Abtak Media Google News

ચુંટણીના આડે હવે માત્ર અઢી માસનો સમયગાળો બાકી રહ્યો હોય ભાજપ કોઈ નવુ જોખમ લેવા માંગતુ નથી: વિધાનસભા અને લોકસભા બાદ હવે કોર્પોરેશન જીતાડવાની જવાબદારી પણ કમલેશ મિરાણીના ખંભે: પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ કોરોનાગ્રસ્ત બનતા હવે પ્રદેશનું સંગઠન માળખુ પણ મોડુ જાહેર કરાય તેવી સંભાવના

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બાકીની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. સામાન્ય ચુંટણીના આડે હવે માત્ર અઢી માસનો સમયગાળો બાકી રહ્યો છે. રાજય ચુંટણીપંચ દ્વારા જે રીતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજયની ચુંટણી સમયસર યોજાઈ જશે. દરમિયાન વિશ્ર્વસનીય સુત્રો પાસેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે, હવે કોર્પોરેશનની ચુંટણીના પરિણામ બાદ નવા શહેર ભાજપ પ્રમુખના નામની ઘોષણા કરવામાં આવશે. ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પક્ષને ચારેય બેઠકો અને લોકસભાની ચુંટણીમાં ફરી કમળ ખીલવવામાં સફળ રહેલા સુકાની કમલેશભાઈ મિરાણીના નેતૃત્વમાં જ કોર્પોરેશનની ચુંટણી ભાજપ લડશે અને જો ચુંટણી જીતવામાં સફળ થશે તો મીરાણીને ફરી રીપીટ પણ કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણુક કરાયા બાદ એવું લાગતું હતું કે, પ્રદેશ ભાજપનું નવુ માળખુ ખુબ જ ઝડપથી જાહેર કરી દેવામાં આવશે. આ ઉપરાંત તાલુકા, જિલ્લા અને મહાનગરો માટે પણ નવા હોદેદારોની વરણી કરી દેવામાં આવશે પરંતુ ખુદ પ્રદેશ અધ્યક્ષ કોરોના સંક્રમિત બન્યા છે એટલે એક પખવાડિયુ તેઓ કોઈપણ કામગીરી કરી ન શકે તે સ્વાભાવિક છે. બીજી તરફ હાલ ચુંટણી પંચની તૈયારીઓ મુજબ સ્થાનિક સ્વરાજયની ચુંટણી સમયસર યોજાઈ તેવા સંકેતો મળી રહ્યા છે. જો ચુંટણી સમયસર યોજાઈ તો ચુંટણીના આડે હવે માત્ર અઢી મહિનાનો સમય બાકી રહ્યો છે. આવામાં જો શહેર ભાજપ પ્રમુખ તરીકે કોઈ નવા ચહેરાને તક આપવામાં આવે તો તેના નેતૃત્વમાં ચુંટણી લડવી અને જીતવી પક્ષ માટે જોખમકારક સાબિત થઈ શકે છે. ઉમેદવારોની પસંદગીથી લઈ ચુંટણીની વ્યુહ રચના ઘડવામાં તેનો ઓછો અનુભવ પક્ષ માટે ઘાતક નિવડી શકે તેમ છે. આવામાં હાલ પક્ષ પાસે બે વિકલ્પો છે. એક કમલેશ મિરાણીને પ્રમુખ તરીકે રીપીટ કરવામાં આવે અથવા તેઓને ચુંટણી સુધી ચાલુ રાખવામાં આવે.

સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવા શહેર ભાજપના નામની ઘોષણા કોર્પોરેશનની ચુંટણીના પરિણામ બાદ કરવામાં આવશે. પક્ષ દ્વારા પ્રથમવાર સંગઠનના હોદેદારોની નિમણુક માટે પ્રદેશમાંથી નિરીક્ષકોને મોકલી સેન્સ લેવામાં આવી હતી. સેન્સ દરમિયાન રાજકોટ શહેરમાંથી એક માત્ર કમલેશ મિરાણીનું નામ ગયું હતું. તમામ ૧૮ વોર્ડના કાર્યકરો, સિનિયર નેતાઓ, નગરસેવકો, ધારાસભ્યો અને સાંસદે પણ મીરાણીના નામની ભલામણ કરી હતી. આવામાં કમલેશભાઈને રીપીટ કરવામાં આવે તેવું ફાઈનલ માનવામાં આવતું હતું પરંતુ વોર્ડ નં.૫ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા ભાજપનો કેસરીયો ખેસ ફગાવી કોંગ્રેસમાં જોડાઈ જતા મીરાણી તરફનું વાતાવરણ થોડુ ડહોળાયુ છે. હવે તેઓને રીપીટ કરાશે કે નવો ચહેરો મુકાશે તેનો સંપૂર્ણ આધાર કોર્પોરેશનની ચુંટણીના પરીણામ પર રહેશે.

જિલ્લા ભાજપ પ્રમુખપદે પણ ડી.કે.સખીયાને સ્થાનિક સ્વરાજયની ચુંટણી સુધી યથાવત રાખવામાં આવશે તે નિશ્ર્ચિત બની ગયું છે. પ્રદેશ ભાજપનું નવુ માળખુ ૧૫ સપ્ટેમ્બર આસપાસ જાહેર કરી દેવામાં આવે તેવું લાગતું હતું પણ ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોરોનાગ્રસ્ત થતા હવે બધુ ડખ્ખે ચડી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.