Abtak Media Google News

દર મહિને જિલ્લામાં સરેરાશ 700 અકસ્માત, જેમાં ટુ વ્હીલર્સના 500 અને ફોર વહીલર- થ્રી વ્હીલરના 200 અકસ્માત

જિલ્લામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં અંદાજે 1459 ઈજાગ્રસ્ત લોકોને 108એ ત્વરિત સારવાર પૂરી પાડી

રાજકોટ જિલ્લામાં દરરોજ સરેરાશ 23 અકસ્માત સર્જાય છે. દર મહિને જોઈએ તો જિલ્લામાં સરેરાશ કુલ 700 અકસ્માત થાય છે. જેમાં ટુ વહીલર્સના 500 અને ફોર વહીલર- થ્રિ વહીલરના 200 અકસ્માત હોય છે.

Advertisement

આજના ભાગદોડભર્યા અને ઝડપી પરિવહનના યુગમાં વાહનોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય હોય કે શહેર, દરેક જગ્યાએ રોડ અકસ્માતના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આપણે જાણીએ જ છીએ કે છાશવારે સર્જાતા અકસ્માતોમાં મોટા ભાગે વાહનની ઓવરસ્પીડ કારણભૂત હોય છે અને આવા સમયે મદદ માટે લોકોનાં હોઠે તુરંત જ આવતો નંબર એટલે 108.

નાગરિકોને આકસ્મિક બનાવના સમયે સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટના સહયોગથી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા ગુજરાતમાં 29 ઓગસ્ટ, 2007 ના રોજ શરૂ કરાવી હતી, ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ સેવાને વધુને વધુ અસરકારક બનાવી તેનો વ્યાપ વધારીને લાખો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી માસમાં સૌથી વધુ ટુ વ્હીલર અકસ્માતમાં  560 કેઈસ, ફોર વ્હીલર અકસ્માતમાં 94 કેઈસ, થ્રી વ્હીલર અકસ્માતમાં 53 કેઈસ, અન્ય વાહન અકસ્માતમાં 36 કેઈસ, ટ્રેન અકસ્માતમાં 7 સહીત ગોંડલ તાલુકામાં 86, જેતપુરમાં 61, જસદણમાં 35, કોટડા સાંગાણીમાં 39, લોધિકામાં 30, ધોરાજીમાં 27, ઉપલેટામાં 28, પડધરીમાં 30, વિંછીયામાં 19 કેઈસ નોંધાયા હતા. ફેબ્રુઆરી માસમાં સૌથી વધુ ટુ વ્હીલર અકસ્માતમાં 515 કેઈસ, ફોર વ્હીલર અકસ્માતમાં 86 કેઈસ, થ્રી વ્હીલર અકસ્માતમાં 59 કેઈસ, અન્ય વાહન અકસ્માતમાં 44 કેઈસ, ટ્રેન અકસ્માતમાં 5 સહીત ગોંડલ તાલુકામાં 78, જેતપુરમાં 57, જસદણમાં 38, કોટડા સાંગાણીમાં 21, લોધિકામાં 29, ધોરાજીમાં 20, ઉપલેટામાં 16, પડધરીમાં 13, વિંછીયામાં 12 કેઈસ નોંધાયા હતા. રોડ અકસ્માતમાં ગંભીર ઈજાઓના સમયે રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં અંદાજે 1459 કેઈસમાં ત્વરિત સારવાર પૂરી પાડી નાગરિકો માટે જીવન રક્ષક બની છે.

પોતાના ઉપર નહીં તો પરિવાર ઉપર રહેમ રાખી વાહન ચલાવો

ગુજરાત રાજ્ય મેડિકલ સારવાર અને સેવાઓ ક્ષેત્રે દેશમાં અવ્વલ રહ્યું છે ત્યારે 108 એમ્બ્યુલન્સ સેવા મેડિકલ ઈમરજન્સીમાં નાગરિકો માટે જીવનરક્ષક બની છે. વાહન ગમે તેટલી સુવિધાવાળું હોય પણ ક્યારેય ઓવર સ્પીડમાં ચલાવવું જોઈએ નહીં. જો વાહનની ઝડપ ઓછી હોય તો કાબૂ મેળવી શકાય છે. અકસ્માતથી બચવા માટે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકાર આ માટે જરૂરી તમામ પ્રયાસો પણ કરી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે ટ્રાફિક માર્ગદર્શન સેમિનાર, ટ્રાફિક સપ્તાહ ઉજવણી જેવા કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ અર્થે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

શહેરમાં સરેરાશ માત્ર 10 જ મિનિટમાં 108 ઘટના સ્થળે પહોંચી જાય છે!

આકસ્મિક રોડ અકસ્માતનાં બનાવોમાં 108 ઈમરજન્સી સેવાની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરી વિસ્તારોમાં અંદાજિત માત્ર 10 મિનિટ અને ગ્રામ્ય કક્ષાએ માત્ર 16 જ મિનિટમાં જ સ્થળ ઉપર 108ની ટીમ હજાર થઈ જાય છે.

કટોકટીની કોઈપણ ક્ષણે પ્રત્યેક સેક્ધડ મુલ્યવાન હોય છે ત્યારે સતર્કતા અને સમયબદ્ધતા સાથે સત્વરે ઈજાગ્રસ્તને સલામતી સાથે સંબંધિત યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડવાની 108ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી થઈ રહી છે.

શહેરમાં 42 જેટલી 108 રાઉન્ડ ધ ક્લોક કાર્યરત

રાજકોટમાં આજે 42 જેટલી 108 એમ્બ્યુલન્સ સાથે અંદાજિત 82 પાયલોટ અને 80 ઈ.એમ.ટી. આરોગ્યકર્મીઓ 108માં સેવાઓ આપી રહ્યા છે. સમગ્ર રાજકોટ શહેર અને 11 તાલુકાઓ અને ગામડાઓમાં 108 ની સેવાનું માળખું ફેલાયેલું છે. ઉલ્લેખનીય છે કે સતર્કતા અને સમયબદ્ધતા સાથે રોડ અકસ્માતમાં ગંભીર ઈજાઓ સમયે નાગરિકો માટે 108 એમ્બ્યુલન્સ સેવા જીવન રક્ષક બનતી છાશવારે સર્જાતા અકસ્માતોમાં મોટા ભાગે વાહનની ઓવરસ્પીડ કારણભૂત હોય છે અને આવા સમયે મદદ માટે લોકોનાં હોઠે તુરંત જ આવતો નંબર એટલે 108 છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.