મારા કોચ મને અવારનવાર હેરાન કરે છે… ભારતીય મહિલા બોક્સરે લગાવ્યા ગંભીર આરોપ

કોમનવેલ્થ ગેમ્સ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે તે પહેલા લવલીનાએ બીએફઆઈ સામે માનસિક સતામણીનો આરોપ લગાવ્યો

શું હવે રમતમાં પણ રાજકારણ!!!ટોક્યો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મહિલા બોક્સર લવલીના બોરગોહેને બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે તે પહેલા લવલીનાએ બીએફઆઈ સામે માનસિક સતામણીનો આરોપ લગાવ્યો છે. લવલીનાનું કહેવું છે કે બીએફઆઈમાં ચાલી રહેલા રાજકારણના કારણે તે પોતાની ટ્રેનિંગ પર ધ્યાન આપી રહી નથી. લવલીનાએ આરોપ લગાવતા કહ્યું છે કે, બીએફઆઈના અધિકારી વારંવાર મારા કોચ સંધ્યા ગુરૂંગજીને સ્પોર્ટ્સ વિલેજમાં આવવા દેતા નથી, જેના કારણે હું ટ્રેનિંગ કરી શકતી નથી. જેથી મને માનસિક હેરાનગતિ થઈ રહી છે.

ગત વર્ષે જાપાનના ટોક્યોમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સ્ટાર ભારતીય મહિલા બોક્સર લવલીનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વ્યથા જણાવી છે. લવલીનાએ આરોપ લગાવ્યો છે કે 28 જુલાઈથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ પહેલા તેની કોચ સંધ્યા ગુરંગને કોઈ પણ જાણ કર્યા વગર હટાવી દેવામાં આવ્યા હતા અને જ્યારે તેમને ફરીથી સામેલ કરવામાં આવ્યો તો તેમને સ્પોર્ટ્સ વિલેજમાં એન્ટ્રી મળી રહી નથી. જેના કારણે તેની તૈયારીઓને અસર પડી રહી છે.

લવલીનાએ પોતાની ટ્વિટમાં કહ્યું છે કે, હું ઘણા દુ:ખ સાથે જણાવી રહી છું કે મને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહી છે. જે કોચની મદદથી મેં ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેમને વારંવાર હટાવી દેવાથી મારી રમત અને ટ્રેનિંગ પર અસર પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘણા પ્રયાસો બાદ તેમને ફરીથી લાવવામાં આવ્યા ત્યારે તેમને સ્પોર્ટ્સ વિલેજમાં એન્ટ્રી આપવામાં આવી રહી નથી.

તેણે કહ્યું હતું કે, મને ટ્રેનિંગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને માનસિક સતામણી પણ થઈ હી છે. મારી સાથે આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાં મારા મુકાબલામાં હવે ફક્ત આઠ દિવસ જ બાકી રહ્યા છે.

મારા બીજા કોચને પણ પાછા મોકલી દેવામાં આવ્યા છે. મને ખબર નથી પડી રહી કે હું કેવી રીતે મારી ટ્રેનિંગ પર ધ્યાન આપું. આ બધા કારણોને લીધે જ ગત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મારું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ મારી સાથે આવું જ કરવા ઈચ્છે છે. જોકે, લવલીનાએ પોતાની વાતમાં બીએફઆઈ સાથે જોડાયેલા કોઈ અધિકારીનું નામ લીધું નથી.