Abtak Media Google News
  • ઘરેલુ કંપનીઓને ગિફ્ટની ગિફ્ટ
  • આઈએફએસસી ઉપર સીધા જ લીસ્ટિંગ માટે નાણા મંત્રાલયની લીલીઝંડી: આ નિર્ણયથી હવે કંપનીઓ સરળતાથી વિદેશી રોકાણ મેળવી શકશે

ઘરેલું કંપનીઓને ગિફ્ટ સિટીએ મોટી ગિફ્ટ આપી છે. હવેથી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી એટલેકે ગિફ્ટ સિટીના આઈએફએસસીના ઈન્ટરનેશનલ એક્સચેન્જ પર ભારતીય કંપનીઓ દ્વારા સિક્યોરિટીઝની સીધી લિસ્ટિંગને મંજૂરી આપી છે. આ પગલાંથી વિદેશી રોકાણ વધશે ભારતીય કંપનીઓ માટે પણ વિકાસની તકો ઉપલબ્ધ થશે

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ગયા વર્ષે 28 જુલાઈએ જાહેર કરાયેલ આ પહેલ ભારતીય મૂડી બજારમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવશે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (નોન-ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) નિયમ 2019 માં સુધારો કર્યો છે. આ અંતર્ગત ઇન્ટરનેશનલ એક્સચેન્જ સ્કીમ પર ડાયરેક્ટ લિસ્ટિંગની મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત કોર્પોરેટ અફેર્સ મંત્રાલય એ કંપની નિયમ 2024 ઈશ્યુ કર્યા છે. તે ભારતીય કંપનીઓને તેમના શેર ઇશ્યૂ કરવા અને પરવાનગી પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો પર લિસ્ટ કરવા માટે એક વ્યાપક નિયમનકારી  માળખું પૂરું પાડે છે.

કંપનીઝ (સુધારા) અધિનિયમ 2020 એ ભારતમાં સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટેડ કંપનીઓની સિક્યોરિટીઝની સીધી લિસ્ટિંગ કરવા માટેનો સૌપ્રથમ પાયો નાખ્યો હતો. આ નિયમો ગયા વર્ષે 30 ઓક્ટોબરથી લાગુ થયા હતા.

Now Indian Companies Can List Shares In Gift
Now Indian companies can list shares in gift

સેબી ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરશે

હાલમાં અનલિસ્ટેડ ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો પર તેમના શેરનું લિસ્ટિંગ કરી શકે છે. માર્કેટ રેગ્યુલેટર સેબી ટૂંક સમયમાં લિસ્ટેડ કંપનીઓ માટે માર્ગદર્શિકા જારી કરી શકે છે. બીજી તરફ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ અને એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જને નવા નિયમો હેઠળ સ્ટોક એક્સચેન્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સોલાર અને ટેક સ્ટાર્ટઅપને વિશેષ લાભ મળશે

આ વ્યૂહાત્મક પગલાથી ભારતીય મૂડી બજારને નવો આકાર મળવાની અપેક્ષા છે. આ ખાસ કરીને સોલાર અને ટેક સ્ટાર્ટઅપ્સને ભંડોળ મેળવવા માટે નવો માર્ગ પ્રદાન કરશે. એવો અંદાજ છે કે આનાથી ભારતીય કંપનીઓનું મૂલ્યાંકન વધશે અને તેઓ વૈશ્વિક ધોરણોની સમકક્ષ બની જશે. ગિફ્ટ આઈએફએસસી એ ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે. તે ભારતને વૈશ્વિક નાણાકીય તકો સાથે જોડતા મહત્વના સેતુ તરીકે કામ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.