ભાવનગરની યુવતીની હત્યાનો ભેદ ખૂલ્યો :ત્રણ શખ્સોની ધરપકડ

યુવતીના પતિ સાથે મરનાર અવાર નવાર ઝઘડા કરતો હોય તેમજ યુવતી પાસે બિભત્સ માંગણી કરતો હોવાથી હત્યાનો પ્લાન ઘડયો

યુવકને પ્રલોભન આપી ઘરે બોલાવી યુવતીએ પોતાના ભાડુઆતની મદદથી કાસળ કાઢી નાખ્યું; લાશ ગોદળામાં વીટાળી ફેંકી દીધી

ભાવનગરના ચીફ ફાયર સ્ટેશનની પાછળ કરચલીયાપરામાં બાવળની ઝાડી વચ્ચેથી બે દિવસ પહેલા હત્યા કરી ફેંકી દેવાયેલ યુવાનનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ગણત્રીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખી મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં મહિલાના પતિનું અગાઉ ખૂન થયેલ જેની સાથે મરનાર યુવાન અવાર નવાર ઝઘડા કરતો હોય તેમજ પતિની હત્યા બાદ મરનાર યુવાન અવાર નવાર મહિલા પાસે બિભત્સ માંગણી કરતો હોય જેનો ખાર રાખી પૂર્વયોજીત કાવતરૂરચી યુવાનને પ્રલોભન આપી ઘરે બોલાવી હત્યાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર પ્રભુદાસ તળાવ પાસે મફતનગરમાં રહેતા અને ગેસના બાટલાની ડીલેવરી કરતા સંજય ઉર્ફે કચોરી ખન્નાભાઈ ઉર્ફે કાનાભાઈ બારૈયા ઉ.26ની ગત તા.16ને સોમવારે બપોરે કરચલીયા પરા ચીફ ફાયર સ્ટેશનની પાછળ અવાવરૂ જગ્યામાંથી ગોદળામાં વીટાયેલ તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે ગંગાજળીયા પોલીસે મૃતક યુવાનના પિતા ખન્નાભાઈ ઉર્ફે કાનાભાઈ બચુભાઈ બારૈયા ઉ.47ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ખૂનનો ગુનો નોંધ્યો હતો.

પોલીસની તપાસમાં સંજય ઉર્ફે કચોરી રવિવારે રાત્રે જમીને ઘર પાસે બેઠો હતો. અને મોડીરાત્રે 12 વાગ્યે હમણા આવું તેમ કહી નીકળી ગયા બાદ લાપતા થઈ ગયો હતો અને બીજા દિવસે બપોરે તેની લાશ મળી આવી હતી જેના આધારે પોલીસે ઘટના સ્થળ નજીક સઘન પૂછપરછ કરતા પોલીસને મહત્વની કડી મળી હતી જેમાં ચીફ ફાયર સ્ટેશન પાસે મફતનગરમાં રહેતી રોશની ગોપાલ રાઠોડ ઉ.22 પર શંકા ગઈ હતી. પોલીસે રોશનીના ઘરની તલાશી લેતા તેમાંથી લોહીના ડાઘ મળી આવ્યા હતા જેના આધારે શંકા વધુ મજબુત થતા રોશનીની આકરી પૂછપરછ કરતા યુવતી પોલીસ સમી ભાંગી પડી હતી અને સઘળી હકિકત જણાવી હતી.

રોશનીના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલા તેના પતિ ગોપાલ ઉર્ફે ડોંગર રાઠોડની હત્યા થયેલ હોય જેની સાથે સંજય ઉર્ફે કચોરી અવાર નવારઝઘડા કરતો હતો અને પતિની હત્યા બાદ સંજય ઉર્ફે કચોરી યુવતીની એકલતાનો લાભ લઈ બિભત્સ માંગણી કરતો હોયજેનો ખાર રાખી રોશનીએ હત્યાનું કાવત્રુ ઘડી સંજયને પ્રેમજાળમાં ફસાવી બનાવની રાત્રે શરીર સંબંધ બાંધવાનું પ્રલોભન આપી ફોન કરી ઘરે બોલાવ્યો હતો.

અગાઉથી જ ઘડાયેલ પ્લાન મુજબ રોશનીનો ભાડુઆત ગણેશ ઉર્ફે રવિ કરશન મકવાણા ઉ.30 અને રાકેશ ભીખા રાઠોડ ઉ.23 બાથરૂમમાં છુપાઈ ગયા હતા મોડીરાત્રે સંજય ઉર્ફે કચોરી મધલાળ ટપકાવતો રોશનીના ઘરે આવ્યો ત્યારે જ તેના પર છરીના ઘા ઝીંકી તેની હત્યા કર્યાબાદ લાશ ગોદળામાં વિટાળી મોડીરાત્રે ફાયર બ્રિગેડ પાછળ બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો. ગંગાજળીયા પોલીસ ઈન્સ્પેકટર જે.આર. ભાયકત અને એલ.સી.બી.ના પી.એસ.આઈ. એમ.જી. જાડેજા સહિતની ટીમે ગણત્રીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખી રોશની સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.

ભાડુઆત અને તેના મિત્રને આર્થિક પ્રલોભન આપ્યું’તુ

ભાવનગર મફતનગરમાં બે દિવસ પહેલા સંજય ઉર્ફે કચોરીની થયેલી હત્યાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ત્યારે હત્યાની માસ્ટર માઈન્ડ રોશનીએ સમગ્ર ઘટનાનું કાવત્રુ ઘડી કાઢી પોતાના ભાડુઆત ગણેશ ઉર્ફે રવિ અને તેના મિત્ર રાકેશ રાઠોડને આર્થીક પ્રલોભન આપી સંજયની હત્યા માટે તૈયાર કર્યા હતા.