Abtak Media Google News

ખાદ્ય ઉત્પાદનોના પેકેટ ઉપર તો કેલેરી અને ન્યુટ્રીશનની વિગતો દર્શાવવામાં આવતી હોય છે. જોકે, હવેથી ફૂડ સર્વિસ આપતા એકમોને મેન્યુકાર્ડ ઉપર પણ આવી વિગતો દર્શાવવી પડશે. કેન્દ્રનું લાઇસન્સ મળ્યું હોય અથવા 10થી વધુ સ્થળોએ આઉટલેટ હોય તેવા ફૂડ એકમોને આ નિયમ લાગુ પડશે.

મેન્યુકાર્ડ, બૂકલેટ જેવી યાદીમાં કેલરી, ન્યુટ્રીશન સહિતની વિગતો ફરજિયાત દર્શાવવી પડશે! લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન હેઠળ આ બાબતની અમલવારી થશે.

મેન્યુકાર્ડ કે બૂકલેટમાં કેલરીની જરૂરિયાત અંગે પણ માહિતી આપવી પડશે. જેમાં ‘એક સામાન્ય એક્ટિવ પુખ્તને દરરોજ 2000 kcal (કેલરી)ની જરૂર રહે છે, અલબત્ત કેલરીની જરૂરિયાત અલગ હોય શકે’ પણ દર્શાવવુ પડશે.

ધી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) દ્વારા ઘણા સમયથી પેકેટમાં લેબલિંગના નીતિ નિયમો ઘડવા માટે પ્રયાસો થતા હતા. અંતે આવા નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે. નિયમો મુજબ, ઇ કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને પોતાની વેબસાઈટ ઉપર પણ આવી વિગતો દર્શાવવી પડશે. આ વિગતો કલર આધારિત રહેશે. કલર લેબલિંગ પેકેટ ઉપર દર્શાવવા પડશે. ફૂડ પ્રોડક્ટમાં નમક, સુગર કે ફેટનું પ્રમાણ કલર લેબલિંગથી નક્કી થશે. પેકેજ ફૂડ મામલે પ્રથમ વખત બાળકોની ઉંમરને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. 18 વર્ષથી નીચેની ઉંમરના તમામને બાળક ગણવામાં આવશે.

ઉત્પાદનોની અંદર કેટલા પ્રમાણમાં કેલરી અને ન્યુટ્રીશન છે તે દર્શાવવા માટે તંત્ર દ્વારા નીતિ નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધી મેન્યુ કાર્ડ અથવા તો બુકલેટ ઉપર કેટલા પ્રમાણમાં કેલરી અને ન્યુટ્રીશન સહિતની વસ્તુઓ છે તે દર્શાવવામાં આવતું ન હતું પરંતુ નવા નિયમો મુજબ હવે આ તમામ વસ્તુઓ દર્શાવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.