Abtak Media Google News

વરસાદને કારણે ડેમમાં પાણીની આવક શરૂ થતાં સૌની યોજનાના પાણી ઠાલવાનું બંધ કરી દેવાયું: સરકારે ફરી કોર્પોરેશન પાસે બાકી નાણાની કરી ઉઘરાણી

રાજકોટવાસીઓએ 31મી ઓગસ્ટ સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના 650 એમસીએફટી પાણી ઠાલવાની માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત 253 એમસીએફટી પાણી ઠાલવાયા બાદ વરસાદના કારણે આજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ જતા છેલ્લા ત્રણેક દિવસથી સૌનીના પાણી બંધ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન સિંચાઇ વિભાગ દ્વારા 151.20 કરોડનું બીલ કોર્પોરેશન મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટની વસતી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. જેની સામે જળાશયોની સંખ્યામાં કોઇ જ વધારો થયો નથી. જેના કારણે ચોમાસાની સિઝનમાં સતત એક મહિના સુધી ડેમ ઓવરફ્લો થતા હોવા છતાં દર ત્રણ મહિને આજી અને ન્યારી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવા પડે છે. આ વર્ષે 1333 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ફરી આજી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

દરમિયાન તાજેતરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પડેલા સંતોષકારક વરસાદના કારણે તમામ જળાશયોમાં પાણીની સારી એવી આવક થવા પામી છે. જેના કારણે ત્રણેક દિવસથી આજીમાં સૌનીના પાણી ઠાલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. બીજા રાઉન્ડમાં કુલ 253 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે. 29 ફૂટે ઓવરફ્લો થતા અને 933 એમસીએફટીની સંગ્રહશક્તિ ધરાવતા આજી ડેમની આજની સપાટી 23.10 ફુટની છે અને ડેમમાં 571 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ આ પાણી 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેમ છે. સૌનીની પાણી બંધ કર્યાની સાથે રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ દ્વારા કોર્પોરેશન પાસે ફરી વર્ષો જુના લેણાંની ઉઘરાણી કરવામાં આવી છે. વર્ષ-2017 થી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણી ઠાલવવામાં આવે છે. આ ઉપરાંત 2021થી ન્યારી ડેમમાં પણ સૌનીનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. સિંચાઇ વિભાગે નવું રૂ.151.20 કરોડનું બીલ મોકલ્યું છે. જો કે, જ્યારે-જ્યારે કોર્પોરેશન દ્વારા પાણીની માંગણી કરવામાં આવે ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા બાકી નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોય છે. પરંતુ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ એવી નથી કે આટલી તોતીંગ રકમ ભરપાઇ કરી શકે. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ભાદર ડેમમાં નવું અડધો ફૂટ અને ન્યારી ડેમમાં 0.16 ફૂટ પાણીની આવક થવા પામી છે. સતત સારા વરસાદના કારણે જળાશયોની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.