીમની સૌથી મોટી તાકાત બનીને સામે આવી છે. તો એવું તો શું થયું કે, ભારતીય ટીમે પેસ બોલિંગમાં પરચમ લહેરાવી દીધો? તો તેનો એકમાત્ર જવાબ છે, એમઆરએફ પેસ ફાઉન્ડેશન.

એમઆરએફ પેસ ફાઉન્ડેશન કે જે એક કોર્પોરેટ ક્ષેત્રમાંથી આવે છે તેની સેવાને કારણે ભારતીય ટીમમાં પેસ બોલરોનું આગવું મહત્વ તો ઉભું થયું જ સાથોસાથ ફાસ્ટ બોલિંગ એટેક ખૂબ મજબૂત થયું. જો કે, આ તમામ ઘટના રાતોરાત થઈ નથી. ભારતીય ક્રિકેટ ટીમના પેસ બોલિંગ એટેકને મજબૂત બનાવવાનું બીડું એમઆરએફ ટાયર્સના પૂર્વ મેનેજિંગ ડિરેકટર રવિ મેમને ઝડપ્યું હતું.

વર્ષ ૧૯૮૦ના દાયકામાં કપિલદેવ નિવૃત્તિના તબક્કામાં હતો ત્યારે કપિલદેવ બાદ ભારતીય ટીમનો પેસ બોલર કોણ ? આ ચિંતા બીસીસીઆઈની સાથોસાથ મેમનને પણ હતી. મેમન જાણતા હતા કે, કપિલદેવ બાદ ભારતીય ટીમને મજબૂત ફાસ્ટ બોલરની જરૂરિયાત ઉભી થશે ત્યારે અગાઉથી જ આ પ્રકારના બોલરો તૈયાર કરવા પડશે.

છેલ્લા ચાર વર્ષમાં જ ફાઉન્ડેશને રૂ. ૨૨ કરોડથી વધુનો કર્યો ખર્ચ

એમઆરએફ ટાયર્સ દ્વારા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટ એક્ટિવિટીના ભાગરૂપે શરૂ કરાયેલુ ફાઉન્ડેશન હાલ દર વર્ષે કરોડો રૂપિયા ફાસ્ટ બોલર તૈયાર કરવા ખર્ચે છે. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વર્ષ ૨૦૧૬માં રૂ.૪.૮ કરોડ, ૨૦૧૭માં રૂ.૪.૩ કરોડ, ૨૦૧૮માં ૪.૨ કરોડ, ૨૦૧૯માં ૪.૪ કરોડ અને વર્ષ ૨૦૨૦માં ૪.૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમને ફાસ્ટ બોલરો આપવા ફાઉન્ડેશને રૂ. ૧૦૦ કરોડ ખર્ચ્યા!!

વર્ષ ૧૯૮૭માં એમઆરએફ પેસ ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ આજ સુધીમાં ફાઉન્ડેશને સારામાં સારા ૨૦ ફાસ્ટ બોલરો ભારતીય ક્રિકેટ ટીમને આપ્યા છે. જેમાં ઝહિર ખાન, શ્રીનાથ, ઇરફાન પઠાણ, શ્રીસાંથ જેવા બોલરોનો સમાવેશ થાય છે. ફાસ્ટ બોલરો કેવી રીતે તૈયાર કરવા તે પાઠ પણ ફાઉન્ડેશને ભારતીય ટીમને ભણાવ્યા છે. છેલ્લા ૩૪ વર્ષમાં ફક્ત ભારતીય ટીમને ફાસ્ટ બોલરો મળે તેના માટે એમઆરએફ ફાઉન્ડેશન દ્વારા આશરે રૂ. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ કરાયો છે.

ભારતીય ટીમને વિશ્વની શ્રેષ્ઠ ટીમ બનાવવાનું સ્વપ્ન 

એમઆરએફ પેસ ફાઉન્ડેશનના પ્રથમ કોચ ડેનિસ લીલીનું માનવું હતું કે, જો ભારતને શ્રેષ્ઠ ટીમ બનાવવી હશે તો ફક્ત બેટિંગ નહીં પરંતુ ફાસ્ટ બોલિંગ એટેકની તાતી જરૂરિયાત રહેશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા કે ઇંગ્લેન્ડ જેવું ફાસ્ટ બોલિંગ એટેક નહીં હોય તો આગામી સમયમાં આપણે ટકી નહીં શકીએ તેવું લીલીનું માનવું હતું. જેના માટે બધું કરી છૂટવા લીલીએ તૈયારી બતાવી હતી. વર્ષ ૧૯૭૦ના દાયકામાં લીલી પીઠના ભાગે ઇજા થઇ હતી જે બાદ તેમણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. એમઆરએફ ફાઉન્ડેશનમાં રહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટ કિપર સૈયદ કિરમાણીએ લીલીને આ બીડું ઝડપવા વાત કરી હતી અને ત્યારબાદ લીલીએ તેની ફિટનેસ પર ધ્યાન આપી બોલિંગ કોચ તરીકેની જવાબદારી લીધી હતી.

બોલરોની ફિટનેશને અપાય છે પ્રાધાન્યતા

લીલીએ બોલિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ બોલરોની ફિટનેશને પ્રાધાન્યતા આપી હતી. બોલર્સની ફિટનેશ માટે ફાઉન્ડેશન પાસે લીલીએ ૧૧ બેડરૂમ સાથેના ગેસ્ટહાઉસ, ડાઇટીશીયન, જીમનેશિયમ, સ્વિમિંગ પુલ, બે ગ્રાઉન્ડ, નેટની માંગણી કરી હતી. જે તાત્કાલિક ધોરણે ફાઉન્ડેશન દ્વારા પૂર્ણ પણ કરવામાં આવી હતી. લીલીએ અલગ અલગ ક્રિકેટ બોર્ડમાંથી કુલ ૧૨ કેન્ડીડેટની પસંદગી કરી ટ્રેનિંગ શરૂ કરી હતી. તે સમયથી આજ સુધી ફાઉન્ડેશન આ જ રીતે ટ્રેનિંગ આપી એક સેવા આપી રહી છે.

ઝહિરમાં રહેલા હીરાને પેલી જ નરજમાં પારખી લેતા ‘ઝવેરી’ શ્રીનાથ-લીલી

વર્ષ ૧૯૯૭માં ઇન્ટર ઝોનલ મેચમાં શ્રીનાથે ઝહિર ખાનને પ્રથમવાર જોયો હતો. જે બાદ શ્રીનાથે શેખરને કહ્યું હતું કે, હું આ છોકરાને ફાઉન્ડેશન ખાતે ટ્રેનિંગ આપવા માંગુ છું. શેખરે ઝહિરને જઈને ૧૮મી જાન્યુઆરીના રોજ ટ્રાયલ માટે આવવા આમંત્રણ આપ્યું હતું. ઝહિર ખાન ઉત્સાહમાં આવીને ૧૬મીએ જ ચેન્નઈ પહોંચી ગયો હતો. જ્યાં ટ્રાયલ શરૂ થતાની સાથે જ લીલીએ ઝહિરને કહ્યું હતું કે, તું આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમીશ. પરિણામ આજે સૌ જાણે છે કે, ઝહિર ખાન એકસમયે ભારતીય ક્રિકેટ ટીમનો શ્રેષ્ઠ ફાસ્ટ બોલર રહ્યો હતો.