Abtak Media Google News

રાજકીય પ્રવૃતિઓમાં મદદરૂપ થતા એનજીઓને નહીં મળે નાણાકીય મદદ

સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેમાં અત્યારસુધી રાજકીય પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતી જે એનજીઓ છે તેને વિદેશથી નાણાકિય સહાય મળતી હતી પરંતુ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ હવે જે કોઈ સ્વૈચ્છિક સંસ્થા એટલે કે એનજીઓ રાજકીય પ્રવૃતિઓમાં સાથ આપશે તો તેઓને વિદેશથી મળતા નાણાની સહાય મળવાપાત્ર નહીં રહે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જે કોઈ એનજીઓ કે જે ખેડુત, કામદારો, વિદ્યાર્થીઓ, સમાજ અને જ્ઞાતિ આધારીત ચાલતા હોય અને જો આમાંથી કોઈપણ એનજીઓ રાજકીય ગતિવિધિ જેવી કે બંધ, હડતાલ અને રસ્તા રોકોમાં  મદદરૂપ સાબિત થયું હોય તો તે તમામ એનજીઓને વિદેશથી મળતા નાણા ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે.

અત્યારસુધી એનજીઓ ઘણાખરા આ પ્રકારના કિસ્સામાં પોતાનો અહમ ભાગ ભજવ્યો છે જેમાંથી સમાજના હિતના કાર્યો નહીં પરંતુ પોતાના વિકાસ માટે તેમના દ્વારા રાજકીય પક્ષોને મદદ કરતી હોવાનું સામે આવ્યું છે. વ્યાપક માત્રામાં આ પ્રકારની ફરિયાદ ઉદભવિત થતા સરકારે મળતી વિદેશી સહાય ઉપર પ્રતિબંધ લાદવા માટેનો નિર્ણય લીધેલો છે. અત્યાર સુધી આ નાણાકિય સહાય લેવામાં અનેકવિધ એનજીઓને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. શાહીનબાગની ઘટના હોય કે પછી પાસની અનામત માટેની લડાઈ હોય આ તમામ સ્થિતિમાં એનજીઓને વ્યાપક પ્રમાણમાં વિદેશી ભંડોળ મળ્યું હતું જેનો ઉપયોગ એનજીઓ દ્વારા ખુબ મોટીમાત્રામાં કરવામાં આવ્યો હતો જેની સામે આ એનજીઓ દ્વારા સમાજ ઉત્થાન માટેના નહિવત કાર્યો કર્યા હોવાનું પણ ચિત્ર દેખાયું હતું.

સરકાર દ્વારા નિર્ધારિત કરેલા નવા નિયમો મુજબ જે કોઈ એનજીઓને વિદેશથી આવતા નાણાની સહાય મેળવવી હોય તો તેઓએ તેમની નોંધણી એફસીઆરએ હેઠળ કરવી ફરજીયાત છે જેમાં સરકાર દ્વારા ફોરેન ક્ધટ્રીબ્યુશન એકટ હેઠળ નોંધાવવુ પણ અનિવાર્ય બન્યું છે. સાથો સાથ વિદેશથી મળતી નાણાકિય સહાય માટે એનજીઓએ ગત ૩ નાણાકિય વર્ષમાં ઓછામાં ઓછુ ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું અને સમાજ ઉત્થાનનાં કાર્યો કર્યા હોવાના પુરાવા આપવા પડશે અને જે એનજીઓ આ કાર્ય કરવામાં સફળ થશે તેઓને જ વિદેશથી મળતી નાણાકિય સહાય મળવાપાત્ર રહેશે. નવા નિયમો મુજબ એનજીઓની નોંધણી ફી જે ૩૦૦૦ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી હતી તેમાં વધારો કરી તેને ૫૦૦૦ સુધી લંબાવવામાં આવી છે સાથો સાથ નાણાકિય સહાય માટે મળવાપાત્ર ગ્રાન્ટની પરવાનગી લેવા માટે પણ સરકાર દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ મુદ્દે સરકાર એનજીઓ પાસેથી ૫૦૦૦ રૂપિયા ફી વસુલતુ હતુ જેનો હવે ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.