Abtak Media Google News

 

દેશના પ્રથમ મહિલા રેસ્કયુ ફોરેસ્ટર બનવાનું માન રસીલાબેન વાઢેરના નામે

વન્ય પ્રાણીઓના શાસ્ત્રીય જ્ઞાન વગર માત્ર હિંમત, અનુભવ અને કોઠાસુઝથી સિંહ, દિપડા, મગર, અજગર સહીતના વન્ય પ્રાણીઓની 1000 થી વધુ રેસ્કયુ ઓપરેશન

અબતક, ગીર સોમનાથ

ગીરની સિંહણ….ધ લાયન ક્વીન ઓફ ઈન્ડિયા જેવા બિરૂદ મેળવનાર રસીલાબેન વાઢેરે વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે અનેકવાર જીવ સટોસટ્ટીના ખેલ ખેલ્યા છે. એ પણ વન્યપ્રાણીઓના કોઈ પણ શાસ્ત્રીય જ્ઞાન વગર માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝના બળે સિંહ, દિપડા, મગર, અજગર વગેરે પ્રાણીઓના જીવા બચાવવા માટે 1000થી વધુ રેસક્યુ ઓપરેશન કર્યા છે.પુરૂષ પ્રધાન સમાજમાં અચરજ પમાડે તેવી વાત છે કે, સિંહ, દિપડા જેવા હિંસક પ્રાણીઓના રેસક્યુ ટીમમાં એક માત્ર મહિલા રસીલાબેન હતા. બાદમાં તેઓેએ રેસક્યુ ટીમના ટીમ લીડર તરીકે પણ ફરજ બજાવી. આ જાબાંઝ મહિલાએ બેખૌફ સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે તેમની મલમપટ્ટી પણ કરી છે. હાલમાં ગીરસોમનાથ જીલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની પ્રભાસ પાટણ રેન્જમાં આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવી રહેલા રસીલાબેન વાઢેરને દેશના પ્રથમ મહિલા રેસક્યુ ફોરેસ્ટર બનવાનું માન પણ પ્રાપ્ત છે.

રસીલાબેન વાઢેરનુ સાહસ અને હિંમત એક મિસાલ છે. તેઓ કહે છે કે, ચેલેન્જવાળી કામગીરી કરવી ગમે છે. વેરાન જંગલમાં કે, વન્ય પ્રાણીઓના રેસક્યુ ઓપરેશનમાં ડર ક્યારેય લાગ્યો નથી. જો તમારા હિંમત અને આત્મવિશ્વાસ હોય તો અશક્ય લાગતા કામ પણ શક્ય બની જતા હોય છે. સાથે જ જો અપેક્ષાવિહિન કામ કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓથી આપોઆપ બચી શકાય છે. રાજ્ય સરકારે પણ આજની મહિલાઓને આગળ વધવા માટે પોતાની જાતને નિડરતા અને ઉત્કૃષ્ટતા સાથે કામગીરી બજાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે.જીવનમાં કોઈનુ અનુકરણ કરવાની જરૂર નથી. પણ શ્રેષ્ઠ કાર્યોમાંથી પ્રેરણા અવશ્ય મેળવવી જોઈએ. હિંમતના અન્ય કોઈ સ્ત્રોત હોતા નથી તે માત્ર તમારી અંદરથી આવી શકે છે. જે તમને કંઈક અલગ કરવા માટે જુસ્સો પૂરો પાડે છે. 2007માં  જ્યારે ગાર્ડ તરીકે વન વિભાગમાં જોડાઈ ત્યારે અમારા ડિવિઝનમાં હું એક માત્ર જ મહિલા હતી. 2007માં પહેલી જ વખત વન વિભાગમાં ગાર્ડ તરીકે મહિલાઓની ભરતી કરવામાં આવી હતી.

મહિલા માટે આ ક્ષેત્ર નવુ જ હતું. શરૂઆતમાં મારી જેવી તમામ મહિલાઓને ફિલ્ડ કે, વન્ય પ્રાણીઓની રેસક્યુની કામગીરી સોંપવામાં ન આવતી હતી. મોટાભાગે ઓફિસ વર્ક જ સોંપવામાં આવતુ હતું. જે સ્વભાવીક પણ હતું. સીધી મહિલાઓને જોખમી કામગીરી સોંપી શકાય નહી.જે તે સમયે સાસણ રેસક્યુ સેન્ટરના વેટરનરી ડોક્ટરે નોકરી છોડી દેતા, રેસક્યુ સેન્ટરની જવાબદારી મારા શીરે આવી હતી. ત્યારબાદ અન્ય વેટરનરી ડોક્ટરના માર્ગદર્શન મુજબ ઘણાં વન્યપ્રાણીઓને સારવાર આપી છે. એકવાર સારવાર દરમિયાન દિપડાએ હાથમાં બચકુ ભરી લેતા 15 જેટલા ટાકા આવ્યાં હતા. આમ, વન્યપ્રાણીઓ સારવાર અને રેસક્યુમાં ફાવટ આવી જતા ઘણાં કર્ચચારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓને તાલીમ પણ આપવાની તક મળી છે. જો કે, વન્ય પ્રાણીઓના બિહેવ-વર્તન જાણવા માટે ત્રણેક વર્ષ જેટલો સમય લાગી જતો હોય છે. જો કે,રેસક્યુમાં ચોપડીયું  જ્ઞાન બહુ કામ આવતું નથી…

રસીલાબેન સ્વીકારે છે કે, આ વન્યપ્રાણીઓના રેસક્યુની કામગીરીમાં મારી સાથી કર્મચારીઓ-અધિકારીઓનુ પણ એટલુ જ યોગદાન છે. રેસક્યુ કામગીરી ટીમ વર્ક સિવાય અશક્ય છે. હા. એક મહિલા હોવાના નાતે શ્રેય મને વધુ મળે છે.રેસક્યુનો પ્રથમ અનુભવ એટલો જ રોચક રહ્યો છે, ડેડકડી રેન્જના કાસીયા રાઉન્ડમાં એક સિંહણ શાહૂળીનો શિકાર કરવા જતા ઘવાઈ ગઈ હતી. કારણ કે, શાહૂડી શરીર એકદમ કાટાળું હોય છે. આ સિંહણ  વધુ ઘાયલ થઈ ગઈ હોવાથી એકદમ આક્રમક બની ગઈ હતી. એકવાર સિંહણે તો અમારી ઉપર હુમલો પણ કરી દીધો હતો. જેથી એક સમયે તો રેસક્યુ ઓપરેશન બંધ કરવાનુ વિચાર્યું હતું. પણ ટીમ વર્કથી  સાંજના પાંચ વાગ્યાથી શરૂ કરાયેલુ રેસક્યુ ઓપરેશન વહેલી સવારે સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. આમ, રેસક્યુની કામગીરી ખૂબ જહેમતની સાથે તમારી હિંમત અને ધીરજનુ પણ પરીક્ષણ કરે છે. હા…આ રેસક્યુ ટીમમાં હું એકમાત્ર મહિલા હતી.

રસીલાબેન કહે છે કે, રેસક્યુ વન્યપ્રાણીઓ જ્યારે માનવ વસવાટમાં પ્રવાસી જાય, કૂવામાં પડી જાય ઉપરાંત વન્યપ્રાણીઓ પણ ગૂટબાજી હોય છે તેવા સંજોગોમાં ઈનફાઈટમાં ઘાયલ થયા હોય વગેરે સંજોગોમાં વન્યપ્રાણીઓની રેસક્યુ કરવાનુ  થતું હોય છે.રસીલાબેન કહે છે કે, મારી આ સેવાની નોંધ તત્કાલિન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબેન પટેલે પણ લીધી હતી. આનંદીબેન પટેલે તો મને ગીર સિંહણ તરીકે નવાજી હતી. રસીલાબેનને અત્યાર સુધીમાં અનેક સન્માનો મળ્યા છે. તત્કાલિન મુખ્યમંત્રી મોદી નારી રત્ન, તેમજ પૂર્વ કેન્દ્રીય વન અને વર્યાવરણ મંત્રી પ્રકાશ જાવેડકર સહિત અનેક મહાનુભાવો અને સંસ્થાઓએ તેમને સન્માનીત કર્યા છે.રસીલબેન કહે છે કે, પર પ્રાંતિય મહિલા શ્રમિકોની સિંહના શિકારમાં સંડોવણી સામે આવતા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વન વિભાગમાં મહિલાઓની ભરતી કરવાનુ નક્કી કર્યું હતું. આમ, 2007માં પ્રથમ વખત મહિલાઓની ગાર્ડની પોસ્ટ ભરતી કરવામાં આવી હતી. ત્યારે હું આ પોસ્ટ પર વન વિભાગમાં જોડાઈ હતી. ત્યારબાદ જ 2008માં સીધી ભરતીથી ફોરેસ્ટરની પોસ્ટ પર પસંદગી પામી હતી. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદીની એક નવી વિચારધારાના કારણે આજે મહિલાઓને વન વિભાગમાં પણ સેવા બજાવવાનો મોકો મળ્યો છે.

રસીલાબેન અનાયાસે વન વિભાગમાં જોડાયા

માળીયા હાટીના તાલુકાના ભંડૂરી ગામે જન્મેલા રસીલાબેન કહે છે કે, તેમના પરિવારમાં તેમને એક ભાઈ અને એક બહેન છે. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી, અભણ માતા દુનિયાદારી જાણે નહી પણ કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે મહેનત-મજૂરી કરી અમને ભણાવ્યા.

વનવિભાગમાં અનાયાસે જોડાયાનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે,  હું અને મારો ભાઈ સાથે વન વિભાગમાં ગાર્ડની પોસ્ટ માટે ફિઝિકલ ટેસ્ટ આપવા ગયા હતા. પરંતુ તેનાથી આ ટેસ્ટ ક્લીયર ન થઇ શકી. જેથી હું શારીરિક કસોટી આપવા તૈયાઈ થઈ.  આમ, પણ સ્પોર્ટસમાં પહેલેથી રસ ધરાવતી હતી. દોડમાં તો રાષ્ટ્રીય કક્ષા સુધી રમી છું. એટલે ફિઝિકલ ટેસ્ટ કોઈ વધારે મુશ્કેલી વગર પાસ થઈ ગઈ. વન વિભાગની નોકરીમાં જોડાવાનો હેતુ તો માત્ર પરિવારને આર્થિક મદદરૂપ થવાનો હતો. નોકરી શરૂ કરી ત્યારે તો જંગલ, સિંહ કે વન્યપ્રાણીઓ વિશે કશું જાણતી ન હતી. પણ જવાબદારી અને અનુભવે ઘણું શીખવ્યું. રસીલાબેનને એક પુત્ર છે તેમના પતિ એસ.ટી વિભાગમાં સેવારત છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.