Abtak Media Google News

ડિઝાઇન ચેકીંગ ચાર્જ પેટે રેલવેએ કોર્પોરેશન પાસે રૂ.12 લાખ માંગ્યા: બ્રિજની પહોળાઇ 16.40 મીટર એટલે કે ફોરલેન યથાવત રખાઇ

શહેરના જામનગર રોડ પર આવેલો દાયકો જૂના સાંઢીયા પુલનું આયુષ્ય પૂરું થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી અહિં ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. હયાત પુલના સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા અગાઉ રજૂ કરવામાં આવેલી ડિઝાઇનમાં રેલવે વિભાગે કેટલાક સુધારા સૂચવ્યા હતાં. દરમિયાન તાજેતરમાં કોર્પોરેશન દ્વારા સાંઢીયા પુલની નવી ડિઝાઇન તૈયાર રેલવે વિભાગ સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. જેમાં બ્રિજની લંબાઇમાં 90 મીટર અને ઊંચાઇમાં અઢી મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે પહોળાઇમાં કોઇ ફેરફાર કરાયો નથી. 16.40 મીટરની પહોળાઇ સાથે ફોરલેન બ્રિજ બનશે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના ઇન્ચાર્જ સિટી એન્જીનીંયર એમ.એચ.કોટકે જણાવ્યું હતું કે જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલના સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા રેલવે વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવેલી જૂની ડિઝાઇનમાં બ્રિજની લંબાઇ 700 મીટર, પહોળાઇ 16.40 મીટર અને ઊંચાઇ 8.70 મીટર રાખવામાં આવી હતી. બ્રિજના નિર્માણ માટે 54 કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો.

દરમિયાન ગત મહિને સાંસદ મોહનભાઇ કુંડારિયાની અધ્યક્ષતામાં રેલવે વિભાગના અધિકારીઓ સાથે વિવિધ પ્રશ્ર્ને બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા રેલવેના પોસનમાં બ્રિજનું જે કામ કરવાનો થાય છે તેનો 10 કરોડનો ખર્ચ રેલવે વિભાગ દ્વારા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. દરમિયાન રેલવેના અધિકારીઓએ ખર્ચ આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને બ્રિજની ડિઝાઇનમાં કેટલાક સુધારા-વધારા સૂચવ્યા હતાં. જેના કારણે પ્રોજેક્ટ કોસ્ટમાં આપોઆપ ઘટાડો થશે. તેવું જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં કોર્પોરેશન દ્વારા રેલવે વિભાગ સમક્ષ નવી ડિઝાઇન રજૂ કરી દેવામાં આવી છે. જેમાં સાંઢીયા પુલની નવી ડિઝાઇનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. બ્રિજની લંબાઇ 700 મીટરથી ઘટાડી 605 મીટર કરવામાં આવી છે. જ્યારે અગાઉ ઊંચાઇ 8.70 મીટર રાખવામાં આવી હતી. જેમાં 2.45 મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે અને નવી ડિઝાઇન મુજબ બ્રિજની ઊંચાઇ હવે 6.25 મીટરની રહેશે. જો કે પહોળાઇમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ફોરલેન બ્રિજની પહોળાઇ 16.40 મીટર રહેશે.

નવી ડિઝાઇન બનાવાથી પ્રોજેક્ટ કોસ્ટમાં 10 કરોડથી પણ વધુની બચત થશે. નવી ડિઝાઇન રેલવે વિભાગ સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. તેઓએ ડિઝાઇન ચેકીંગના ચાર્જ પેટે રૂ.12 લાખની માંગણી કરી છે. જે ટૂંક સમયમાં ચૂકવી દેવામાં આવશે. ત્યારબાદ પશ્ર્ચિમ રેલવેના મુંબઇ સ્થિત  હેડક્વાર્ટર ખાતેથી ડિઝાઇનને મંજૂરી મળતાની સાથે જ ટેન્ડર પ્રસિદ્વ  કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સાંઢીયા પુલની કામગીરી થોડા સમયમાં શરૂ થઇ જાય તેવા શુભ સંકેતો મળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.