Abtak Media Google News

ગુજરાતમાં ઠંડી જોર પકડી રહી છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત ઠંડીનો મારો વધી રહ્યો છે.આજે કચ્છના નલિયામાં સીઝનનું રેકોર્ડ બ્રેક તાપમાન 5.1, રાજકોટમાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ શહેરમાં ઠંડીનું જોર પ્રમાણમાં થોડું ઘટ્યું છે જેથી તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીને કારણે લોકો ઠુઠવાઈ રહ્યાં છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ-દાહોદ-છોટાઉદેપુર તો ભાવનગરના તળાજા પંથકમાં માવઠું પડ્યું છે.

પવનના સુસવાટા સાથે હાડ થીજાવતી ઠંડી પડી: ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ

રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ શહેરોનું તાપમાન ઉચકાતાં ઠંડીનું જોર ઘટી ગયું છે. બીજી તરફ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હજુ કાતિલ ઠંડીનો વર્તારો જોવા મળ્યો છે. જૂનાગઢમાં ઠંડીમાં ઠુંઠવાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજયું હતું. કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 5.1 ડિગ્રી નોંધાયુ છે, જ્યારે ડિસામાં 11.2 અને રાજકોટમાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ઉચકાઈને 16.4 ડિગ્રીએ પહોંચ્યું છે. શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી નીચું રહેતા દિવસ ઠંડો રહ્યો હતો. કડકડતી ઠંડી પડતા લોકો ગરમ વસ્ત્રોમાં વિંટળાયેલા નજરે પડયા હતા.

વહેલી સવારે તો કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાઇ ગયા હતા. સાંજ ઢળતાની સાથે ઠંડા પવનના સુસવાટા પણ શરૂ થયા હતા. જેને પગલે લોકો ઠંડીમા ઠુંઠવાઇ ગયા હતા. રાત્રીના સમયે ઠેરઠેર તાપણાઓ શરૂ થયા હતા. શિયાળાએ હવે તેનો અસલી મિજાજ બતાવ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. એકાએક ઠંડીનો પારો ગગડતા કડકડતી ઠંડી પડી હતી. રાત્રીના સમયે ઠંડા પવનો ફુંકાતા લોકો ધ્રુજી ઉઠયાં હતા. થોડા દિવસ પહેલા પણ ઠંડીનો પારો ગગડયો હતો અને ઠંડા પવનો ફુંકાયા હતા જો કે બાદમાં ફરી આકાશમાં વાદળો છવાયા હતા અને સવાર પડતા વાતાવરણ હુંફાળુ બની જતુ હતુ. ત્યારે ફરી ઠંડીનો પારો ગગડતા ઠેરઠેર તાપણા નજરે પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.