બર્મિંગહામ ખાતે આવતીકાલે યોજાનારી ધ કોમનવેલ્થ ફૂડ ફ્યુચર કોન્ફરન્સમાં મ્યુનિ.કમિશનર અમિત અરોરા રહેશે હાજર

ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માટે રાજકોટ સહિત ભારતના 11 શહેરોની પસંદગી

રાજકોટ શહેર માટે વધુ એક વખત ગૌરવવંતી ક્ષણ આવી છે. લંડનના બર્મિંગહામ શહેરમાં યોજાનારી ધ કોમનવેલ્થ ફૂડ ફ્યુચર કોન્ફરન્સમાં સામેલ થવા માટે દેશના કુલ 108 શહેરોએ ઇટ સ્માર્ટ સિટી ચેલેન્જમાં ભાગ લીધો હતો. જેમાં રાજકોટ સહિત દેશના માત્ર 11 શહેરોની પસંદગી કરવામાં આવી છે. આવતીકાલે મ્યુનિ.કમિશનર આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેશે.

ધ ફૂડ ફાઉન્ડેશન, લંડન, બર્મિંગહામ સિટી કાઉન્સિલ અને યુ.કે. ગવર્નમેન્ટ દ્વારા તા. 28 જુલાઈ, 2022થી બર્મિંગહામ ખાતે યોજાયેલ “ધ કોમનવેલ્થ ફૂડ ફ્યુચર કોન્ફરન્સ” રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા ભાગ લેશે. આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માટે વિશ્ર્વના કુલ 20 શહેરોની પસંદગી કરવામાં આવેલ છે. જેમાં ભારતના રાજકોટ સહિત 11 શહેરો સામેલ થયા છે. ભારતના સ્માર્ટ સિટી મિશન, ભારત સરકાર દ્વારા “ઇટ સ્માર્ટ સિટી ચેલેન્જ” યોજવામાં આવી હતી. જેમાં સ્માર્ટ સિટી અને સ્ટેટ કેપિટલ મળી કુલ 108 શહેરો સામેલ થયા હતાં, જેમાંથી પસંદ કરવામાં આવેલા 11 શહેરોમાં રાજકોટ પણ સામેલ છે, જે રાજકોટ મહાનગરપાલિકા માટે ગૌરવની વાત છે. આ 11 શહેરોની પસંદગી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા કરવામાં આવેલી કામગીરીના આધાર થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ બાબતો જેવી કે, ફૂડ બિઝનેશ લાઈસન્સ, રજીસ્ટ્રેશન, સર્વેલન્સ, બેન્ચમાર્કિંગ એન્ડ સર્ટીફિકેશન, ચેન્જિંગ ફૂસ સેટિંગ, સસ્ટેનેબલ ફૂડ એન્વીરોન્મેન્ટ અને બિહેવિયર ચેન્જ કેમ્પેઈન અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. આ પાંચ ક્ષેત્રમાં દેશના તમામ સ્માર્ટ સિટી અને સ્ટેટ કેપિટલ દ્વારા થયેલ પરફોર્મન્સના આધાર પર તા.16મી માર્ચ, 2022ના રોજ  કુલ 11 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં રાજકોટને ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયેલ છે.