Abtak Media Google News

પીછે પડ ગયા જીએસટી !!!

જીએસટી પ્રેક્ટિસ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે અબતકની વિશેષ વાતચીત

બોગસ બીલિંગ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પેઢીઓની યાદી તૈયાર કરાય, આવતા 2 મહિનાના સમયગાળા દરમિયાન અનેક જીએસટી રજિસ્ટ્રેશન રદ થાય તેવી ભીતિ

ગુજરાત સહિત દેશભરમાં જીએસટી અમલી બનતા જ  ઘણા કરદાતા હોય ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કૌભાંડ આચરવાનું શરૂ કર્યું હતું એટલું જ નહીં ઘણી સેલ કંપનીઓ કે જેઓએ માત્ર જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવી માત્ર કાગળ ઉપર જ કંપનીઓ અને પોતાનો વ્યાપાર શરૂ કર્યો હોવાનું દેખાડ્યું હતું અને અનેકવિધ રીતે ગેરરીતિ પણ આચરવામાં આવી હતી. પરંતુ જ્યારે આ અંગેની જાણ કેન્દ્ર સરકાર અને નાણા વિભાગને થઈ ત્યારબાદ આ તમામ બોગસ બીલિંગ કરતી કંપનીઓને કરદાતાઓ ઉપર વિવિધ સ્થિતિમાં જીએસટી વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી.

ત્યારે આવનારા દિવસોમાં જે રીતે બોગસ બીલિંગના કૌભાંડો વધી રહ્યા છે તેને અંકુશમાં લાવવા અને તેને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ખાસ જીએસટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે આગામી બે મહિના સુધી ચાલશે. તરફ આ ઝુંબેશની શરૂઆત થતાં જ વ્યાપારીઓમાં વપરાટ અને ભય વ્યાપી ઊઠ્યો છે ત્યારે જીએસટી પ્રેક્ટિસ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું માનવું છે કે જે યોગ્ય રીતે કરની ભરપાઈ કરે છે તે કરદાતા અને તે પેઢીને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે માત્રને માત્ર તેઓએ જરૂરી તમામ દસ્તાવેજ હાથ વગર રાખવા પડશે જેથી તેમને ત્યાં જીએસટી તપાસ આવે તો તે સહજતાથી તે તમામ દસ્તાવેજો ને દેખાડી શકે.

અત્યાર સુધી જે ખોટી રીતે જીએસટી નંબર મેળવવામાં આવ્યા હતા તેમાં કોઈ યોગ્ય વ્યવસાય પણ હજુ સુધી હાથ ધરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે આ તમામ પગલાને ધ્યાને લઈ જીએસટી વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ. સરકારના ધ્યાને  છેલ્લા કેટલાક સમયથી જીએસટીના ખોટા નંબરો મેળવી મોટાપાયે કૌભાંડકારો દ્વારા કરચોરી કરાતી હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ખાસ કરીને સામાન્ય લોકોનાં દસ્તાવેજોનો ઉપયોગ કરી અને ખોટી રીતે નંબરો મેળવી તથા બોગસ પેઢીઓ ઉભી કરી કરોડો અબજો રૂપિયાનું બોગસ બીલીંગ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. અને રાજય તથા કેન્દ્રની સરકારને કૌભાંડકારો વ્યાપક નુકશાન કરી રહ્યા છે.

જીએસટી કરદાતાઓએ આ ઝુંબેશથી ડરવાની જરૂર નથી : સી.એ. શરદભાઈ અનડા

રાજકોટના ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શરદભાઈ અનડાએ જણાવ્યું હતું કે જીએસટી કરતા હોય આ ઝુંબેશ થી ડરવાની જરૂર નથી કારણ કે સરકારનો મુખ્ય હેતુ એ છે કે જે  પેઢીઓ બોગસ બીલિંગ કરતું હોય તેનો પડદા ફાશ કરવાનો છે. ત્યારે સરકાર દ્વારા આ અંગેની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે અને આગામી બે મહિનામાં જે ખોટી પેઢી ઊભી થયેલી હોય તેમના જીએસટી રજીસ્ટ્રેશન નંબર ને પણ રદ કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે કોઈ કરદાતા ઉપર જીએસટી વિભાગની ટીમ ત્રાટકે તો તેઓએ જરૂરી તમામ દસ્તાવેજો હાથ વગર રાખવા પડશે જેથી કરદાતાઓને અન્ય કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે.

સરકાર દ્વારા લેવામાં આવેલું પગલું બોગસ બીલિંગને અટકાવવા કારગત નીવડશે : સી.એ. વિનય સાકરીયા

છેલ્લા ઘણા સમયથી જીએસટી પ્રેક્ટિસ કરનારા સીએ વિનય સાકરીયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે દેશ વ્યાપી વિશેષ ઝુંબેશ બોગસ બીલિંગને અટકાવવા માટે હાથ ધરવામાં આવી છે તે અત્યંત કારગત નીવડશે. એટલું જ નહીં મુખ્ય હેતુ એ જ છે કે જે યોગ્ય કરની ભરપાઈ કરતા કરદાતાઓ છે તેને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે. બીજી તરફ સરકારે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે કે બીજા કોઈ કરદાતાઓ ન દંડાય. એક તરફ સરકારની આવક દર મહિને 1,00,000 કરોડને પાર પહોંચે છે સામે જે રીતે બોગસ બીલિંગના કોભાંડો સામે આવી રહ્યા છે ત્યારે તેના પર અંકુશ લાવવા માટે સરકારની આ ઝુંબેશ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

ઝુંબેશ કેટલી અસરકરતા નીવડી તે આગામી બે માસ બાદ જ ખ્યાલ આવશે : સી.એ. અભિષેક દોશી

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી પ્રેક્ટિસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભિષેક દોશી એ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તે કેટલી કારગત નિવડશે તે આગામી બે માસમાં જ ખ્યાલ આવશે. બીજી તરફ હાલ જે રીતે બોગસ વ્યવહારો થતા સામે આવ્યા છે તેનાથી નવા જીએસટી રજીસ્ટ્રેશન કરનારી પેઢીઓને પણ ઘણી તકલીફો વેઠવી પડી રહી છે. સામે સરકાર પણ હવે ગંભીરતાથી એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે આ ઝુંબેશ માં કોઈ સાચા કરદાતા ને તકલીફ ન પડે. હાલ ભાવનગરમાં જે રીતે જીએસટી કોભાંડો સામે આવ્યા તેને અટકાવવા માટે સરકારની આ ઝુંબેશ કેટલી કારગત નિવડશે તે આગામી બે માસમાં જ ખ્યાલ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.